પંજાબના કરતારપુરમાં જન્મેલા, શીખ ધર્મના સ્થાપક, ગુરૂ નાનક ભારે પ્રતાપી પુરૂષ હતા. તેમના અસંખ્ય અનુયાયી હતા. તેમણે ચારથી પાંચ વાર ભારતની પરિકમ્મા કરી હતી.
બાબર ભારતમાં આવ્યો, ત્યારે તેણે એમનું નામ સાંભળ્યું. સંતો અને ફકીરોને મળવાનો એને શોખ હતો, એટલે એ ગુરૂ નાનક પાસે ગયો અને આશીર્વાદની માગણી કરી.
ગુરૂએ કહ્યું : ‘હું તને શું આશીર્વાદ આપું ? ઈશ્વરે તારે માટે જે નક્કી કર્યું છે તે જ થવાનું છે. તું દિલ્હીની ગાદી પર બેસે એવી ઈશ્વરની ઈચ્છા છે.’
એ સાંભળીને બાબરને આનંદ થયો. થોડા વખતમાં એ બાદશાહ બની દિલ્હીની ગાદીએ બેઠો, ત્યારે એને ગુરૂ નાનકની શક્તિની ખાતરી થઈ.
એ પછી નાનક દેશના પ્રવાસે નીકળ્યા. એ વખતના પ્રવાસો આજના કરતા બહુ આકરા અને અગવડભરેલા હતા. યાતાયાતનાં આજના જેવાં સાધનોનો અભાવ હોવાથી, એ વખતના પ્રવાસો ભારે પરિશ્રમ માગી લેતા. છતાં લોકસંપર્ક કેળવવા તથા ઈશ્વરની લીલાનું દર્શન કરવાની ઈચ્છાથી, મોટી ઉંમરે પણ, નાનક દેશમાં બધે ફરતા.
ફરતા-ફરતા તે એક ગામમાં આવી પહોંચ્યા. ત્યાં પણ સાધુસંતો રહેતા. પોતાના ચમત્કારોથી એ લોકોમાં જાણીતા થયા હતા. લોકો પર એમનો ઘણો સારો પ્રભાવ હતો. લોકો એમની સેવા પણ સારી રીતે કરતા. નાનકદેવ ગામમાં આવેલા જાણી એમને ઈર્ષા થઈ. કદાચ લોકોની શ્રદ્ધાભક્તિ ને સેવાભાવ નાનક તરફ વળી જાય તો તેમની પ્રતિષ્ઠા અને તેમનું માન ઘટી જાય, એટલે નાનકદેવને ગામમાંથી હાંકી કાઢવાનો એમણે વિચાર કર્યો.
પણ એમને હાંકી કાઢવા કેવી રીતે ? લોકોનાં ટોળેટોળાં એમની આજુબાજુ એકઠાં થતાં, અને એમનાં ભજનકીર્તન તથા ઉપદેશ સાંભળી મુગ્ધ બની જતાં. એ ભારે જ્ઞાની છે એવું લોકો કહી બતાવતા. એવા મહાપુરૂષને ગામમાંથી કાઢવા શી રીતે ? એમની સાથે કોઈ ખરાબ વર્તન તો કરાય નહીં. આખરે એમણે એક યુક્તિ કરી.
એક શિષ્યને દુધથી ભરેલો પ્યાલો આપી નાનકદેવ પાસે મોકલ્યો. નાનકદેવને શું કહેવું તે પણ શિષ્યને કહી દીધું. તે પ્રમાણે કહેવાથી નાનકદેવ ગામ છોડી જરૂર જતા રહેશે એવી એમને ખાત્રી હતી.
શિષ્યે નાનકદેવ પાસે આવી દુધનો પ્યાલો આપ્યો, ને સાધુઓએ કહ્યા પ્રમાણે કહ્યું :
‘દુધનો આ પ્યાલો જેમ ભરેલો છે, અને એમાં જરાય જગ્યા નથી. તે પ્રમાણે આ ગામ પણ આખું સાધુસંતોથી ભરેલું છે. એમાં તમારા જેવા સંત માટે જરા પણ અવકાશ નથી. માટે તમે કૃપા કરી અહીંથી વિદાય થઈ જાવ તો સારું છે.’
નાનકદેવ કાંઈ બોલ્યા નહીં. પરંતુ પોતાના શિષ્યને સુચના આપી દુધના એ પ્યાલામાં થોડી સાકર નંખાવી, અને એની ઉપર એક તુલસીનું પાંદડું મુકાવી કહ્યું :
‘તમારા સાધુસંતોને કહેજો કે ગામ આખું સાધુસંતોથી ભરેલું છે, પરંતુ એ સંતોમાં મીઠાશ નથી. એ આ મોળા દુધ જેવા છે, એમની વચ્ચે હું સાકરની જેમ રહીશ, અને એમનામાં મીઠાશ લાવીશ.’
પેલો શિષ્ય તો દુધનો પ્યાલો લઈ સાધુસમાજ પાસે પાછો આવ્યો ને બધી વાત કહી સંભળાવી. સાધુઓ આ સાંભળી સડક થઈ ગયા. નાનકદેવની નમ્રતા, સમયસુચકતા અને વિવેકબુદ્ધિની અસર એમના પણ ઘણી ભારે થઈ. એમનામાંના કેટલાંક સમજુ પણ હતા. એમને નાનકની મહાનતાનો ખ્યાલ આવ્યો. એમને થયું કે નાનક કોઈ સાધારણ પુરૂષ નથી, અને એમની અવહેલના કરવામાં પોતે ભુલ કરી છે.
પછી તો એ બધા નાનકદેવને મળવા ગયા. નાનકે કહ્યું :
‘ભાઈઓ ! સાધુ શીલથી જ સાધુ કહેવાય છે. સરળતા, નમ્રતા ને સેવાવૃત્તિ સાધુપુરૂષની સદાની સહચરી છે, અને ઈશ્વરપ્રેમ એનું ઘરેણું છે. જેના હૃદયમાં સિંધુની પેઠે બધાને સ્થાન છે, તે જ સાધુ છે.’
સાધુઓએ એમને ઘણો આગ્રહ કર્યો, છતાં થોડા દિવસ પછી એ ગામ છોડીને તેઓ ચાલી નીકળ્યા. લોકસંપર્કની ભાવનાથી પરિભ્રમણ કરવામાં એમને અનેરો આનંદ આવતો હતો.
- શ્રી યોગેશ્વરજી