ઘોર વાદળ ગડગડ્યાં વિઘ્નો તણાં વેદન છલ્યાં
દિગદિગંતે છવાયાં દુર્મુખ દળો તામિસ્ત્રનાં
રુંધતા દ્દગને ચમકતી ચંચલા ચપલા રહી
કાળજાને કોરવાની કોશિષો કરતી વળી
પવન પ્રલયંકર પ્રબળતમ ખૂબ ફૂંકાઈ રહ્યા
આગ ઝરતા સ્થૈર્ય હરતા માન ને મૂકી દયા,
સૈન્ય ચારે તરફ ચાલ્યું અવનવીન અશાંતિનું
તોય હાલ્યું હૈયું ના, ના કલૈબ્ય ફાવ્યું; ચારુ ત્યાં
વ્યોમમાં કોણે જગાવ્યું ઈન્દ્રધનુ આકર્ષક ?
પ્રાર્થનાએ, પ્રાર્થનાનું એ હતું અદ્ ભુત બળ.
- શ્રી યોગેશ્વરજી