ધરામાં જન્મીને સુભગ સલુણા શૈશવથકી
નવી તૃષ્ણાઓ ને નવલતર આશા ઉર ભરી
કર્યાં નૃત્યો કૈંયે અનવરત તેં સ્થૈર્યસહ તો
કદી અસ્થૈર્યે ને રુદન કરતાં હાસ્ય હસતાં
અનેકો દ્વંદ્વોમાં નિત રત બની શાંતિસુખ ના
છતાં પામ્યો, પામ્યો ધ્રુવપદ નહીં, સ્થૈર્ય પણ ક્યાં
તને લાધ્યું, લાધ્યો સફળ ન કિનારો સફરનો,
ગયું વીતી દૈન્યે પરવશસમું જીવન બધું.
કહે : નાચ્યો નાચ્યો પ્રભુ, અકળ દૈવી અભિનયે
કરી મંચે કૈંયે દિવસ વરસો જીવનતણાં
નવા ઉત્સાહે ને નવલતર રંગે રસથકી
ભરીને આત્માને; નવ હૃદય માગે વધુ હવે
લઈને લાચારી જગતપટપે નૃત્ય કરવા;
મનીષા આત્માના પુનિત પથપે પાય ભરવા.
- શ્રી યોગેશ્વરજી