કોણ કહી શકશે ?
ખરેખર કોણ કહી શકશે ?
એક ગગનમાં દૂર સદનમાં
છેક સમીપે અન્ય વસે તું,
કોને કહું અધિક કોને કમ
સમજી ના સંપૂર્ણ શકું હું.
તુલના તો પણ કરે આંખ ને
અંતર અનુરાગે ઉભરાઈ
કલ્પના કરે કોશિષ થોડી
આકર્ષણ રંગે રંગાઈ.
ઉભય સર્વપણે સુંદર કોણ વધી શકશે,
ખરેખર કોણ કહી શકશે ?
०००
ચંદ્ર ગગનમાં દીસે સુંદર
સુંદરતર દીસે તું તો પણ,
રસભર એ લાગે પણ તું તો
રસ સાક્ષાત કહે મારું મન.
આહ્ લાદક એ, તું આહ્ લાદક—
તાજ ખરે સૌંદર્ય સનાતન;
પ્રેમળ એ તું પ્રેમ જ પોતે
અમૃતમય એ તું અમૃતધન
જડ એ તું તો સજીવ,
એ તો મૂક કહે તું કથા નિરંતર
આભધરિત્રીસમું મને તો
દેખાયે ઉભયમહીં અંતર.
તારી સમક્ષ સહસ્ત્ર સુંદર વિધુ પણ ના ટકશે.
ખરેખર કોણ કહી શકશે ?
- શ્રી યોગેશ્વરજી