વિરોધાભાસે ભરી સૃષ્ટિને કોણે કરી,
અને કીધી તોય આ કાલિમા સંતાપની
કલેશની દુઃખોતણી એ મહીં શાને રચી,
પ્રતિપદે તેમજ પળે પાશવી પીડાતણી
જગાવી કાં જ્વાળને સર્વસંહારક બધે,
અરે સંમિશ્રિત અહીં અશ્રુ ને આનંદને
કર્યાં શાને; ના જ જો લેશ આ સર્જનતણી
કરી હોત ઉપાધિ તો થાત શ્રેયસ્કર નહીં ?
વિરોધાભાસે ભરી સૃષ્ટિને કોણે કરી,
કરી શાને એ બધી સમસ્યાઓ અવનવી
જગાવીને ચિત્તને ભ્રાંતિ-ભીતિ-અશાંતિથી
ભરી દેવાથી બની જશે ભારે જિંદગી;
કરી જેણે હેતુને કાજ જે હોયે ભલે,
વિચારી લે તું ચહે સ્વયં શું કરવા હવે.
- શ્રી યોગેશ્વરજી