વેદાંતકેસરી સ્વામી વિવેકાનંદ સંન્યાસી થયા તે પહેલાં નાસ્તિક અથવા અશ્રદ્ધાળુ તો ન હતા, પરંતુ એમના સ્વભાવની એક ખાસિયત એ હતી કે કોઈ વાતનો પુરેપુરો સંતોષ થયા પછી જ સ્વીકાર કરતા. કોઈપણ વ્યક્તિ કે વાતના સ્વીકાર પહેલાં એની યથાર્થતાની એ બને તેટલી બધી જ કસોટી કરતા, એને કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વિના બનતી બધી જ રીતે તપાસતા, અને પછી એની યથાર્થતા કે ઉત્તમતાની પુરેપુરી પ્રતીતિ થતાં, એનો એવો તો સંપુર્ણપણે સ્વીકાર કરતા કે કદી છોડતા જ નહિ.
એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના સમાગમમાં એ સૌથી પહેલાં આવ્યા ત્યારે એવું જ બન્યું હતું. રામકૃષ્ણદેવ ભક્તો તથા મુલાકાતીઓને ઈશ્વર વિશે ઉપદેશ આપતા પોતાના ખંડમાં બેઠા હતાં ત્યારે વિવેકાનંદે અધવચ્ચે જ ઉભા થઈ એમને પ્રશ્ન કર્યો, કે જે ઈશ્વર વિશે વાત કરો છો તે ઈશ્વરને શું તમે જોયો છે ? કે પછી આ બધો ઉપદેશ પોથીમાંના રીંગણા જેવો છે ? આવી વાતો તો મેં આજ લગી કેટલીય સાંભળી છે, ને હું પણ કરી શકું તેમ છું, પણ તેથી શું ? એ જ્યારે આચારમાં ઉતરે ત્યારે જ તેમની કિંમત છે.
વિવેકાનંદના શબ્દો સાંભળીને રામકૃષ્ણદેવ લેશ પણ નાખુશ ન થયા; પંરતુ પ્રસન્નતા તથા શાંતિપુર્વક બોલ્યા : ‘મેં ઈશ્વરને જોયો છે. જે ઈશ્વર વિશે હું ઉપદેશ આપી રહ્યો છું તે ઈશ્વરનો મેં સાક્ષાત્કાર કર્યો છે, ને ધારું તો તને પણ તે ઈશ્વરનું દર્શન કરાવી શકું તેમ છું.’
વિવેકાનંદને ભારે નવાઈ લાગી. એ આશ્ચર્યચકિત કે સ્તબ્ધ બની ગયા.
કારણ સ્પષ્ટ હતું. અત્યાર સુધી એમણે કોઈ એવા મહાપુરૂષને નહોતો જોયો જે છાતી ઠોકીને એમ કહી શકે કે મેં ઈશ્વરને જોયો છે. માત્ર રામકૃષ્ણદેવ જ એવા નીકળ્યા.
અને એટલું કહીને જ એ બેસી ન રહ્યા, પરંતુ ઊભા થઈને તરત જ એમણે વિવેકાનંદનો હાથ પકડ્યો, એમને લઈને બહાર વરંડામાં ગયા, અને એમના મસ્તક પર હાથ મુકીને એક પ્રકારની અલૌકિક અવસ્થાનો અનુભવ કરાવી આપ્યો.
એ અનુભવે વિવેકાનંદને ખાતરી કરાવી આપી કે રામકૃષ્ણદેવ એ અનુભવ સંપન્ન મહાપુરૂષ છે. એ જે બોલે છે કે ઉપદેશે છે તેની પાછળ એમના અનુભવનું પીઠબળ છે. માટે જ એમનું કથન આટલું બધું અસરકારક બને છે.
પછી તો એ રામકૃષ્ણદેવના શિષ્ય, ભક્ત કે પ્રસંશક બની ગયા, અને એમને ગુરૂ રૂપે માની અત્યંત આદરભાવે જોવા લાગ્યા.
રામકૃષ્ણદેવની કૃપાથી એમને કેટલાય અવનવા અનુભવો થયા.
રામકૃષ્ણદેવનો એમને માટેનો પ્રેમ પણ ખુબ વધી ગયો.
એક વાર વિવેકાનંદને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરવાની ઈચ્છા થઈ, અને તેને માટે એમણે રામકૃષ્ણદેવને કહ્યું. તેમણે ઉત્તરમાં કહ્યું: ‘યોગ્ય વખત આવતાં તારી ઈચ્છા જરૂર પુરી થશે. જરા ધીરજ રાખ.’
એ પછી એક ધન્ય દિવસે વિવેકાનંદને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ થઈ ગયો. એ અતિશય આનંદમાં આવી ગયા.
એમને ઊંડી શાંતિ મળી.
રામકૃષ્ણદેવની પાસે આવીને પોતાના અનુભવનું વર્ણન કરતા એમણે કહેવા માંડ્યું : ‘તમારી કૃપાથી મારી ઈચ્છા પુરી થઈ છે તે માટે તમારો આભાર માનું છું. પરંતુ મને થાય છે કે નિર્વિકલ્પ સમાધિની એ અલૌકિક અવસ્થા આઠે પહોર અને અસ્ખલિત રીતે ચાલુ રહે, ને મને શરીરનું કે સંસારનું ભાન જ ન રહે, તો કેટલું સારું ? એવી અવસ્થાની મને ઈચ્છા છે. એવી દૈવી અવસ્થાનો મને આશીર્વાદ આપો. તમારા આશીર્વાદમાં મને વિશ્વાસ છે. એથી કશું જ અશક્ય નહિ રહે.’
વિવેકાનંદની વાણી સાંભળીને રામકૃષ્ણદેવ પહેલા તો હસ્યા, પરંતુ પછીથી જરા ગંભીર થઈ કહેવા માંડ્યા : ‘હું તને ભારે બુદ્ધિમાન કે વિચારશીલ ને ડાહ્યો સમજતો હતો. પરંતુ આજે મને સમજાયું કે તું એટલો બધો વિવેકી નથી. નહિ તો આવી અવિવેકી માણસને છાજે તેવી વાતો ન કરત. તને ખબર નથી કે દુનિયામાં કેટલું બધું દુઃખ છે, દર્દ અને અજ્ઞાન છે ? લોકોને ધર્મ કે સાધનાનો સાચો ખ્યાલ નથી, ને પ્રજામાં અનેક પ્રકારના ખોટા ખ્યાલો ને વહેમો ભરેલા છે. તે વખતે તારો ધર્મ તેમની સેવા કરવાનો કે તેમને પ્રકાશ પ્રદાન કરવાનો નથી શું ? તેને બદલે તું તો તારા જ સ્વાર્થની અને તારી જ સુખશાંતિની વાત કર્યા કરે છે. સાધના દ્વારા જે મળે તેનાથી તારે બીજાની સેવા કરવાની છે - તે માટે જ તારો જન્મ છે !’
વિવેકાનંદ સમજી ગયા. તે સમજતા જ હતા, પરંતુ રામકૃષ્ણદેવે તેમની ભુલાયેલી સમજશક્તિને તાજી કરાવી.
પાછળથી વિવેકાનંદે જે ભગીરથ લોકહિતનાં કાર્યો કર્યાં તે તો આજે જાણીતું છે. તેમાં તેમના ગુરૂ રામકૃષ્ણદેવનો કેટલો બધો મોટો મહામુલો ફાળો હતો, તે ઘણા સમજતા નથી. આ પ્રસંગ તેની સમજ પુરી પાડશે. વિવેકાનંદને 'વિવેકાનંદ' બનાવવા માટે રામકૃષ્ણદેવે કાંઈ ઓછું કીમતી કામ નહોતું કર્યું.
- શ્રી યોગેશ્વરજી