ઔષધિથી સમાધિની સિદ્ધિ થઈ શકે ખરી ? પાતંજલ યોગદર્શનમાં વિભુતિપાદના પ્રથમ સુત્રમાં જ કહ્યું છે : ‘જન્મ, મંત્ર, તપ, ઔષધિ અને સમાધિના પ્રભાવથી જુદી જુદી સિદ્ધિ મળી શકે છે.’ તો શું એ વાત સાચી છે ? અને એમાં કરવામાં આવેલા ઔષધિના ઉલ્લેખ પ્રમાણે તેનાથી શું સમાધીની પ્રાપ્તિ થઈ શકે ખરી ? એવી ઔષધિની માહિતી કોઈને હશે ખરી ?
ઇ. સ. ૧૯૪૬માં મારે સીમલા જવાનું થયું, અને ઈશ્વરકૃપાથી ત્યાં આકસ્મિક રીતે જ સંત શ્રી નેપાલીબાબાનું દર્શન થયું, ત્યારે એ વિચારો મારા મનમાં વધારે ને વધારે પ્રબળ બની પેદા થવા માંડ્યા. કારણ નેપાલીબાબા ઔષધશાસ્ત્રના પ્રખર નિષ્ણાત હતા અને અત્યારે મારી પાસે બેસીને એ વિશે જ વાર્તાલાપ કરી રહ્યા હતા.
મેં કહ્યું : ‘મને તો બીજી ઔષધિમાં ખાસ રસ નથી. મને તો સમાધિ થાય એવી ઔષધિ જોઈએ છે. તમને એવી ઔષધિની જાણ હોય તો મને કહી બતાવો.’
નેપાલીબાબાએ કહ્યું : ‘મને જાણ નહીં કેમ હોય ? આ તો મારો વિષય છે. એટલે મેં બધી શોધો કરી છે. સમાધિ કરાવનારી ઔષધિને પણ હું મેળવી શક્યો છું. તમે કહેશો ત્યારે હું તમને તે બતાવીશ અને એનો પ્રયોગ કેમ કરવો તે પણ સમજાવીશ.’
મેં કહ્યું : ‘તો તો ઘણું સારું.’
મને અત્યંત આનંદ થયો.
વળતે દિવસે દહેરાદુનના યોગીશ્રી ભૈરવ જોશી સાથે હું તેમને મળવા ગયો. તે અમને જોઈ રાજી થયા. એમણે અમારો સ્નેહથી સત્કાર કર્યો. સીમલાથી લગભગ ત્રણ માઈલ દુર એકાંત પર્વતો વચ્ચે એમનું સ્થાન હતું. આજુબાજુ ચાર પાંચ ગરીબોનાં ઝુંપડા હતાં. મેં તેમને પેલી ઔષધિની વાત યાદ કરાવી એટલે તેમણે એ લાવીને મારી આગળ રજુ કરી. મારા હર્ષનો પાર ન રહ્યો. મેં એની વિગત માગી એટલે એમણે કહેવા માંડ્યું :
‘અહીંના પર્વતોમાં આ વનસ્પતિ ક્યાંક-ક્યાંક થાય છે. પરંતુ તેને ઓળખનારા નથી, એથી એ ગુપ્ત છે. એને પાણીમાં ઉકાળી તેમાં થોડું દુધ નાખી માવા જેવું કરીને તેનું સેવન કરવું પડે છે. મારા કહ્યા પ્રમાણે તમે તેનો પ્રયોગ જરૂર કરજો. તમને લાભ થશે. પરંતુ ભૈરવ જોશીને આ ઔષધિ ના આપશો. એમનો યોગ હજુ નથી આવ્યો. એમને હજુ ઘણી વાર છે. તમે એકલા જ સેવન કરજો.’
ભૈરવ જોશી બાજુમાં જ બેઠા હતા. તેમણે નેપાલીબાબાએ આપેલી ઔષધિ સાચવીને મુકી દીધી.
દહેરાદુનમાં આવીને હું ભૈરવ જોશીના કાંવલી રોડ પર આવેલા શાંત બંગલામાં એમના મહેમાન તરીકે પંદરેક દિવસ એમના અત્યંત આગ્રહને વશ થઈને રહ્યો તે દરમિયાન એક દિવસ એ ઔષધિનો પ્રયોગ કર્યો. સાંજે લગભગ આઠ વાગ્યે જોશીજી એ ઔષધિ લઈને મારી પાસે આવી પહોંચ્યા. એમના પત્નીએ જ એને તૈયાર કરી હતી.
મને થયું કે નેપાલીબાબાએ ના કહી છે, છતાં જોશીજી પોતે જ આ ઔષધિ તૈયાર કરીને લાવ્યા છે, ત્યારે એમાંથી થોડોક હિસ્સો એમને પણ આપું. આવી બાબતમાં સ્વાર્થી અથવા તો એકલપેટા થવું ઠીક નહીં. ભલે, એમને લાભ ન થવાનો હોય તો ન થાય, પણ હું એમને ઔષધિ તો આપું જ.
એવો વિચાર કરીને એમાંથી થોડો ભાગ મેં જોશીજીને આપ્યો, અને બાકીના બીજા ભાગનું સેવન કરીને હું લગભગ રાતે નવ વાગ્યે મારા સ્વતંત્ર રૂમમાં પડેલી આરામખુરશી પર બેઠો. અલબત્ત, આંખ બંધ કરીને ધ્યાન કરતાં જ બેઠો.
થોડીવારમાં તો મારી ચિત્તવૃત્તિ તદ્દન શાંત થઈ ગઈ, અને મારું શરીરભાન ભુલાઈ ગયું. તે પછી શું થયું તેની ખબર મને ન પડી.
સવારે જોશીજી બેત્રણ વાર મારા રૂમમાં આવી ગયા હશે. તેમની બુમ સાંભળીને છેવટે હું જાગી ઉઠ્યો.
જોશીજી કહે : ‘હું બેત્રણ વાર આવી ગયો છતાં, તમે છેક અત્યારે જ જાગી શક્યા. આવી રીતે કેટલા વખતથી બેઠા છો ?’
મેં કહ્યું : ‘તમે મને રૂમમાં મુકીને ગયા ત્યારથી. રાતે નવ વાગ્યાથી. કેમ ? અત્યારે કેટલા વાગ્યા છે ?’
જોશીજીને ભારે નવાઈ લાગી.
‘રાતના નવ વાગ્યાના અહીં ને અહીં જ બેઠા છો ? ભારે કરી. અત્યારે તો બરાબર સવારના નવ વાગ્યા છે. જુઓને બધે તડકા ચઢ્યા છે. બાર કલાક લગી તમે સમાધિમાં રહ્યા ? તમારો ચહેરો કેવો ચળકતો હતો ? મને તો કશું જ ના થયું. ઔષધિ લઈને બેઠો, પણ મન ન લાગ્યું, એટલે રોજની જેમ ઊંઘી ગયો. નેપાલીબાબાના શબ્દો સાચા પડ્યા. એમણે મને ઔષધિ આપવાની ના પાડી હતી ને ? છતાં તમે આપી. પરંતુ નસીબ આગળ ને આગળ. તમારું ભાગ્ય ઘણું ભારે કહેવાય.’
મેં એમને ધીરજ ને હિંમત આપી.
આ પ્રસંગથી મને ખાતરી થઈ કે નક્કી સમય કે યોગ્યતા અથવા અધિકાર વિના કશું જ થતું નથી. અને પાતંજલ યોગદર્શનની વાતમાં મારો વિશ્વાસ વધ્યો. ઔષધિની મદદથી સમાધિની પ્રાપ્તિ કરી શકાય છે, એ વિધાન મને સંપુર્ણ સાચું લાગ્યું. જેનામાં ધ્યાન દ્વારા પ્રાપ્ત થયેલી બીજી યોગ્યતા છે, તેને આગળ વધવા માટે ઔષધિ આશીર્વાદરૂપ થઈ શકે છે, એમાં શંકા જ ન રહી.
- શ્રી યોગેશ્વરજી