ઈશ્વર પર શ્રદ્ધા રાખી જીવનમાં ડગલે ને પગલે જે આગળ વધે છે, તેની ઈશ્વર બધી રીતે સંભાળ રાખે છે, અને જેમ બાળકની બધી જરૂરિયાતો માતા યોગ્ય માત્રામાં ને યોગ્ય સમયે પુરી પાડે છે, તેમ તેની બધી જરૂરિયાતો ઈશ્વર તરફથી પુરી પાડવામાં આવે છે, તે શું સાચું છે ?
આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના કહેવાતા યુગમાં, ભારત જેવા ધર્મપરાયણ દેશના નિવાસીને પણ આવો પ્રશ્ન કરવો પડે છે, કારણ કે લોકોમાંથી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાભક્તિ ઓસરતી જાય છે. વિજ્ઞાનના વધતા જતા વિકાસે લોકોને વધારે વિષયલોલુપ ને બહિર્મુખ બનાવ્યા છે. માનવતાને બદલે દાનવતાની બોલબાલા બધે વધતી જાય છે. આવા જડવાદી જમાનામાં ઈશ્વરપરાયણ જીવન જીવનારા લોકો નથી એમ નહિ, પરંતુ એમની સંખ્યા એટલી બધી થોડી છે, કે વિશાળ માનવ-મહેરામણ પાસે એ નહિ જેવી લાગે. છતાં એવા લોકો પોતાના વધારે કે ઓછા જાત અનુભવથી જાણે છે, વિશ્વાસ રાખે છે કે આ સંસાર પાછળ એક વિરાટ શક્તિ એવી છે જે વિજ્ઞાન ને ટેકનોલોજી, ને એટમ, હાઈડ્રોજન, કોબાલ્ટ કે બીજી કોઈપણ જાતની શક્તિથી વધારે શક્તિશાળી છે, સનાતન છે. ને જે એનું શરણ લે છે, તેની તે સર્વપ્રકારે સંભાળ રાખે છે.
ઈશ્વરની કૃપાથી મને મારા બાળપણથી જ એ વિરાટ શક્તિના સંબંધમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે, અને એની કૃપાના અનેક અનુભવો મારા જીવનમાં મળતા રહ્યા છે. એ સહુનો વિચાર કરી મારું હૃદય ભાવવિભોર બની જાય છે. મને થાય છે : આવા ઈશ્વરનું શરણ ન લેવાથી, ઈશ્વર સાથે સંબંધ ન બાંધવાથી ને ઈશ્વરી કૃપાના ચાતક ન થવાથી જ માણસ દુઃખી છે. તેવામાં ઈશ્વરનો પ્રેમ જાગી જાય તો એ સર્વ પ્રકારે સુખી થાય, ને તેના બધી જાતના લાડકોડ ઈશ્વર પુરા કરે એમાં કશો જ સંદેહ નથી. પરંતુ એટલો પ્રેમ ને શ્રદ્ધા એ કેળવે ત્યારે ને ?
અહીં જે વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું તે ઈ. સ. ૧૯૪૦ની છે.
તે વખતે મને યોગની સાધના કરવાની લગની લાગી હતી. યોગની જેટલી બને તેટલી સાધના કરીને જીવનમાં એક મહાન શક્તિશાળી યોગી થવાની મારી ઈચ્છા હતી. તેને માટે હું મારાથી બનતી તૈયારી કરી રહ્યો હતો. જુદી જુદી જાતનાં આસન અને ષટક્રિયાનો અભ્યાસ ચાલુ હતો, તથા મુદ્રા ને ધ્યાનની સાધના પણ ચાલતી હતી. પ્રાણાયામના પ્રારંભિક અભ્યાસ તરીકે મેં નાડીશોધનની ક્રિયાઓ જાણી લીધી હતી, ને શરૂઆતના કેટલાક પ્રાણાયામ પણ કરવા માંડેલા.
મારી ઈચ્છા જેમ બને તેમ ઝડપથી વિકાસ કરવાની, અને એ માટે ઉંચી કોટિના પ્રાણાયામને જાણવાની હતી. ગોકળગાયની ગતિથી ચાલવાનું મને ગમતું નહોતું. અંતરમાં અદમ્ય ઉત્સાહ, તરવરાટ તથા વિકાસ માટેના પુરુષાર્થનો પ્રચંડ ભાવાગ્નિ સળગી રહ્યો હતો. બનતી વહેલી તકે બધું સિદ્ધ કરવાની, ને તે માટે જેવો ને જેટલો આપવો પડે તેવો ને તેટલો ભોગ આપવાની મારી તૈયારી હતી.
પરંતુ ઉંચા કોટિના પ્રાણાયામ એકલે હાથે ન કરી શકાય. એ માટે કોઈ અનુભવી માર્ગદર્શક અથવા ગુરૂ જોઈએ. એવા ગુરૂના માર્ગદર્શન પ્રમાણે જ અભ્યાસ કરી આગળ વધી શકાય. યોગના માર્ગમાં - ખાસ કરીને પ્રાણાયામ જેવી ક્રિયામાં એકલે હાથે આગળ વધવું મુશ્કેલ છે.
પણ એવાં ગુરૂ કે માર્ગદર્શક કાંઈ ઠેકઠેકાણે મળી શકે છે ? અનુભવી પુરુષો બહુ ઓછી સંખ્યામાં હોય છે, ને કોઈ ધન્ય આત્માને જ મળી શકે છે. સાધુ-સંન્યાસી ને યોગી તો મેં ઘણા જોઈ નાખ્યા; પરંતુ કોઈ પ્રાણાયામની સાધનામાં આગળ વધેલું ન લાગ્યું. હવે શું થાય ? મારી ચિંતા વધી ગઈ. મેં ઈશ્વરને આતુર હૃદયે પ્રાર્થના કરવા માંડી : ‘પ્રભુ ! મારા પર કૃપા કરો ને મને કોઈ અનુભવી યોગીપુરૂષની મુલાકાત કરાવી દો, ત્યારે જ મને શાંતિ વળશે ને ચેન પડશે.’
એ વાતને લગભગ દોઢેક મહિનો થઈ ગયો. એકવાર હું વડોદરામાં મારા એક યોગાશ્રમ ચલાવતા મિત્ર સાથે રસ્તા પર ઊભો રહી વાતચીત કરતો હતો, તે વખતે કોઈક અજાણ્યો બાળક મારી પાસે આવ્યો. તેની વય દસેક વરસની હશે. તેણે મારા તરફ જોઈ સ્મિત કરીને કહ્યું : ‘તારી ઈચ્છા પ્રાણાયામ શીખવી શકે એવા યોગીને મેળવવાની છે ને ? તો તમે ગોયાગેટ પાસે આવેલા રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં કેમ નથી જતા ? ત્યાં મેડા પર એક સારા યોગીપુરૂષ હાલ આવ્યા છે, તે પ્રાણાયામના ઉંચી કોટિના અભ્યાસી છે.’
આ બાળકને હું પ્રાણાયામ શીખવા માંગુ છું તેની ખબર ક્યાંથી પડી ? હું એને ઓળખતો પણ નહોતો. તે મને રસ્તા પર એ દિવસે પહેલી વાર જ મળ્યો હતો. મને એના ખુલાસાથી જરા નવાઈ લાગી, પણ હું કાંઈ વાત કરું કે પુછું તે પહેલાં તે છોકરો મને પ્રણામ કરી હસતો હસતો રવાના થઈ ગયો - ક્યાંક દોડી ગયો. મારા યોગાશ્રમવાળા મિત્ર પણ એ છોકરાને કોઈવાર નહોતા મળ્યા.
એ બાળક મારી પ્રાર્થનાના ઉત્તર રૂપે મને માર્ગદર્શન આપવા આવેલા ઈશ્વર હતા કે પછી કોઈ યોગીપુરૂષ હતા એની સમજ મને ન પડી, પણ એ પછી તરત જ હું રણમુક્તેશ્વર મહાદેવમાં ગયો, અને પેલા યોગીપુરૂષને જીવનમાં પહેલી વાર જ મળ્યો. આગળ ઉપર એમણે મને પ્રાણાયામની ગુઢ ક્રિયા શીખવાડી, અને એ રીતે મને શાંતિ વળી.
એ છોકરો એ પછીનાં આટલાં વરસોમાં મને કદી મળ્યો નથી. એનો અચાનક થયેલો મેળાપ મારા જીવનમાં એક રહસ્ય રહ્યો છે, ને રહસ્ય જ રહેશે.
- શ્રી યોગેશ્વરજી