મોરલીની માધુરી વિશ્વે વહી :
જાડ્યમાં ચેતન બધે પ્રકટી રહ્યું
અવનવું જીવન મહા જગને મળ્યું
નીર યમુનાનાં દિશાપ્રદિશા વળી
ધૂલિ માર્ગતણી મધુર મંગલ થઈ
પ્રકટ કરવા ચેતના લાગ્યાં નવી.
મોરલી એવી જ આ જીવનતણી
ધારતાં માધવ સમો માધુર્યથી
કરું મંડિત, અવનવા સ્વર રેલતાં
સુધાભર સંસારને રસમય કરું,
અનેરી સૃષ્ટિ કરું સંવાદની
વિશ્વના વૃંદાવને જડ ચેતને
નવો પ્રાણ ભરું અને એના થકી
કરી સ્પંદિત અન્યને તારું, તરું.
- શ્રી યોગેશ્વરજી