મને નથી લાગતું,
મારી વીણાને હું મારી મેળે જ વગાડું છું,
વગાડી શકું છું;
એની ઉપર મારો સર્વાધિકાર નથી.
પહેલાં એવું માનતો કે એને હું જ વગાડું છું,
વગાડી શકું છું;
કિન્તુ તે દિવ્ય દિવસે,
તે ધન્ય ક્ષણે, પાવન પળે, પેખ્યું
કે વીણા એની એ હતી,
એના તાર પણ એના એ જ હતા,
વગાડનારનો હાથ, એની અંગુલિ પણ એ જ હતી.
તો પણ વીણાનું વાદન નહોતું થતું,
નહોતું થઈ શકતું,
કારણ કે એની અંદર, એ વગાડનારની અંદર,
તારું અસ્તિત્વ નહોતું,
તારો રમણીય રસરાસ નહોતો રમાતો.
ત્યારથી મારો અહંકાર ઓગળી ગયો છે;
એ અહંકાર પછી પેદા જ નથી થયો.
વગાડનારો હું નથી હોતો તો વીણાને કોણ વગાડે છે,
હવે એ સમજાઈ ગયું છે.
સારી પેઠે સમજાઈ ગયું છે.
મને નથી લાગતું,
મારી વીણાને હું મારી મેળે જ વગાડું છું,
વગાડી શકું છું;
એની ઉપર મારો સર્વાધિકાર નથી.
- શ્રી યોગેશ્વરજી