કાશ્મીરના દિવ્ય સ્થાન અમરનાથનું દર્શન કરવાનો સોનેરી અવસર જેને જીવનમાં પ્રાપ્ત થયો છે, તે સારી પેઠે જાણે છે કે એ સ્થાન કેટલું બધું સુંદર અને અલૌકિક છે. એ સ્થાનની યાત્રા એ જીવનનો એક મોટામાં મોટો લ્હાવો છે. જો કે એ યાત્રા કઠિન છે, તો પણ એનો આનંદ ઓર જ છે. એમાંય ભારે પરિશ્રમ પછી યાત્રી અમરનાથ પહોંચે છે, ને ત્યાંની પર્વતીય ગુફામાં શ્રાવણ સુદ પુનમે બનતા બરફના શિવલિંગનું દર્શન કરે છે, ત્યારે તો તેને એમ જ લાગે છે, કે જીવન ધન્ય બની ગયું. ઉંચા ઉંચા બરફથી છવાયેલા પહાડ, સામે નદી, ને ગુફામાં બરફનું લિંગ, એ બધું જોઈને એ મુગ્ધ જ બની જાય છે. ઈશ્વરની લીલાનો વિચાર કરીને એ સ્તબ્ધ બને છે.
અમે પણ અમરનાથનાં અદભુત દ્રશ્યનું દર્શન કરીને ધન્ય બની ગયા.
અમરનાથની ગુફામાં બેસી થોડો વખત સુધી અમે પ્રાર્થના કરી, અને પછી નીચે આવવા નીકળી પડ્યા. પંચતરણી પહોંચતા પહોંચતા તો એટલો બધો વરસાદ પડ્યો, કે અમારા બધાં જ કપડાં પલળી ગયાં. ઉતારા પર તંબુમાં આવી અમે કપડાં બદલ્યાં. થાક લાગ્યો હોવાથી આરામ કર્યો. પછી વિચાર કર્યો કે હવે બહાર જઈ કાંઈ ખાવાનું મળતું હોય તો લાવીએ.
બહાર આવીને જોયું તો લગભગ પોણા ભાગના તંબુવાળા વહેલા વહેલા ઘેર પહોંચવા માટે શેષનાગ તરફ વિદાય થઈ ગયા હતા. જે તંબુવાળા પુરી ને શાક વેચતા હતા તે પણ ન હતા. હવે શું કરવું ? અમને ખુબ જ નિરાશા થઈ. એક તો આટલી બધી ઘોર ઠંડી ને બીજી બાજુ ભુખ, એટલે ખોરાકની ઈચ્છા થાય તે સ્વાભાવિક હતું. ભુખે પેટે તો વખત પણ ન જાય. પણ હવે કરવું શું? એક તંબુ પાસેથી પસાર થતી વખતે, તંબુ બહાર ઉટકવા મુકેલા વાસણમાં મેં દાળ ને ભાતના દાણા જોયા. તે જોઈ મને થયું - દાળ ને ભાત ખાધે કેટલોય વખત થઈ ગયો છે. આટલી બધી ઠંડીમાં ગરમાગરમ દાળભાત મળે તો કેટલી મજા પડે ? પરંતુ દાળભાત લાવવાં ક્યાંથી ? પુરી ને શાકનાં જ ફાંફા હતા, તો દાળભાત ક્યાંથી મળે ? મને થયું - આવા સંજોગોમાં જો દાદા (શંકર ભગવાન) કૃપા કરે, તો જ કશું બની શકે; નહિ તો આજની રાત ભુખ્યાં જ પડી રહેવું પડશે.
પણ ઈશ્વરે ક્યારે કૃપા નથી કરી ? જેણે એને સાચા દિલથી ને ખુબ ભક્તિભાવે યાદ કર્યાં છે, તેના પર એની કૃપા જરૂર થઈ છે. કોઈવાર એ કૃપામાં વિલંબ થયો હશે તે ભલે, પરંતુ કૃપા નથી થઈ એવું તો ભાગ્યે જ બન્યું છે. જે એને યાદ કરે છે, એનું સાચા દિલથી શરણ લે છે, તેની સંભાળ એ રાખે જ છે. એ મારો વિશ્વાસ સાચો ઠર્યો.
વાત એમ બની કે છેલ્લા તંબુ આગળ અમે ઉભા હતા ત્યાં જ એક કાશ્મિરી જેવો દેખાતો માણસ મારી પાસે આવ્યો, અને મને હાથ જોડી કહેવા માંડ્યો, ‘આપ ભોજન કરોગે ?’
મને નવાઈ લાગી. આવા સ્થાનમાં વળી ભોજન કોણ કરાવે ? કે પછી આ ભાઈ અમારી મશ્કરી કરે છે ? જો કે એમના હાવભાવ તથા પોષાક પરથી એ સજ્જન ને ગૃહસ્થ દેખાતા હતા, એટલે એ અમારી મશ્કરી કરે છે એવી શંકાને કોઈ કારણ ન હતું. છતાં એવો વિચાર મને આવી ગયો.
ત્યાં તો તેમણે ફરી પુછ્યું : ‘ક્યા આપ ભોજન કરોગે ? મેરે પાસ ભોજન હૈ.’
મેં કહ્યું : ‘હું એકલો નથી. મારી સાથે જે ભાઈ છે તે ભુખ્યા રહે ને હું એકલો ભોજન કરું તે મને પસંદ ન પડે, એટલે બંનેને ભોજન કરાવી શકો તેમ હો તો હું આવું.’
પણ તે ગૃહસ્થે કહ્યું : ‘ભોજન પુરતું છે. માટે તમે બંને આવો.’
હવે મેં તેમને કહ્યું : ‘અમે બધાં મળીને ત્રણ છીએ. તંબુમાં મારા માતાજી પણ બેઠાં છે.’
તે ભાઈએ હસતાં-હસતાં કહ્યું : ‘તમે ત્રણે આવો.’
પછી એ ભાઈ અમને પોતાના તંબુમાં લઈ ગયા. તંબુ એટલો બધો મોટો હતો કે વાત નહીં. અંદર લઈ જઈ અમને તેમણે ધાબળાના આસન પર બેસાડ્યાં. એક બાજુ સત્યનારાયણની કથા થતી હતી; અને કથા સાંભળવા કેટલાય લોકો બેઠા હતા. મને થયું કે આટલા બધા માણસો અહીં ક્યાંથી આવ્યા ? તે ભાઈએ મારી જીજ્ઞાસા જાણી લીધી હોય તેમ કહ્યું : ‘ભેગા થયેલા બધા લોકો મારા સંબંધી છે.’
થોડા વખતમાં તો કથા પુરી થઈ. એ ગૃહસ્થે અમારી આગળ પાસેના ચુલા પરની તપેલીમાંથી દાળ ને ભાત કાઢી પીરસેલી ભોજનની થાળીઓ મુકી, અને હાથ જોડી અમને જમવાનું કહ્યું. કેટલી બધી નમ્રતા ને સરલતા ! થાળીમાં દાળભાત જોઈને મને બહુ આનંદ થયો. જે ઈચ્છા હતી, તે ઈશ્વરે પુરી કરી એમ જાણીને હૈયું ભરાઈ આવ્યું.
અમે જમી રહ્યા પછી તે ભાઈએ પોતાને હાથે જ અમારા વાસણ ઉટકી નાખ્યાં. વાસણ નોકર હોવા છતાં તેમની પાસે ઉટકાવાને બદલે પોતે જ ઉટક્યાં, અને અમારી પાસે પણ ન ઉટકાવ્યાં. અમે ઘણો આગ્રહ કર્યો ત્યારે કહ્યું : ‘મારું એવું ભાગ્ય ક્યાંથી કે તમારા વાસણ ઉટકી શકું, અને એ પણ આવી દેવભુમિમાં ?’
જમીને અમે અમારા તંબુમાં ગયા ત્યારે સાંજ પડી ગઈ હતી. બીજે દિવસે અમે શેષનાગ આવવા ઉપડ્યાં, ત્યારે તે ભાઈ પણ અમારી સાથે થઈ ગયા. શેષનાગ સુધી વાતો કરતા કરતા અમે આવી પહોંચ્યા. પછી તે ભાઈ ક્યાં ગયા તેની ખબર અમને ન પડી. પહેલગામ સુધીના રસ્તામાં ફરીવાર તે અમને મળ્યા જ નહીં. ગમે તેમ પણ અમારું કામ તો થઈ ગયું.
ઈશ્વરની એ કૃપાને યાદ કરી આજે પણ હૃદય ભાવવિભોર બની જાય છે. ધન્ય છે ઈશ્વરની કૃપાને !
- શ્રી યોગેશ્વરજી