એક વેશ્યાને કોઈ સંતપુરૂષના દર્શનનો લાભ મળ્યો. સંતના સમાગમની તેના પર સારી અસર થઈ. પછી તો તેને સંતના દર્શનની લગની લાગી. તેના મકાન પાસેથી સંતપુરૂષ રોજ નદીએ નહાવા જતા, મકાનની બારીમાંથી એ એમનું દર્શન કરી લેતી. તેમ કરવામાં તેને ખુબ આનંદ આવતો.
સંતપુરૂષના પવિત્ર જીવનની તેના પર અસર થવા માંડી. તેને પોતાના પાપમય જીવન પર ઘૃણા થઈ. એક દિવસ તેના દુઃખનો અને અસંતોષનો પાર ન રહ્યો. હિંમત કરી તે સંતપુરૂષ પાસે પહોંચી.
તેણે કહ્યું :‘પ્રભુ ! મારા ઘરને તમારાં પગલાંથી પાવન કરશો ?’
‘જરૂર.’ સંતે જવાબ વાળ્યો.
વેશ્યાના આનંદનો પાર ન રહ્યો. તેના ઘરમાં સંતપુરૂષની પધરામણી થઈ, તેથી તે ખુશ થઈ. સંતને સુંદર આસન પર બેસાડી તે સામે બેઠી. તેની આંખમાંથી પાણીનાં ઝરણાં ઝરવા માંડ્યા. તેને મન આજે મહાન ઉત્સવ હતો. સંતપુરૂષના સહવાસમાં શાંતિ અનુભવતાં તેણે પુછ્યું :
‘પ્રભુ ! મારા ઉદ્ધારનો કોઈ ઉપાય છે ?’
‘જરૂર છે.’ સંતે ઉત્તર આપ્યો : ‘પ્રભુનો દરબાર બધા માટે ઉઘાડો છે. જે ધારે તે તેમાં દાખલ થઇ શકે છે. પવન ને પૃથ્વી જેમ સૌને માટે છે. તેમ પ્રભુ પણ સૌના છે. જે ધારે તે તેમનું શરણ લઈ શકે છે, તેમને પ્રેમ કરી શકે છે, ને તેમની કૃપાના પવિત્ર ગંગાજળમાં નહાઈ શકે છે. તેમનું દર્શન કરવાનો પણ સહુને સરખો અધિકાર છે. જે તેમનું શરણ લે-તેમને પ્રેમ કરે, તેમના કૃપાપાત્ર થવા માટે તલસે, તે પોતાનો ઉદ્ધાર કરી શકે છે. તારે માટે પણ તે માર્ગ ઉઘાડો છે, માટે પ્રભુનું શરણું લે. મન, વાણી ને કાયાથી પ્રભુની પૂજા કર, એના દર્શન માટે આતુર બન. પ્રભુના નામમાં રસ પેદા કર.’
વેશ્યાએ એ શબ્દોને હૃદયમાં ઉતારી લીધા-દિલમાં લખી દીધા, ને સંત પાસેથી પ્રભુના નામની દીક્ષા લીધી. તેના દિલમાં પ્રકાશ થયો. તે પ્રભુની મહાન ભક્ત બની ગઈ. પાપકર્મમાંથી તેનું મન ઉઠી ગયું, એટલે કે તેણે તેનો વિચાર પણ કર્યો નહીં.
સાર એ છે કે, જે અતિ દુરાચારી છે તેણે પણ ડરવાની જરૂર નથી. પાપી હોય તેણે પણ ડરવાની જરૂર નથી. દુરાચારી ને પાપી પણ પ્રભુનું શરણ લે, ને મન લગાડીને પ્રભુને ભજવા માંડે, તો તે થોડા જ વખતમાં ધર્માત્મા થઈ જાય છે. અનુપમ શાંતિની પ્રાપ્તિ કરી લે છે. પ્રભુના નામમાં એવી શક્તિ છે, એવો પ્રભાવ છે. પ્રભુની શરણાગતિમાં એવી તાકાત છે. દુરાચારી કે પાપી માણસ પણ સાચા દિલથી પ્રભુનું નામ લે, તો તે આપોઆપ સુધરવા માંડે છે. સુરજની પાસે જવાથી જેમ અંધારૂ આપોઆપ દુર થઈ જાય છે, તેમ પ્રભુની પાસે પહોંચવાથી કે પહોંચવાનો પ્રયાસ કરવાથી, મનનો મેલ નીકળી જાય છે. કોઈ કારણથી ઈચ્છા કે અનિચ્છાથી ખરાબ કામ થયાં હોય તો તેને યાદ કરીને બેસી ન રહેવું. પાપ થઈ ગયું તો ભલે, પરંતુ ફરી પાપ કરવાની વૃત્તિ ન હોવી જોઈએ. જે પાપી માણસોએ તે માટે પશ્ચાતાપ કર્યો છે તેનો ઉદ્ધાર થયો છે.
- શ્રી યોગેશ્વરજી