વાદળાં છે છવાયાં અતિઘોર
વ્યોમમાં ભારે મચાવે શોર,
ચમકતી ચપલા અગન-આંજી
આંખ સાથે અંધકારતણા
ઊતર્યા ઓળા ચતુર્દિશ આ,
દીસતું દુનિયાતણું કૈં ના
કિન્તુ તોડી સૂર્યનાં કિરણો
દિવાલોને દીનતા કેરી
કરી દે વાતાવરણ નિર્મળ
પુનઃ ઉત્સવ કરે ને જળસ્થળ,
વ્યોમ સાથે મીટને માંડી
પવન એની પીટતો દાંડી
०००
ઘોર વાદળ વેદનાકેરાં
પીડનાં ચિંતાતણાં ન્યારાં
ભીતિ ને પ્રતિકૂળતા તેમજ
છવાયેલ અશાંતિના આજે
ભલે જીવનવ્યોમમાં જોઈ
એમને ડગવું નથી ડરવું
લેશ ના, પાની નથી ભરવી
જરીયે પાછી, નથી સ્વપ્ને
ધારવું નૈરાશ્ય, હિંમતથી
માર્ગ કરતા પ્રતિબળે આગળ
પામવું ધ્રુવપદ પરમ શાશ્વત.
- શ્રી યોગેશ્વરજી