વ્યોમના વિતાનમાં સંધિસ્વર છૂટે છે
એના પ્રસન્ન પરિણામને પેખો તો ખરા;
પ્રભાતના પ્રથમ પ્રહરની સુખદ સંધિ
પૃથ્વીના પ્રાણ જેવા પ્રકાશપુંજ પ્રભાકરને પ્રકટાવે છે,
અને સંધ્યા સમયની સંધિ
ચારુ ચંદ્રના ચેતનપ્રદાયક પ્રાકટ્ય સાથે
રમણીય રસમયી રાતને લાવે છે;
વ્યોમના વિતાનમાં સંધિસ્વર છૂટે છે
એના પ્રસન્ન પરિણામને પેખો તો ખરા;
એની પ્રતિક્રિયાથી પુલકિત બની જાય છે આ આખીયે ધરા.
સંધિમાં સંપ છે, સંગઠન છે,
સંવાદિતા અને શક્તિ છે,
ભૂતને દફનાવવાની, ભાવિને સાકાર કરવાની શક્યતા છે,
એ સ્વાનુભૂતિનો સારમંત્ર છે
એટલે એનું સદાય સ્વાગત હો !
કિન્તુ એ કેવળ કાગળ પર નહિ,
રક્તમાં, રોમેરોમમાં, કાળજાના કણકણમાં હો,
વિચારસરણી ને વર્તનમાં એનો અલૌકિક અવતાર થાય તો
સમૃદ્ધિ ને સમુન્નતિનો રહી શકે સંશય શો ?
સંધિનું, સ્નેહના અમુલખ અક્ષરનું,
માનવતાના મૂળભૂત મંગલનું,
સદાય સ્વાગત હો !
- શ્રી યોગેશ્વરજી