તંબુરા પર સુમધુર સ્વરમાં ગીતો ગવાઈ રહ્યાં છે ત્યારે
મારા સમીપવર્તી સદનમાં બેસીને
એમનો આસ્વાદ લઉં છું.
ભજનિકો મને આમંત્રણ આપવા આવે છે
કિન્તુ એમને નમ્રતાપૂર્વક, નિખાલસતાથી,
ના પાડું છું.
એ મને નાસ્તિક અથવા નીરસ સમજે છે.
કિન્તુ.....
આંખમાં અશ્રુમાળા લઈને
તનના તંબુરા પર
તારા સ્નેહનું શાશ્વત સ્વર્ગીય સંગીત રેલું છું,
એમાં મારા મનને, અંતરને, અણુઅણુને રેલું છું,
એની એમને માહિતી નથી.
તંબુરા પર ગીતો ગવાઈ રહ્યાં છે ત્યારે
એમના આમંત્રણને પાછું ઠેલીને પણ
તારી આગળ મારું સર્વકાંઈ મેલું છું.
- શ્રી યોગેશ્વરજી