થોડાક વરસો પહેલાંની વાત છે. બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી ને જમનોત્રીની યાત્રા પુરી કરી અમે ઋષિકેશના પ્રખ્યાત ધામમાં આવી પહોંચ્યા, અને ત્યાંની સુંદર ધર્મશાળામાં રહેવા લાગ્યા. એ ધર્મશાળાનું નામ ભગવાન આશ્રમ. ઋષિકેશની કુદરતી સૌન્દર્યથી ભરેલી ભુમિમાં મન લાગી જવાથી અમે એકાદ મહિના જેટલો લાંબો વખત રહ્યા. એ સ્વર્ગીય પ્રદેશમાં રહીને અમે રોજ પ્રાર્થના ને પ્રભુસ્મરણ કરતાં તથા ગંગાસ્નાનનો લાભ લેતાં. દિવસો એક પછી એક ક્યાં અથવા કેવી રીતે પસાર થઈ જતા, તેની ખબર પણ ન પડતી.
ઋષિકેશનાં સુંદર સ્થળને જોવાનું ને એ સ્થળમાં રહેવાનું ભાગ્ય ખરેખર અનેરું છે. જેને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે, તે સહેલાઈથી સમજી શકશે કે એ સૌભાગ્ય કેટલું કિંમતી છે. ઊંચી-ઊંચી ને લીલીછમ પર્વતમાળાની વચ્ચે વિશાળ મેદાનમાં વસેલું ઋષિકેશ જોતાંવેંત જ હૃદયને સ્પર્શી જાય છે, ને કહો કે કાળજાને કામણ કરે છે. એ પ્રદેશના પરમાણુ એટલાં બધાં અસરકારક છે કે વાત નહીં. જે આવે એને ત્યાં રહેવાનું મન થઈ જાય કે ગમી જાય, એવી એની શોભા છે. અમે પણ ત્યાં આનંદપૂર્વક રહેવા માંડ્યા.
પરંતુ ત્યાં કાંઈ કાયમને માટે રહી શકાય છે ? જો કે રહી શકાય ખરું, પણ રહેવાના સંજોગો ન હતા. અમારો વિચાર અયોધ્યા, કાશી, મથુરા, વૃંદાવન તરફ જવાનો હતો. એ રીતે બાકીની યાત્રા કરી લેવાની ભાવના હતી.
પણ એકલી ભાવનાથી કાંઈ યાત્રા થોડી કરી શકાય છે ? એમાંયે મોટી મુશ્કેલી હતી. હિમાલયની યાત્રામાં ધાર્યા કરતાં વધારે ખર્ચ થઈ જવાથી ધનની તકલીફ હતી. ઋષિકેશમાં પણ અમે ખુબ સંભાળીને રહેતા. એવા સંજોગોમાં બીજી યાત્રા કરવા માટે ક્યાં નીકળવું ?
છતાં, મને ઈશ્વર પર અસાધારણ શ્રદ્ધા હતી. કોઈ પણ સંજોગોમાં એ ડગે તેમ ન હતી. મને થયું, મારે બીજી યાત્રા કરવી એવી ઈશ્વરની ઈચ્છા હશે તો ગમે તે રીતે એ મને મદદ કરી યાત્રાએ લઈ જશે. એ તો સમર્થ છે, એને માટે કશું મુશ્કેલ નથી. નરસી મહેતાની એણે હુંડી સ્વીકારી છે, ને બીજી રીતે ભક્તોનાં અનેક કામ કર્યાં છે. લોકોમાંના કેટલાક એ વાતોને ટાઢા પહોરના ગપ્પાં જેવી ઉપજાવી કાઢેલી માને છે; પરંતુ ખરેખર તેવું નથી. શ્રદ્ધા હોય તો આજે પણ એવા એક યા બીજી જાતની ઈશ્વરી કૃપાના અનુભવ થઈ શકે છે. મને થયું કે હું કોઈ મોટો ભક્તપુરૂષ નથી; છતાં મને ઈશ્વર પર પ્રેમ છે, વિશ્વાસ છે, ને તે ધારશે તો મને જરૂર મદદ કરશે. એવા ભાવોમાં ડુબી મેં ઈશ્વરને પ્રાર્થના કરવા માંડી.
ઋષિકેશથી યાત્રામાં નીકળવા માટે અમારે પચાસ રૂપિયાની જરૂર હતી. એ રૂપિયા કેવી રીતે મેળવવા તેનો વિચાર કરતો હું બેઠો હતો, ત્યાં તો એક પ્રસંગ બન્યો. એક દિવસ બપોરે ટપાલી મારું નામ લેતો ધર્મશાળામાં આવ્યો, ને કહેવા લાગ્યો : ‘તમારું મનીઓર્ડર છે.’
મને નવાઈ લાગી. મારું મનીઓર્ડર હોય એ વાત હું ન માની શક્યો. મને રૂપિયા કોણ મોકલે ? મેં કોઈની પાસે મંગાવ્યા જ ક્યાં હતા ?
પરંતુ ટપાલીએ મનીઓર્ડર ફોર્મ મારા હાથમાં મુક્યું ત્યારે મને ખાતરી થઈ કે મારે નામે કોઈએ રૂપિયા મોકલ્યા છે. મોકલનારનું નામ અને સરનામું મેં જોયું, પણ તેને હું ઓળખતો ન હતો. તો શું આ રકમ શામળિયા શેઠે મોકલી ? મારે જરૂર હતી પચાસ રૂપિયાની, અને ઈશ્વરકૃપાથી મને એકાવન રૂપિયા મળ્યા. મારું હૃદય ભાવવિભોર બની ગયું. આંખ ભીની થઈ ગઈ. ધ્રુજતે હાથે મેં સહી કરી આપી, ને ટપાલી રકમ આપી ચાલતો થયો.
બીજે દિવસે અમે ઋષિકેશથી હરદ્વાર આવી અયોધ્યા તથા કાશી જવા નીકળી પડ્યા. એ રીતે બધી યાત્રા સુખરૂપ પુરી કરી. પણ મનીઓર્ડરનું રહસ્ય મારા મનમાં એવું ને એવું રહી ગયું. ઈશ્વરની દયા કે કરુણાનો વિચાર કરી મારું હૃદય વધારે કરુણ બની ગયું. મને લાગ્યું નરસી ભગતની હુંડી સ્વીકારવાની ને એવી બીજી વાતો ખોટી નથી. કોઈક વાતોમાં કોઈ અતિશયોક્તિ હશે, પરંતુ તેની પાછળ જે સાર છે તે સાચો જ છે કે ઈશ્વરનું જે શરણ લે છે તેની સંભાળ ઈશ્વર જરૂર રાખે છે. ઈશ્વર બધી રીતે તેની રક્ષા કરે છે. પરંતુ તેને માટે નરસી, મીરાં, તુલસીદાસ, સુરદાસ ને એવા બીજા ભક્તો જેવી ભક્તિ, શ્રદ્ધા, ધીરજ, પ્રીતિ ને પ્રભુપરાયણતા જોઈએ. કેવળ વાતો કરવાથી કાંઈ નથી વળતું. અનુભવની દુનિયામાં વધારે ને વધારે ઉંડા ઉતરવાથી જ કાંઈક મળી શકે છે.
- શ્રી યોગેશ્વરજી