લગભગ આઠ વરસ જેટલી જુની વાત હોવા છતાં એ વાત તાજી બની હોય એવી જ લાગે છે.
ઋષિકેશમાં પંજાબી ક્ષેત્રની ધર્મશાળા છે. તે ક્ષેત્ર તરફથી રોજ સત્સંગ થાય છે. લગભગ દરેક મહિને ત્યાં નવા-નવા વિદ્વાન સંન્યાસીઓને બોલાવાય છે. સાંજે ચારથી પાંચ કથા થાય છે, ને લોકો તેનો મોટી સંખ્યામાં લાભ લે છે.
એ વખતે ત્યાં એક પ્રૌઢાવસ્થાએ પહોંચેલા પ્રતાપી, સંન્યાસીની કથા થઈ રહી હતી. સંન્યાસી વિદ્વાન હતા. તેજસ્વી પણ ખરા. વળી તેમની કથા કરવાની શૈલી પણ ઘણી સરસ હતી, એટલે લોકોના ટોળેટોળા કથામાં ભેગા થતાં, લાભ લેતાં અને સંન્યાસી મહારાજના વખાણ કરતા.
એ સંન્યાસી મહારાજ કથા પુરી કરી રોજ સાંજે ગંગાકિનારે ફરવા આવતા. તે વખતે તેમની સાથે ભક્તોનું મોટું મંડળ રહેતું. ભક્તોમાંથી કોઈ કોઈ કહેતા : ‘ગંગાના કિનારા પરની કુટિરોમાં કેટલાક ઉંચી કોટિના જ્ઞાની પુરુષો રહે છે અને એમનો સમાગમ કરવા જેવો છે.’ પરંતુ સંન્યાસી મહારાજ એના જવાબમાં ગંભીરતાથી કહેતા : ‘હમને તો સબકુછ જાન રક્ખા હૈ. હમેં કિસી કે જ્ઞાન કી જરૂરત નહિ.’
ભક્તો પછી કાંઈ ન બોલતા.
ગંગાકિનારે સંધ્યાકાળે એક તપસ્વી પુરૂષ ધ્યાન ધરવા બેસતા. ભક્તો એમના પણ વખાણ કરતાં, અને એમને પગે લાગતા. સંન્યાસી મહારાજ એમની તરફ ઉપેક્ષાભાવથી જોઈ, કહેતા : ‘મૈંને ભી ધ્યાન કર રક્ખા હૈ. અબ તો મૈં સિદ્ધાવસ્થા કી પ્રાપ્તિ કર ચુકા હું.’
લોકોએ એક દિવસ એમનો વરઘોડો કાઢ્યો. ભક્તોએ એમને બીજે સ્થળે જવાને બદલે કાયમ ઋષિકેશમાં જ રહી જવાનો આગ્રહ કર્યો. સંન્યાસી મહારાજ ઋષિકેશમાં રહેવા તૈયાર થયા. ગંગા કિનારે એમણે વિશાળ જમીન લીધી, ને ત્યાં બે ત્રણ નાની કુટિરો બાંધી, મોટા આશ્રમની રચના કરવાની તૈયારી કરવા માંડી.
એ દિવસોમાં હું પણ ઋષિકેશમાં હતો. ગંગાકાંઠે સંન્યાસી મહારાજ ફરવા નીકળતા ત્યારે હું તેમને જોતો. મને થયું કે સંન્યાસી મહારાજે એમના આશ્રમ માટે ખોટી જગ્યા પસંદ કરી છે. એ જગ્યા સલામત નથી. એટલે એક સાંજે ગંગાજીથી પાછા ફરતાં એ મને રસ્તામાં મળી ગયા, ત્યારે મેં એમને કહ્યું :
‘આપને આશ્રમકે લિયે જો જગહ પસંદ કી હૈ, વો મેરી દૃષ્ટિમેં સલામત નહિ. વહાં પર ખતરા હૈ.’
અહંભાવથી તેઓ બોલ્યા :
‘ખતરા તો સભી જગહ હૈ. હમ તો યોગી લોગ હૈ. હમેં કહીં પર ભી ખતરા નહિ.’ એટલું કહીને એ ચાલવા માંડ્યા.
એ પ્રસંગ પછી લગભગ એક અઠવાડિયું થયું ત્યાં તો ભારે તોફાની પવન ફુંકાવા લાગ્યો, ને ભયંકર વરસાદ શરૂ થયો. વરસાદ પણ કેવો ? પુરા સાત દિવસ સુધીનો ભયંકર વરસાદ. દિવાળીના દિવસોમાં વરસાદ પડશે એવી કલ્પના પણ કોઈને ન હતી. ગંગામાં પુર આવ્યું. એની બાજુમાં થઈ વહેતી ચંદ્રભાગામાં પણ ભારે પુર આવ્યું, ને ગંગાકાંઠે આવેલી સાધુઓની કુટિરો માટે ભય ઊભો થયો. કેટલીયે કુટિરોની ભારે કફોડી હાલત થઈ. પેલા સંન્યાસી મહારાજની કુટિરો ગંગાના પ્રમત્ત પુરમાં વહી ગઈ.
પાણી ઉતર્યું ત્યારે તો ગંગાકિનારાનો દેખાવ જ ફરી ગયો હતો. ઘણી કુટિરોને નુકશાન પહોંચ્યું હતું અને સંન્યાસી મહારાજની કુટિરનું તો નામનિશાન પણ નહોતું રહ્યું.
સાંજે હું રોજના કાર્યક્રમ મુજબ ગંગાકિનારે ફરવા ગયો, ત્યારે પોતાની ભક્તમંડળી સાથે એ સંન્યાસી મહારાજ પણ ત્યાં ફરવા આવ્યા હતા. ગંગાકિનારે ઊભા ઊભા એમના નષ્ટ થઈ ગયેલા આશ્રમનું એ નિરીક્ષણ કરતા હતા. મારી તરફ જોઈ એમણે મોં ફેરવી લીધું. કુદરતે આપેલા પાઠને એ શીખી શક્યા કે નહિ એ તો કોણ જાણે, પરંતુ બેત્રણ દિવસમાં જ એ ઋષિકેશને છોડીને કાયમ માટે વિદાય થયા.
ગંગાના પાણી ને ઋષિકેશની ભૂમિ જાણે સંદેશ આપી રહી હતી કે હે મિથ્યાભિમાની માનવ ! તું જરા વધારે નમ્ર બનતાં શીખ, ને સમજી લે, કે તારા કરતાં એક મહાન શક્તિ આ સંસારમાં કામ કરી રહી છે. એની મહાનતા તથા અલૌકિકતાનો વિચાર કરી તું વધારે નિરાભિમાની બનતાં શીખ.
માણસ એ સંદેશ સાંભળે, અને મિથ્યાભિમાનથી બચે તો કેટલો બધો સુખી થાય ?
- શ્રી યોગેશ્વરજી