દિનો સુધી ના વરસાદ કેરા
એકાદયે બિંદુ તણો પમાયો
સંસ્પર્શ તો માનવ રોષ ભીનો
બની જઈ વ્યાકુળ ખિન્ન બોલ્યો,
વર્ષાતણાયે નિયમો પહેલાં—
જેવા રહ્યા ના કળિકાળમાં આ,
દયા જરાયે જગની ન એને.
ત્યાં તો પડી મૂશળધાર વર્ષા
આલિંગતાં વ્યાપક વિપ્રયોગને
પૃથ્વીતણી પીડ બધી શમાવતાં.
છતાં વદ્યો માનવ આદુ ખાઈ
વર્ષા રહી છે વરસી હવે તો
કલ્યાણ થાયે ખલુ બંધ જો રહે.
મેઘે વિચાર્યું વરસું અને જો
દિનો સુધી ના વરસું જનોને
સંજોગ એવા ઉભયે રુચે ના,
જાણી શકું ના ત્રુટિ શી મહારી
કે ભાવના માનવની નિરાળી
કલ્યાણને ક્યાંય શકે ન ભાળી ?
- શ્રી યોગેશ્વરજી