if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો ?
સર્વ સબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરીશું કવ મહત્પુરુષને પંથ જો ?

સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહ પણ કિંચિત્ મૂર્છા નવ જોય જો.

દર્શન-મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જો, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો.

આત્મ-સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યંત જો;
ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.

સંયમના હેતુથી યોગ-પ્રવર્તના, સ્વરૂપલક્ષે જિન-આજ્ઞા આધીન જો;
તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો.

પંચ વિષયમાં રાગ-દ્વેષ-વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો;
દ્રવ્ય, ક્ષેત્ર ને કામ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.

ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ-સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો;
માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો.

બહુ ઉપસર્ગ-કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો.

શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો.

મોહ સ્વયંભૂ-રમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ-મોહ-ગુણ-સ્થાન જો;
અંત સમય ત્યાં સ્વરૂપ વીત-રાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો.

વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, વળી સીંદરીવત્ આકૃતિમાત્ર જો;
તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો.

એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો;
શુદ્ધ નિરંતર ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ-પદરૂપ જો.

પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો;
સાદિ અનંત અનંત સમાધિ મુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.

જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો.

એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરનો હાલ મનોરથ રૂપ જો;
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.

- શ્રીમદ રાજચંદ્ર

Comments

Search Reset
0
Ruchi Khandhar
10 years ago
Pleasantly surprised to see Param Krupalu Dev's incredible composition on the site. This is a wonderful collection. Thank you.
Like Like Quote

Add comment

Submit
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.