થોડા વખત પહેલાં દેવપ્રયાગ નામે હિમાલયના સ્થાનમાં મારી પાસે એક સારા સાધુ આવ્યા. તે દેવપ્રયાગ ગામમાં રઘુનાથજીના મંદિર પાછળની નાનકડી ગુફામાં રહેતા અને અવારનવાર મને મળવા આવતા. એટલે અમારી વચ્ચે પ્રેમસબંધ થયો હતો.
તે આવ્યા એટલે અમે કેટલીક સાધના સંબંધી વાતો કરી. તેમનો વિચાર પ્રયાગરાજના તેમના આશ્રમમાં પાછા જવાનો હતો.
દેવપ્રયાગમાં છ મહિના જેટલો વખત તેમણે એકાંતવાસ અને અનુષ્ઠાનમાં પસાર કર્યો, પછી તેમના મનની મુંઝવણ દુર થઈ, ચિત્તની ચંચળતા ટળી ગઈ, તથા તેમને ઉંડી શાંતિ મળી, એટલે એમની ઈચ્છા દેવપ્રયાગ છોડીને ફરીવાર પ્રયાગરાજ જવાની થઈ. પ્રયાગરાજના આશ્રમમાં એમને કોઈ પ્રકારની તકલીફ ન હતી. બધી રીતે આરામ હતો. છતાં પણ હિમાલયના પુણ્ય પ્રદેશના આકર્ષણથી ખેંચાઈને એ દેવપ્રયાગ આવ્યા હતા. દેવપ્રયાગનો પ્રદેશ એકદમ પર્વતીય છે. ગામ આખુંયે જાણે પર્વતની કેડે કોઈ બાળક બેઠું હોય એવું લાગે છે. રસ્તો પણ સાંકડો ને પર્વતમાં જ કોરી કાઢેલો છે. ભુલેચુકે નીચે પડી જઈએ તો સીધા બીજે ક્યાંય નહિ, પણ ગંગાના શરણમાં જ પહોંચી જઈએ. અને ગંગા પણ કેવી ? ઉછળતા, દોડતા, ગર્જના કરતા ધોધ જેવી, ઘડીના છઠ્ઠા ભાગમાં તો ક્યાંયની ક્યાંય લઈ જાય. જે પડે એનો પત્તો જ ન લાગે. સ્નાન કરવું હોય તો પણ ઘાટનાં પગથીયાં પર બેસીને કે સાંકળ પકડીને કરો ત્યારે. અને ગંગા પણ એક નહિ, પણ બે. એક બદરીનાથથી આવતી અલકનંદા, અને બીજી ગંગોત્રી તરફથી આવતી ભાગીરથી. બંનેનો ત્યાં સંગમ થાય. એ દ્રશ્ય એટલો બધો આનંદ આપે કે વાત નહી. કેટલાય પ્રવાસીઓ પેઠે સાધુ મહારાજ પણ એ દ્રશ્ય દેખીને મુગ્ધ થઈ ગયા, ને પુરા છ મહિના એ પુણ્યપ્રદેશમાં રહીને શાંતિ મેળવી, હવે પ્રયાગરાજ જવા માગતા હતા.
પણ પૈસા વિના કેવી રીતે જવું ? તેમની પાસે નાણાં બીલકુલ ન હતાં. ગામમાં તેમણે કેટલાક માણસો પાસે માગણી કરી જોઈ, પણ કોઈએ મદદ ન કરી. એમની ઈચ્છા એવી હતી કે હું એમને કાંઈક મદદ કરું.
મારી પાસે પચીસેક રૂપિયા હતા. હું તેમને જરૂર મદદ કરી શકું તેમ હતો. તેમને પંદરેક રૂપિયાની જરૂર હતી, પરંતુ મારો પોતાનો વિચાર થોડાક દિવસોમાં દેવપ્રયાગ છોડવાનો હતો. તે માટે મારેય પૈસાની જરૂર હતી. સાધુ સારા હતા, છતાં આવી મુસીબત હતી એટલે શું થાય ?
આખરે મેં તે સાધુને ઋષિકેશમાં રહેતા એક વેપારીનું નામઠામ આપીને કહ્યું : ‘ત્યાં જશો તો તે જરૂર મદદ કરશે.’ પણ તેમનું મન માન્યું નહિ. તેમના મુખ પરના ભાવથી એ જણાઈ આવ્યું. છેવટે થોડીવાર બેસી નમસ્કાર કરી તે ચાલવા માંડ્યા.
પણ મારા દિલને તેમના ચહેરા ઉપર છવાયેલી નિરાશાથી ઘણું લાગી આવ્યું. મારી બાજુમાં તે વખતે દેવપ્રયાગથી બે માઈલ પર આવેલા 'કોટી' ગામમાં રહેતા એક ભાઈ બેઠા હતા. તેમને કહી તે સાધુપુરૂષને મેં પાછા બોલાવડાવ્યા.
તે આવીને બેઠા એટલે મેં પુછ્યું, ‘કેટલા પૈસા ચાલશે ?’
તેમણે કહ્યું : ‘પંદરેક રૂપિયા.’
ને મેં તેમને પંદર રૂપિયા આપી દીધા. તેમને અજબ લાગણી થઈ આવી. તેમણે જરા આનાકાની કરી, પણ મેં તેમને સમજાવીને કહ્યું : ‘પ્રભુ છે, મને વળી એ ગમે તે રીતે મોકલી આપશે.’
તે સાધુપુરૂષ ચાલતા થયા, ત્યારે તેમના મુખ પર સંતોષ અને આનંદના ભાવ હતા.
થોડા દિવસ બાદ મારા પર કોઈએ પચાસ રૂપિયા મોકલ્યા. તે સાધુપુરૂષને આપ્યા તેથી ત્રણ ગણાંથીયે વધારે.
મને થયું, અને આજે પણ એ વાત માનું છું, કે આપવામાં સદા સુખ તો છે. જે આપે છે તેની મુડી ઘટતી નથી, પણ વધે છે. ઈશ્વર તરફથી તેને એક કે બીજી રીતે અનેકગણું મળે છે. મારો તો એ અનુભવ છે, એટલે માણસે હૃદયને જેટલું બને તેટલું ઉદાર ને વિશાળ કરવાની જરૂર છે. સમાજમાં જેમની પાસે છે - ધન, વિદ્યા, તપ, સંપત્તિ ગમે તે, તે તેની દ્વારા - જેની પાસે કાંઈ જ નથી, અથવા તો બહુ જ થોડા પ્રમાણમાં છે - તેમને મદદરૂપ થવા લાગે, તો સૌને લાભ થાય, ને સમાજનું આખું સ્વરૂપ બદલાઈ જાય. એવા સમાજમાં ભેદભાવ, ઘર્ષણ કે શોષણ ના જાગે, અને કોઈ કારણથી જાગે તો તરત દુર થાય. આવો સમાજ સાચા અર્થમાં સુખી અને સમૃદ્ધ થાય.
- શ્રી યોગેશ્વરજી