if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

{slide=Plan to capture Yudhisthir}

After Bhishma's fall, Duryodhan made Drona the commander-in-chief of Kaurava army. On his appointment, Drona asked Duryodhan what was on his wish-list. After consultation with Karna, Duryodhan told Drona to capture Yudhisthir alive. Drona took another meaning of it and rejoiced as Duryodhan wanted Yudhisthir alive and not dead. But Duryodhan clarified that he want Yudhisthir alive simply because he wanted to play the game of dice again with Yudhisthir and send Pandavas in the exile. Duryodhan knew very well that if Yudhisthir dies, rest of the Pandavas would never spare him.

Drona thought for a while and then announced that if Arjun is separated from protecting Yudhisthir by any mean, he would capture Yudhisthir alive. Kauravas were happy at Drona's resolution. When Yudhisthir came to know about it, he asked Arjun's opinion. Arjun reiterated that no matter what would happen, he would protect Yudhisthir in the battlefield. Kurukshetra prepared to be a silent witness of an interesting battle.

{/slide}

ભીષ્મ પિતામહ ઘોર પરાજય પામીને અતિભયંકર રીતે ઘાયલ બનીને શરશય્યા પર જ સૂઇ ગયા તે સમયે દુર્યોધન પોતાની પ્રતિશોધ ભાવના તથા યુદ્ધનીતિ પર પુનર્વિચાર કરી શક્યો  હોત. એને માટે એ  સમય આવશ્યક આત્મસુઘાર કરવાનો અને જીવનવ્યવહારને બદલવાનો હતો.

પરંતુ દુર્યોધન એવું ના કરી શક્યો. એટલું એનું કમભાગ્ય. કૌરવોનું પણ કમભાગ્ય.

ભીષ્મ પિતામહના શરશય્યા શયન પછી પણ દુર્યોધનને યુદ્ધ કર્મ પરથી ઉપરામતા ના થઇ.

એની અનુમતિથી દ્રોણાચાર્યને કૌરવ સેનાના મુખ્ય સેનાપતિ બનાવવામાં આવ્યા.

સેનાપતિના પદનો સ્વીકાર કર્યા પછી મહારથી દ્રોણાચાર્યે દુર્યોધનને જણાવ્યું કે કૌરવોમાં શ્રેષ્ઠ ગંગાનંદન ભીષ્મ પિતામહ પછી તેં મને આજે સેનાપતિપદે નીમ્યો છે; માટે તું તે કર્મના યોગ્ય ફળને મેળવી લે. તારી કઇ કામનાને હું સંપૂર્ણ કરું ? મારી પાસેથી તારી ઇચ્છામાં આવે તે માંગી લે.

દુર્યોધને કર્ણ તથા દુઃશાસન સાથે મંત્રણા કરીને વિજયીશ્રેષ્ઠ દુર્ધર્ષ આચાર્યને જણાવ્યું કે મને વર આપતા હો તો હું એ જ માગું છું કે તમે રથીશ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજાને જીવતો પકડીને અહીં મારી પાસે લઇ આવો.

કૌરવોના એ આદર્શ આચાર્યે એ શબ્દોને સાંભળીને સઘળી સેનાને હર્ષ ઉપજાવતાં જણાવ્યું કે કુંતીનો પુત્ર યુધિષ્ઠિર ધન્યવાદને પાત્ર છે; કારણ કે તું તેને પકડવાને ઇચ્છે છે પણ મારી નાખવા માગતો નથી. ધર્મરાજનો કોઇ શત્રુ નથી તેથી જ તું તેને જીવતો પકડવા ઇચ્છે છે. આવી ઇચ્છાથી તું તારા કુળની રક્ષા કરે છે, અથવા યુદ્ધમાં પાંડવોને જીતીને તથા તેમને રાજ્ય પાછું સોંપીને તું પરસ્પર સંપ કરવા ઇચ્છે છે. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરને ધન્ય છે, તેનો જન્મ સાર્થક છે, અને તે અજાતશત્રુ કહેવાય છે તે પણ સત્ય છે કારણ કે તું એના પર આટલો બધો સ્નેહ રાખે છે.

દ્રોણાચાર્યે એ પ્રમાણે કહ્યું ત્યારે દુર્યોધન આનંદમાં આવીને બોલી ઊઠ્યો કે આચાર્ય ! યુધિષ્ઠિરનો વધ કરવાથી યુદ્ધમાં મારો વિજય થવાનો નથી. જો કદાચ યુધિષ્ઠિરને મારી નાખવામાં આવે તો પાંડવો અમને બધાને અવશ્ય મારી નાખે. દેવો પણ પાંડવોને રણમાં હણી શકે તેમ નથી. એટલે તેમનામાંથી બાકી રહે તે અમને જીવતા ના રહેવા દે. પરંતુ સત્ય પ્રતિજ્ઞાવાળા યુધિષ્ઠિરને મારી આગળ પકડીને લાવવામાં આવે તો ફરીથી તેને જુગારમાં જીતીને જંગલમાં કાઢીએ; અને એમ એને અનુસરવામાં પાંડવો પણ જંગલમાં ચાલ્યા જાય. આથી હું ધર્મરાજને કોઇ પણ રીતે મારવા ઇચ્છતો નથી.

દ્રોણે થોડી વાર વિચારીને જણાવ્યું કે જો આ યુદ્ધમાં વીર અર્જુન પાંડવશ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજનું રક્ષણ નહીં કરે તો તું માની લેજે કે યુધિષ્ઠિર તારે વશ થયો જ છે. ઇન્દ્ર સહિત દેવાસુરો પણ અર્જુનને  રણમાં જીતી શકે તેમ નથી. માટે હું એ અર્જુનની આંખ આગળ યુધિષ્ઠિરને પકડી લાવવાની હિંમત નહીં કરી શકું. અર્જુન મારો શિષ્ય છે. હું પોતે જ તેનો પહેલો ગુરુ છું. તે તરુણ છે, પુણ્યશાળી છે, અને જય મેળવવો અથવા મરવું એવા નિશ્ચયવાળો છે. વળી તેણે ઇન્દ્ર તથા રુદ્ર પાસેથી દિવ્ય અસ્ત્રોને મેળવેલાં છે, અને તારા પર ક્રોધે ભરાયો છે. કોઇ ઉપાયે તે અર્જુનને યુદ્ધમાંથી દૂર કરી શકાય તો તારે સમજી લેવું કે તેં ધર્મરાજને જીત્યો છે. હે પુરુષશ્રેષ્ઠ ! જો યુધિષ્ઠિરને પકડવામાં જય છે અને તેને મારી નાખવાથી જય નથી તો આ જ ઉપાયથી તેને પકડી શકાશે. જો અર્જુનને યુદ્ધમાંથી દૂર કરવામાં આવશે તો આજે જ હું સત્યધર્મપરાયણ યુધિષ્ઠિરને કેદ પકડીને તારે સ્વાધીન કરીશ. અર્જુનની ઉપસ્થિતિમાં તો ઇન્દ્ર સહિત દેવો અને અસુરો પણ યુદ્ધમાં યુધિષ્ઠિરને કેદ પકડી શકે તેમ નથી.

દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડવા માટે એવી રીતે પ્રતિજ્ઞા કરી ત્યારે દુર્યોધન અને અન્ય કૌરવો યુધિષ્ઠિરને પકડાયેલો જ માની બેઠા. દુર્યોધન જાણતો હતો કે દ્રોણાચાર્યને પાંડવો ઉપર પ્રીતિ છે તેથી તેમની પ્રતિજ્ઞાને સ્થિર કરવા માટે તેમણે યુધિષ્ઠિરને પકડવાના વિચારને સર્વત્ર ફેલાવી દીધો.

જેનો સર્વનાશ સમીપ હોય છે તેની સન્મતિનું શરૂઆતમાં હરણ થાય છે. તેને પોતાની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ, તથા સમુન્નતિની સાધના નથી રુચતી. એ અમંગલ, અનર્થકારક માર્ગે જ આગળ વધે છે અને અન્યને આગળ વધારે છે. દુર્યોધનની દશા એવી જ હતી. એના પાત્ર દ્વારા મહાભારત માનવમાત્રને દુર્બુદ્ધિમાંથી મુક્તિ મેળવવાનો અને દુષ્કર્મોને દફનાવી દેવાનો સનાતન સંદેશો આપે છે. એ સંદેશાને સાંભળનાર અને ઝીલનાર ધન્ય બનશે.

દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને પકડવા માટે છળભરી પ્રતિજ્ઞા કરી ત્યારે સઘળા સૈનિકો સર્વત્ર સિંહનાદો કરવા લાગ્યા. દ્રોણાચાર્યે કરેલી એ પ્રતિજ્ઞાને ધર્મરાજે પોતાના હિતેચ્છુ ગુપ્તચરો દ્વારા તરત જ જાણી લીધી અને પોતાના સર્વ ભાઇઓને તથા બીજા બધાઓને એકઠા કરીને અર્જુનને એ વિશે જણાવ્યું.

અર્જુને યુધિષ્ઠિરની વાત સાંભળીને સ્પષ્ટીકરણ કર્યું કે મારે આચાર્યનો વધ કરવાનો ના હોય તેમ તમારો ત્યાગ પણ કરવાનો ના હોય. કદાચ યુદ્ધમાં મારા પ્રાણનો ત્યાગ કરું પણ આચાર્યથી વિરુદ્ધ વર્તનારો ના જ બનું. દુર્યોધન તમને સંગ્રામમાં કેદ પકડીને રાજ્ય ઇચ્છે છે. પણ તેની ઇચ્છા કદી પૂરી નહીં થાય. કદાચ નક્ષત્રો સહિત આકાશ નીચે તૂટી પડે, પૃથ્વીના ટુકડા થઇ જાય તોપણ હું જીવતો હોઉં અને દ્રોણાચાર્ય તમને પકડી શકે એ નહીં જ બને. રણમાં જો ઇન્દ્ર પોતે પણ કદાચ તેને સહાય કરશે અથવા દેવો સહિત વિષ્ણુ પણ કદાચ આ યુદ્ધમાં ઉતરી આવશે તોપણ હું જ્યાં સુધી જીવતો છું, ત્યાં સુધી દ્રોણાચાર્ય તમને કેદ કરી શકશે નહીં. માટે તમારે ભય રાખવાનું કારણ નથી. દ્રોણાચાર્ય સર્વ અસ્ત્રધારીઓમાં તથા શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ છે તોપણ હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે તમારે ભય રાખવો નહીં. વળી એક બીજી વાત પણ જાણી લો કે મારી પ્રતિજ્ઞા અફર હોય છે. મને યાદ નથી કે હું કદી અસત્ય બોલ્યો હોઉં, કદી પરાજય પામ્યો હોઉં. મને એવી પણ માહિતી નથી કે મેં લીધેલી પ્રતિજ્ઞાને કદી પણ મિથ્યા કરી હોય.

અર્જુનના ઉદગારોને સાંભળીને યુધિષ્ઠિરને  નિરાંત થઇ.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.