કપિલવસ્તુનો રાજમહેલ છોડ્યા પછી વનમાં લાગલગાટ સાડા છ વરસ તપ કરી, સિદ્ધાર્થે શાંતિ મેળવી. સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા પછી એમણે લોકોને જ્ઞાન અને શાંતિ આપવાનું શરૂ કર્યું. એ હતું એમનું પ્રખ્યાત ધર્મચક્રપ્રવર્તન.
એ દરમિયાન એ જુદી જુદી કોટિના અનેક લોકોના સંસર્ગમાં આવ્યા. રાજા અને રંક, અમીર અને ગરીબ, શિક્ષિત તથા અભણ બધી શ્રેણીના લોકો એમની પાસે, પોતાના દુઃખ-દર્દ દુર કરવા ને શાંતિ મેળવવા આવવા માંડ્યા. એમાં સ્ત્રીઓ પણ હતી.
કિસા ગૌતમી એમાંની એક હતી.
ભગવાન બુદ્ધની ખ્યાતિ સાંભળી એ એમની પાસે આવી બોલી :
‘પ્રભુ ! હું બહુ દુઃખી છું. મારો એકનો એક યુવાન દીકરો મરણ પામ્યો છે. તમે સમર્થ છો, દયાળુ છો, પરોપકારી છો. લોકોના હિત માટે જ તમારું જીવન તથા પ્રવૃત્તિ છે. તો કૃપા કરી મારા પુત્રને જીવતો કરો. મારું દુઃખ દુર કરી મને શાંતિ આપો. હું તમારી ઋણી રહીશ.’
બુદ્ધે કહ્યું :
‘તારી વાત ખરેખર કરુણાજનક છે. છતાં તું એક કામ કર. ગામમાં જઈને એક મુઠી રાઈના દાણા લઈ આવ. પરંતુ એ દાણા એવે ઠેકાણેથી લાવજે, જે ઘરમાં આજ સુધી કોઈનું મરણ થયું ન હોય.’
કિસા ગૌતમીને શાંતિ વળી, અને આનંદ થયો.
ગામમાં જઈ ઘેરઘેર ફરી, રાઈના દાણા લઈ આવીને પોતાના પુત્રને સજીવન કરાવવાની એને આશા થઈ. એક ઘેર જઈ એણે પુછ્યું :
‘બેન, તમારે ત્યાં રાઈના દાણા છે ?’
‘છે.’ બેને જવાબ આપ્યો.
‘એક મુઠ્ઠીભર આપશો ? મારે વધારે નથી જોઈતી. મુઠ્ઠીભર જ જોઈએ છે. ભગવાન બુદ્ધની પાસે લઈ જવાના છે.’
‘મુઠ્ઠીભર શા માટે ? જેટલા જોઈએ એટલા લોને.’ બેન દાણા લઈ બહાર આવી.
ગૌતમીએ દાણા લીધા, અને હરખથી ચાલવા માંડ્યું. હવે એનો પુત્ર જરૂર જીવતો થશે એવી શ્રદ્ધા એના દિલમાં જાગી ઉઠી.
પણ ત્યાં તો એને કાંઈક યાદ આવતાં એ તરત પાછી આવી, ને બોલી :
‘બેન ! એક વાત તો પુછવાની રહી જ ગઈ. દાણા તો તમે આપ્યા, પણ તમારા ઘરમાં કોઈનું મરણ તો નથી થયું ને ?’
‘મરણ ? મરણ તો આટલા બધા વખતમાં કોઈનું થયા વિના રહ્યું હશે ? હજુ ગયે વરસે જ મારી મોટી છોકરી મરણ પામી છે.’
‘તો પછી તમારા દાણા મારે નહીં ચાલે.’ ગૌતમીએ કહ્યું : ‘બુદ્ધ ભગવાને દાણા તે ઘરથી જ લાવવાના કહ્યા છે કે જેમાં કોઈનું મરણ ન થયું હોય - આજે કે કાલે, તાજેતરમાં કે થોડા વખત પહેલાં.’
દરેક ઘરમાં કોઈ ને કોઈનું મરણ થયું જ હતું. આખા ગામમાં ફરી વળ્યા છતાં, મરણ વિનાનું કોઈ ઘર એને ન મળ્યું, ત્યારે એ નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ને બોલી
‘ભગવન ! આખા ગામમાં ફરી વળી, પણ મરણ વિનાનું કોઈ ઘર જ નથી દેખાતું.’
બુદ્ધે કહ્યું : ‘બેન, મેં તને એટલા માટે જ મોકલી હતી. સંસારનો પ્રત્યક્ષ અનુભવ કરાવી તારી ખાતરી કરાવવા કે દુનિયામાં જે જન્મે છે તે મરે છે. એ જ ક્રમ છે. એ ક્રમ બધે ચાલી રહ્યો છે. કોઈ અમર નથી. શરીરનો ત્યાગ કરી એક દિવસ સૌએ વિદાય થવાનું છે. તારો પુત્ર પણ એ જ રીતે વિદાય થયો છે. માટે તું એનો શોક કરવાનું છોડી દે. ધારો કે કોઈક ઉપાયથી એને જીવતો કરી દેવામાં આવે તો પણ, એક દિવસ તો એનું મરણ થવાનું; કારણ મરવું એ સંસારનો સ્વાભાવિક ક્રમ છે. માટે વધારે સારું તો એ છે કે મૃત્યુના શોકનો ત્યાગ કરીને તું સંસારની અસારતાને સમજી લે. એટલે મિથ્યા મોહ અથવા તો અજ્ઞાનને લીધે ઉત્પન્ન થયેલો તારો શોક દુર થશે, અને તને શાંતિ વળશે. બીજો કોઈ જ માર્ગ નથી.’
ભગવાન બુદ્ધની વાણી સાંભળીને ગૌતમીનું દુઃખ દુર થયું. એના અંતરમાં જ્ઞાનનો દીપક પ્રજવળી ઉઠ્યો. એ શાંત ચિત્તે ઘેર પાછી વળી.
આજે પણ એ વાણીમાં અનેકના મિથ્યા મોહ ને શોક દુર કરવાની શક્તિ છે. બુદ્ધ અને ગૌતમીને થયે તો વરસો થયાં, પરંતુ એમની આ વાણી હજારો જીવોના જીવનમાં પ્રેરણા ને પ્રકાશ પાથરતી, અમર બનીને ઊભી રહી છે. માનવજાતિનો એ અમર વારસો છે.
- શ્રી યોગેશ્વરજી