ફૂંકાયા શંખ ને વાગ્યાં રણશીંગાં અસંખ્ય ત્યાં
કોલાહલ કરી યુદ્ધે પ્રેરવા માનવીનો
વ્યાપ્યો ભય તદા કલૈબ્યે ભરેલાં અંતરો મહીં
ચિંતાતણી ચિતા જાગી કારમી પ્રલયંકરી
અનેકવિધ આશંકાઓનાં અભ્રો અશાંતિના
આટાપાટા રમી પામ્યાં આવિર્ભાવ સ્થળે,
કિન્તુ અંતર યોદ્ધાનાં શૌર્યે થનગની રહ્યાં
કરવા શત્રુનો ધ્વંસ વરવા જયને વળી.
સત્યનો ન્યાય-નેકીનો જય છે સર્વદા જગે
વરે છે વિજયશ્રી તે શ્રદ્ધા છે જેમની રગે,
સાફલ્ય સાંપડે શૌર્ય ધર્મને, ના અધર્મને,
સૈનિકો શાસ્વતી શ્રદ્ધા સજીને અંતરાત્મમાં
એવી ધપો બઢો યુદ્ધે કિલષ્ટ કર્તવ્યમાર્ગમાં
દેવી વિજયની જેથી રહી જાય અનાથ ના.
- શ્રી યોગેશ્વરજી