જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી,
ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી.
ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી કહ્યાં કઠણ વચનજી,
રાજસાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી.
ઉઠી ન શકે રે ઉંટિયો, બહુ બોલાવ્યો વાજંદજી,
તેને રે દેખી ત્રાસ ઉપજ્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી.
ભલો રે ત્યાગ ભરથરી તણો, તજી સોળસે નારજી,
મંદિર ઝરુખા મેલી કરી, આસન કીધલાં બહારજી.
એ વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયા રે અનેકજી,
ભલા રે ભૂંડા અવની ઉપરે, ગણતાં નાવે છેક જી.
ક્યાં ગયું કુળ રાવણ તણું, સગરસુત સાઠ હજારજી,
ન રહ્યું તે નાણું રાજા નંદનું, સર્વ સુપન વેવારજી.
છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી,
દેવદાનવ મુનિ માનવી, સર્વે જાણો સુપનજી.
સમજી મૂકો તો સારુ ઘણું, જરૂર મુકાવશે જમજી,
નિષ્કુળાનંદ કહે નહિ મટે, સાચું કહું ખાઈ સમજી.
- નિષ્કુળાનંદ