સંગીતજ્ઞે હાથમાં સિતારને લીધી તો ખરી
કિન્તુ બીજી જ ક્ષણે એને બાજુ પર મૂકીને કહ્યું,
સિતારના સુરીલા સુસ્વર છોડવાનો મૂડ નથી.
અને સિતાર સ્વલ્પ પણ વાગી જ નહિ,
ના વાગી શકી.
०००
કવિએ કલમ લઈને કાગળ પર લખવા માંડ્યું
કિન્તુ બીજી જ પળે કહ્યું.
આજે નહિ લખાય, નહિ લખી શકાય;
શબ્દના અને અર્થના રહસ્યનું ઉદ્ ઘાટન નથી થતું;
આજે મૂડ નથી.
०००
કળાકારે પીછી લઈને કશુંક કળાત્મક દોર્યુ,
એકાદ રેખા ખેંચી,
કિન્તુ બીજી જ ક્ષણે પીંછી પાછી મૂકીને કહ્યું,
ચિત્ર નહિ દોરી શકાય,
આકૃતિ લેશ પણ નહિ અંકિત થાય,
આજે મૂડ નથી.
०००
સલાહકારે સુફિયાણી સલાહ આપતાં કહ્યું,
કાલે આવો તો ?
કાલે સલાહ અવશ્ય આપીશ, આપી શકીશ;
આજે મૂડ નથી.
०००
સરિતાનું અભિસરણ થયે જ જાય છે,
વાયુ વહ્યે જ જાય છે.
રવિ કદીયે રજા પર જાય છે ?
ધરતી અને આસમાન થાક ખાય છે ?
જે જીવનના અલૌકિક આદર્શની સાથે- તમારી સાથે
અનુસંધાન સાધે છે
એને વળી મૂડ શું
ને મૂડ નથી એવું ય શું ?
०००
મૂડ મોટો નથી મોટો માનવ છે,
કિન્તુ એ ભૂલી જવાય છે
ત્યારે મૂડ મોટો જણાય છે.
- શ્રી યોગેશ્વરજી