કુબ્જા લઈ વિવિધ અદ્ ભુત અંગરાગ
માર્ગે મળી પરમ મંગલ એ પ્રભાતે
ત્યારે તમે સકળ સુંદર સાધનોને
સૌંદર્યનાં ગ્રહણ શીઘ્ર કર્યાં સ્મિતે ને
એ કંસની પ્રણયપાવન સેવિકાને
સ્પર્શી કરી સુભગ સુંદર અંગવાળી
ધન્યા વળી, મધુરવી શુચિ એ કથાને
મેં સાંભળી હૃદયમંદિર ભક્તિ ધારી.
કાયા કુરૂપ ત્યમ જીવતણું સ્વરૂપ
સૌંદર્યહીન જગના વિષયોપભોગોની—
સેવથી, ક્યમ બને અભિરામ પાછું
ગાયે કૃતાર્થ બનતાં નિજ પૂર્ણતાનું
સંગીત ? માત્ર કરુણા કરવી તમારે,
લેવું જરી શરણ સ્નેહથકી અમારે.
- શ્રી યોગેશ્વરજી