પુસ્તકોના પુરસ્કાર મળ્યા;
સમાચારો લેખકોના
કવિતણા નામાભિધાનો સાથના
વાયુવેગે વર્તમાને અવનવીન વહ્યા,
ભિન્ન પ્રત્યાઘાત કેવા
એહના વ્યક્તિ પરત્વે મિશ્ર કૈંક પડ્યા !
પુસ્તકોના પુરસ્કાર મળ્યા;
હસ્યા કૈં ગૌરવ ગણીને
અર્પતાં અભિનંદનો કૈં
સ્વસ્થ બનતાં યત્ન કરતાં હાસ્યનો
તો કૈં બગાડી વદનને ભમ્મર ચઢાવી
રડ્યા તેમ વદ્યા:
કદર કોઈને નહીં, કોઈ ગુણી જગમાં
દીસતું ના એટલે સર્જન સમુત્તમ તો -
તોય ના પામી શક્યું હા, પારિતોષક કો.
પુસ્તકોના પુરસ્કાર મળ્યા;
પૂછું કિન્તુ આજ કે એ પ્રથમવાર મળ્યા ?
થયું સર્જન તે ક્ષણે ના લેશમાત્ર મળ્યા ?
તો પછી સર્જક તણી ખાવી ઘટે છે દયા.
- શ્રી યોગેશ્વરજી