નિતાંત નૈરાશ્ય નિકુંજ નિર્ઝરે
નિહાળતાં ભસ્મિત ભૂતકાળને
કર્યું નહીં ક્રંદન મેં સખેદ
પોકારને પીડ ભરેલ પાડતાં
અનેકધા અંતર આહ સાથે
કીધાં નહીં કે ફરિયાદ માની
આ જિંદગી ઝેર સમાન બોજો
કે આકરો કો અભિશાપ જાણી.
તમે જ છો કારણ એક એનું:
ક્રીડા કરી સંગ ઉછંગમાં કે
સદા તમારી મધુ હૂંફ માણી
પદે પદે સર્વ ક્ષણે અહીં મેં
આ જિંદગીના શુભ બાલ્યકાળથી
અનંત લીધો અનુરાગ ધારી.
- શ્રી યોગેશ્વરજી