કબીરની એક વાત જાણીતી છે.
એકવાર તે બહાર ગયા હતા ત્યારે તેમને ત્યાં એક દુરાચારી માણસ આવ્યો. ઘરમાં સંત કબીરની સ્ત્રી હતી. તેણે તેને પુછ્યું : ‘તમારે કબીરનું શું કામ છે ? મને કહેવા જેવું હોય તો કહો.’
પેલા માણસે પુછ્યું : ‘હું ખુબ પાપી છું. જીંદગીમાં પાપ કરતાં પાછું વાળીને જોયું નથી. મારે માટે કોઈ તરવાનો ઉપાય છે કે કેમ, તે જાણવા હું આવ્યો છું - કારણ કબીરસાહેબ પાપીને પણ તારી દે છે, એવું મેં સાંભળ્યું છે.’
કબીરની સ્ત્રીએ કહ્યું : ‘એ ઉપાય તો હું પણ બતાવી શકું તેમ છું. ત્રણ વખત રામનામ લેજો, એટલે બધાં પાપ બળી જશે.’
પેલો માણસ ખુશ થઈ ગયો. આનંદમાં આવી નાચતાં-નાચતાં તે જોરથી રામનામ બોલવા માંડ્યો. રસ્તામાં તેને કબીરજી મળ્યા. તેને નાચતો જોઈ તેમણે તેની પાસેથી બધી વાત જાણી લીધી. પણ તેથી તેમને જરા ખેદ થયો.
ઘેર આવી તેમણે પોતાની સ્ત્રીને કહ્યું : ‘તને હજી રામનામના મહિમાનો સાચો ખ્યાલ નથી એમ લાગે છે. નહિ તો પેલા માણસને તું ત્રણ વાર રામનામ લેવાનું ન કહેત. પ્રેમપૂર્વક લેવાયેલું એક જ વારનું રામનામ બધાં પાપો બાળી નાખે છે ને માણસ નવો અવતાર ધરે એટલું તે બળવાન છે.’
આ વાત સાચી હોય કે ખોટી, તેનો સાર એ છે કે સુધરવાની ઈચ્છા છે તે તો એક ઘડીમાં, અરે ઘડીના છઠ્ઠા ભાગમાં સુધરી શકે છે. જેને સુધરવું જ નથી, ને ખાલી વાતો જ કરવી છે, એ તો વરસો સુધી સુધરવાનાં સ્વપ્નાં સેવ્યા કરે, તો પણ સુધરી નહિ શકે. ઉલટો વધારે બગડતો જશે. બીજી સાર વાત એ છે કે, પ્રભુના નામની શક્તિ અજબ છે. સાચા દિલથી એનો આધાર લો ને રંગપુર્વક તેનું રટણ કરવા માંડો એટલે તન ને મનના મેલ મટી જાય ને તમારો બેડો પાર થાય. ભલભલાં પાપી પણ પ્રભુના નામનો પ્રેમ કરી એના પ્રેમી થઈ ગયા છે. તેમના જીવન બીજાને માટે ધડો લેવા જેવાં છે. તેમાંથી સૌને બોધપાઠ મળી શકે તેમ છે. માટે ગમે તેવા અપરાધ કર્યા હોય, કે ગમે તેટલાં કુકર્મ કર્યા હોય, તો પણ હિંમત ન હારો, નિરાશ ના થાવ. તમારી જાતને કાયમ માટે પતિત ન સમજો. પાપને કાયમ માટે દફનાવી દેવાનો નિર્ણય કરો. કુકર્મ અને અપરાધને જીવનમાંથી ફેંકી દો. એ કામમાં પ્રભુની કૃપા માંગો. એમાં સફળ થવા માટે સાચા દિલથી એની પ્રાર્થના કરો, પોકાર કરો. પ્રભુની મહાન મદદ મેળવી તમારા કામમાં તમે જરૂર સફળ થશો.
જે પાપી, કુકર્મી કે દુરાચારી છે, તેમને માટે પણ તમારા દિલમાં સ્થાન રાખજો. ચડતી ને પડતી જીવનમાં આવ્યા જ કરે છે. પતન ને ઉત્થાન જીવનમાં ચાલ્યા જ કરે છે. જે આજે પતિત છે, તે કાલે પવિત્ર નહીં થાય તેની શી ખાત્રી ? તે કયા કારણથી પતિત થાય છે તેની કોને ખબર છે ? બહુ જ સંભવ છે, કે તેના દિલમાં સુધરવાની ઝંખના કાયમ હોય. માટે તેમને પણ તિરસ્કારવાની જરૂર નથી. તિરસ્કારવા કરતાં તેને સમજવાનો પ્રયાસ કરો, ને બની શકે તો સુધરવાનો માર્ગ આપો. એ રીતે તમે એમની ઓછીવત્તી સેવા કરી શકશો. બાકી તિરસ્કારથી તેમની કુસેવા જ કરશો, અને એકે પ્રશ્નનો ઉકેલ નહિ લાવી શકો.
- શ્રી યોગેશ્વરજી