ગયા જુન માસમાં હું સરોડા હતો ત્યારે જે પ્રસંગ બન્યો તે સદાને માટે સ્મરણપટ પર અંકિત થઈ ગયો છે. પ્રસંગો જીવન પર પોતાની છાપ મુકી જાય છે, એને કોઈપણ રીતે, કોઈયે કાળે, સ્થળે ને કારણે, ભુલી શકાતા નથી. જીવનમાં અમર રહેવા એ સરજાયેલા હોય છે. મારું આખું જીવન ઈશ્વરી કૃપાના નાનામોટા અનેક પ્રસંગોથી ભરેલું છે. એથી જ એવા પ્રસંગો સરજાય છે ત્યારે મને કોઈ જાતની નવાઈ નથી લાગતી, છતાં એક પ્રકારનો અભુતપૂર્વ આનંદ થાય છે, ને હૃદય ઈશ્વરની કૃપાને યાદ કરીને ભાવવશ બની જાય છે.
એ દિવસે મારા રોજના નિયમ પ્રમાણે હું સાંજના વખતે મકાનના નિયત કરેલા ઓરડામાં ધ્યાનમાં બેઠો હતો. ધ્યાનનો સમય પુરો થતાં પ્રાર્થના કરીને મેં આંખ ખોલી તો મારી નજર સામેના ગોખલામાં રાખેલી શ્રી સાંઈબાબાની પ્રતિમા પર પડી. મુંબઈના એક ચિત્રકાર તથા શિલ્પી ભાઈએ મને એ ભેટ આપી હતી, તેથી પ્રેમથી આપેલી એમની એ ભેટનો અનાદર કરવાને બદલે મેં તેને ઘરમાં રાખી હતી. ઘરના એ ઓરડામાં બીજા પણ પ્રાતઃસ્મરણીય સંતપુરુષોના ફોટા હતા. લગભગ રાતના આઠેક વાગ્યાનો વખત હોવાથી ઓરડામાં બધે જ અંધારું પથરાઈ ગયું હતું. કાંઈપણ દેખાતું ન હતું. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો ગોખલામાં મુકેલી સાંઈબાબાની પ્રતિમા પર શાંત તથા તેજસ્વી પ્રકાશનો ગોળો હતો ! પ્રકાશનું એ વર્તુળ એમના પગ પર પથરાયેલું હતું. હું ઉભો થયો, એની પાસે ગયો અને એને હાથ લગાડી જોયો. ઓરડાની અંદર અને બહાર બધે જ અંધારું હતું. ત્યારે ઓરડામાં આટલો બધો તેજસ્વી પ્રકાશ આવ્યો ક્યાંથી ? અને એ પણ બીજે ક્યાંય નહીં ને કેવળ સાંઈબાબાની જ મુર્તિ પર ? મને આનંદ પણ થયો, અચંબો પણ લાગ્યો.
પણ પ્રકાશ તો મારી પ્રતિક્રિયાની પરવા કર્યા વગર આગળ વધ્યો ને પગ પરથી ઉપર ચઢી છાતી પર આવી પહોંચ્યો. બેત્રણ મિનિટ ત્યાં રહી પાછો એ ઉપર ચઢ્યો, ને સાંઈબાબાના ગળા પર થઈ એમના વદન પર સ્થિર થયો. એમનું વદન એ પ્રકાશને લીધે જ્યોતિર્મય બની ગયું.
આ અણધાર્યા અનુભવથી મને કાંઈ ને કાંઈ વિચારો આવવા માંડ્યા. મને થયું કે પોતાની સત્યતા બતાવવા આ પ્રકાશ સાંઈબાબા પોતે જ બતાવી રહ્યા છે. હજુ પણ એ હયાત છે, ને ઈચ્છાનુસાર કામ કરે છે, અથવા અનુભવ આપે છે. એના પુરાવા રૂપે શું આવો અજબ અનુભવ આપ્યો હશે ?
મને થયું કે આનો લાભ બીજાને પણ કરાવું. બહાર ચોકમાં બેન ને તેનાં છોકરાં તથા માતાજી હતાં. તે બધાં જમવાની તૈયારી કરતાં હતાં. બહાર જઈને મેં તેમને કહ્યું : ‘સાંઈબાબાનો ચમત્કાર જોવો હોય તો આવો.’
તે બધાં દોડી આવ્યાં. પ્રકાશ હજુ સાંઈબાબાના ચહેરા પર એવો જ સ્થિર હતો. તેને જોઈ બધાં આભા બની ગયાં. કેવો અસાધારણ પ્રકાશ હતો ?
લગભગ પોણા બે કલાક લગી એવી રીતે અચલ રહીને આખરે એ પ્રકાશ ઝાંખો થયો ને પછી અદૃશ્ય થઈ ગયો. ઓરડામાં બીજે તો અંધારું હતું જ, હવે પ્રતિમાની આજુબાજુ પણ અંધારું ફરી વળ્યું.
બહાર આવીને બધાં જમવા બેઠાં પરંતુ એ અજબ અનુભવ આંખે તરવરવા લાગ્યો. બાળકો તો એ પછી રોજ સાંજે ઓરડામાં જવા લાગ્યાં, પણ એમ કાંઈ રોજ પ્રકાશ દેખાય ? એ તો જ્યારે બતાવવા માગે, ને જેને બતાવવા માગે, તેને તથા ત્યારે જ દેખાય. રામાયણમાં કહ્યું છે ને; ‘પોતાનું સ્વરૂપ તે જેને જણાવવા માગે છે, તે જ તેને જાણી શકે છે.’ તેની કૃપા થાય તો જ માણસ તેને જોઈ શકે. તેની કૃપા વિના કંઈ જ ન થાય.
- શ્રી યોગેશ્વરજી