સૌથી પહેલાં હું તને વ્યોમમાં વિરાજેલો માનતો
તારી પ્રાર્થના કે સંસ્તુતિ કરતાં
વ્યોમ પ્રતિ દ્રષ્ટિપાત કરતો.
પછી તને મારી સમક્ષ ઉપસ્થિત જોવા લાગ્યો;
સામે પેખીને પ્રાર્થતો રહ્યો.
એનો પણ એકવાર અંત આવ્યો.
હું તને મારી અંદર
અંતરના અંતરતમમાં
અંતર્યામી અંતઃસ્થ ચેતનારુપે
મારા મંગલ મંદિરના પવિત્ર પ્રદીપ પેઠે
નિહાળતો થયો.
પછી મારા રોમરોમમાં
અવનીના અણુઅણુમાં
અને આખરે મારા પોતાના જ સ્વરૂપે
તારો સાક્ષાત્કાર થયો.
આપણો રહ્યોસહ્યો ભેદ પણ મટી ગયો.
- શ્રી યોગેશ્વરજી