જડભરત ને શંકરાચાર્યના પ્રસંગો જાણવા જેવા છે.
જંગલમાં બેઠેલા જડભરતને લુટારા પોતાના સરદાર પાસે લઈ ગયા. સરદાર પહેલવાન જેવા જડભરતને જોઈ ખુશ થઈ ગયો. પછી માતાને પ્રસન્ન કરવા તેમનું બલિદાન આપવાની આજ્ઞા કરી. માતાની પ્રતિમા સામે બેસાડી તેમનું પુજન કરવામાં આવ્યું. પછી તેમના પર તલવાર ચલાવવાની તૈયારી કરી. ધડથી મસ્તક અલગ થઈ જવાની તૈયારી હતી, એ જ વખતે મુર્તિમાંથી ભવાની માતા પ્રગટ થયાં. તેમણે લુંટારાઓનો નાશ કર્યો ને જડભરતની રક્ષા કરી.
શંકરાચાર્યની વાત જરા જુદી છે.
એકવાર કાપાલિકે આવી શંકરાચાર્યને કહ્યું : ‘હું એક યજ્ઞ કરી રહ્યો છું. તેમાં એક બત્રીસ લક્ષણવાળા મહાપુરૂષનું બલિદાન દેવાની જરૂર છે. તે વગર મારો યજ્ઞ સફળ થાય તેમ નથી. તમારા જેવા મહાપુરૂષ બીજા કોણ મળે ? માટે તમારું મસ્તક મને આપી દો તો સારું.’
શંકરાચાર્યે કહ્યું : ‘ભલે, કાલે સવારે હું ધ્યાનમાં બેસું તે વખતે મારું મસ્તક લઈ જજે.’
કાપાલિકને તો એથી ઘણો આનંદ થયો. એ તો ગમે તેમ કરી શંકરાચાર્યની હત્યા કરવા માગતો હતો. યજ્ઞની વાત કેવળ યુક્તિ હતી. યુક્તિ સફળ થઈ તેથી તેને આનંદ થયો.
બીજે દિવસે વહેલી સવારે તે શંકરાચાર્યના આશ્રમમાં આવી પહોંચ્યો. શંકરાચાર્યે તેને પોતાનું કામ એકાંતમાં કરી લેવાનું કહ્યું હતું; કેમ કે તેમના શિષ્યો જાણી જાય તો તે તેને છોડે તેમ ન હતા. શંકરાચાર્ય પાસે આવી તેણે કમરમાં છુપાવેલું ખંજર કાઢ્યું, ને પોતાનું કામ કરી લેવા તૈયાર થયો.
એ વખતે જ શંકરાચાર્યના શિષ્ય સુરેશ્વરાચાર્ય પોતાના ઈષ્ટદેવ નૃસિંહ ભગવાનનું ધ્યાન ધરી રહ્યા હતા, તેમને આ વાતની ખબર પડી એટલે તે તુરત દોડી આવ્યા, ને નૃસિંહ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા.
એ બધા સંજોગોમાં કાપાલિકનું કામ થઈ શક્યું નહિ, ને ઈશ્વરની કૃપાથી શંકરાચાર્ય જેવા સમર્થ પુરૂષનું શરીર બચી ગયું.
ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરવા આ પ્રમાણે સદા તત્પર રહે છે - છતાં આપણે એમની ભક્તિ કરતા નથી, એમનું શરણ લેતા નથી એ આશ્ચર્ય છે. ભગવાનનું શરણ લેવાથી આપણે નિર્ભય બની જઈએ ને ચિંતારહિત થઈએ. લાંબે વખતે તેમનું દર્શન કરીને કૃતાર્થ પણ થઈએ. છતાં આવા સર્વપ્રકારનું કલ્યાણ કરનારા ભગવાનને ભુલી આપણે રાતદિવસ સંસારમાં ફર્યા કરીએ છીએ, ને દુઃખ-દરિદ્રતાના ભોગ બનીએ એ ખરેખર આશ્ચર્ય છે. માણસો બેડીથી બંધાયેલા છે. બેડીના બંધનમાંથી છુટવાનો ઉપાય પણ તેમને બતાવવામાં આવે છે. તે ઉપાયને અજમાવવાથી કાયમને માટે સુખી થવાય છે, છતાં તે ઉપાય કરતા નથી, અને મરણ સુધી બંધાયેલા જ રહે છે એ આશ્ચર્ય જ છે. સમજુ માણસોએ આ બંધન તોડવાનો ઉપાય અજમાવવો જોઈએ.
જુઓને પ્રભુની દયા કેવી અપાર છે ? બાળકના જન્મ પહેલાં જ 'મા'ના શરીરમાં તેની દયાથી દુધ પ્રકટ થાય છે. હાડકાં ને માંસની વચ્ચે થનારી આ દુધની રચના કેટલી અજબ છે ? સંસારની કોઈ રચના સાથે એની સરખામણી થઈ શકે તેમ છે ? અથવા સંસારના કોઈ માનવીથી તેવી રચના થઈ શકે તેમ છે ? કોશેટામાં રહેનારા કીડાનો તો વિચાર કરો. તેને ખોરાક પુરો પાડનારી શક્તિ કેટલી બધી શક્તિશાળી હશે ? કીડીને કણ ને હાથીને મણ આપનાર ઈશ્વર તેનું પોષણ કરે છે. જલમાં ને વાયુમંડળમાં વસનારા હજારો જીવોને જીવન આપનાર પણ તે જ છે. છતાં માણસ એ વિરાટ શક્તિને ભુલી જાય છે એ આશ્ચર્ય નથી ?
- શ્રી યોગેશ્વરજી