જ્ઞાનનો વિશાળ વારિધિ-
એનું માપ કોણ કાઢી શકે ?
કોણ કાઢી શકે એનો તાગ ?
પરમજ્ઞાનનો પવિત્રતમ વિશાળ વારિધિ.
એ મને જ્ઞાનનો વિશાળ વારિધિ કહે છે
ત્યારે મને આશ્ચર્ય થાય છે ને હસવું આવે છે.
હું એમની આગળ સ્પષ્ટીકરણ કરું છું,
જ્ઞાનનો વિશાળ વારિધિ હજુ દૂર છે.
એનો સંસ્પર્શ મેં નથી કર્યો,
નથી એનું આચમન કર્યું,
અથવા એના અવગાહનનો આનંદ લીધો;
હું તો એના તપઃપૂત તટપ્રદેશ પર બેઠો છું.
છતાં એ મને વારિધિ કહે છે -
જ્ઞાનનો વિશાળ વારિધિ,
અનુભવાત્મક આત્મજ્ઞાનનો વિશાળ વારિધિ.
- શ્રી યોગેશ્વરજી