જીવનની મધુમયી, જીવનપ્રદાયિની વીણા છે.
એને લઈને ઉપર ને નીચે,
પૂર્વ ને પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ,
ઈચ્છાનુસાર બધે જ
અકુંઠિત ગતિથી ફરું છું;
ન જાણે કેટલાય કલ્પોથી ફરું છું.
જીવનની વહાલભરી વેદનાછલેલી વીણા છે.
એથી ડોલું છું, ડોલાવું છું,
રસ ભરું છું, રસ ધરું છું,
જીવન લહું છું, જીવન બનું છું.
આત્મસંતોષ એટલો અવશ્ય છે—
એ જેની છે એના જ જયગાનથી ઝંકૃત કરું છું.
જીવનની
જડમાં જીવન જગાવનારી
મૃતને અમૃત બનાવનારી વીણા છે.
- શ્રી યોગેશ્વરજી