વિસ્તરે ગડ અંગે ને સડે ના ઔષધે મટે
બગાડે અંગને અંતે બને ઘાતક તે સમે
ઉપાય અન્ય ના એકે રહે શેષ બચાવવા
વ્યક્તિને, હિંમતે શસ્ત્રે એને નસ્તર મૂકવું
અનિવાર્ય બની જાયે એથી ના ડરવું જરી.
વિનાશની તથા દૈવી નવસર્જનની બધી
લીલા ઈશ્વરની વિશ્વે શ્રેયસ્કરી બધે થતી
બાહ્ય દેખાવથી કો’દિ જવું ભ્રમિત ના બની.
યુધ્ધ મંગલ ના તોયે અનિવાર્ય બને કદી
વધાવી પ્રેમથી ત્યારે લઈ એ આખરે ઘડી
આણી અનિષ્ટનો અંત સ્થાપવા નવસૃષ્ટિને
હિંમતે મરદા તો છે મદદે પરમાત્મના
હજારો હાથ ધારીને એવું લેવું લડી સદા,
આશીર્વાદ તને મારા દેશ છે દેવદેવના.
- શ્રી યોગેશ્વરજી