ક્ષુધાની જ્વાળાને પ્રખરતમશી તૃપ્ત કરવા
અપેક્ષા ના રે'તી સકળ જગના વ્યંજનતણાં
મહાભંડારોની, ઉદર ભરવા યોગ્ય જ થતું
અમી જેવું અન્ન; તૃષિત જનને તૃપ્તિ ધરવા.
ન આકાંક્ષા રે'તી શુચિ સરિતની - માત્ર જળની;
તપેલો તાપે ને પથિક દુનિયાની સકળ ના
ચહે છાયા, શીળી સુખદ દ્રુમની છાંય મળતાં
થતી એની કાયા પુલકિત તથા ચિત્ત ઠરતું.
તપેલો મારોયે યુગ યુગ થકી જીવનતણા
પ્રવાસે આ આત્મા સુખદ મળતાં છાંય મધુરી
તમારી આનંદે કૃતકૃત બની નર્તન કરી
રહેશે, વર્ષોની અવિચળ તૃષા તૃપ્ત બનશે
કૃપાના અબ્ધિના અમૃત ઝરતાં બિંદુ ભરથી;
ક્ષુધાયે સાનિધ્યે તરત જ થશે સાર્થક શમી.
- શ્રી યોગેશ્વરજી