અસત્યો માંહેથી
MP3 Audio
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથ જી ધરું.
- કવિવર ન્હાનાલાલ
Comments
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.
pl . meaning of this antra
from my childhood. Thanks to swargarohan for admirable noble job.
bhai ak pan song download nathi thatu.