Download details |
![]() | ||||||||||||||||||||||||||
ભગવદ્ ગીતા શું શીખવે છે એના કરતાં એ શું નથી શીખવતી એ પ્રશ્ન વિચારવા જેવો છે. જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મના ગૂઢાતિગૂઢ રહસ્યોને રજૂ કરી એણે માનવજાતિ માટે મહત્વનું કલ્યાણકાર્ય કર્યું છે. એણે કેટલાય અંધકારગ્રસ્ત આત્માઓને પ્રકાશ પૂરો પાડ્યો છે, પ્રેરણાહીનોને પ્રેરણા આપી છે, પથભ્રાંતનું પથપ્રદર્શન કર્યું છે, શંકાશીલને શંકા-કુશંકાના વમળમાંથી બહાર કાઢ્યા છે, અશાંતને શાંતિ બક્ષી છે અને બદ્ધને મુક્તિનો મહારસ ચખાડ્યો છે. ગીતા આપણને કર્તવ્ય કરવાનું ને સ્વધર્મનું સમ્યક્ પાલન કરવાનું શીખવે છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનને સ્વસ્થ અને શાંત રાખવાનું, નીતિ-સદાચાર-માનવતાને ન છોડવાનું ને પરમાત્માને શરણે જવાનું શીખવે છે. એ કર્મોનો ત્યાગ કરવાની શિક્ષા નથી આપતી. ભગવદ્ ગીતાના આ અને આવા અનેક સંદેશાઓને પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. જીવનવિકાસના સાધકોને એ અત્યંત ઉપયોગી બનશે. |
|