લોહાણા બોર્ડીંગ, વડોદરા.
તા. ૩૦ ઓકટો. ૧૯૪૦
મારા વહાલા આત્મા,
રોજ જેવાં મારાં આજેય અભિવંદન; નૂતન વર્ષ છે માટે નહિ, નૂતન ભાવનાથી તમને પ્રેરાતા જોવા ઈચ્છું છું માટે. નૂતન વર્ષને દિવસે જેવી પ્રેરણા, જેવું જોમ ને જેવો ઉત્સાહ હોય છે, તેવો જ ઉત્સાહ, તેવું જોમ ને તેવી પ્રેરણા પળે પળે રહે ત્યારે જ નૂતન વર્ષની સાર્થકતા.
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ !
દુનિયાના પશ્ચિમ પ્રદેશની સ્થિતિ આજે કફોડી છે. ત્યાંની સંસ્કૃતિ ને ત્યાંનો સુધારો આજે પરપોટાની જેમ હવામાં અદૃશ્ય થતો લાગે છે. માનવો ને પશુઓની-રે, મૂંગી ધરતીની વેદનાથી આખું આકાશ છવાઈ જાય છે. પરમ શક્તિની જ એ લીલા છે. આસુરીતત્વનો નાશ દેવીતત્વના ઉદય માટે જ છે. એ જ બતાવે છે કે ભારતનો ઉદય સમીપ છે. આપણે એ ઉદયમાં માનતા હોઈએ, જગતની શાંતિ પ્રત્યે આપણી લેશ પણ સહાનુભૂતિ હોય, તો આપણે આપણા અંતરની શાંતિને સાધવા અવશ્ય મથવું જોઈએ. આખું જગત પ્રેમમય બને એ આપણે ઈચ્છતા હોઈએ તો પહેલાં તો આપણા કુટુંબ પર ને આપણાં સંબંધીઓ પર આપણે આપણા પ્રેમનો પ્રવાહ વહેવડાવવો જોઈએ. આ વસ્તુ બરાબર સમજી લેવી જોઈએ કેમકે જગતની શાંતિ માટે મથનારા ને વિશ્વપ્રેમ માટે પ્રયત્ન કરનારાની નિષ્ફળતાનું કારણ એ જ હોય છે કે તેઓ પોતે તે શાંતિ ને તે પ્રેમથી દૂર હોય છે. આપણે પોતે તો પ્રેમ ને શાંતિથી ભરેલાં છીએ. જગતના બંધન આપણને બાંધી શકવાના નથી. સંસારમાં રહીને પણ આપણે તો સ્મિતને છોડ્યા કરવાના છીએ. આપણે પવિત્ર છીએ, મુક્ત છીએ, દિવ્ય છીએ. જન્મ ને મૃત્યુથી પર છીએ. સંસારમાં જે કામિની ને કાંચનની જાળ છે તે આપણે માટે નથી. આપણે તો વીર્યવાન છીએ. આપણે પૂર્વજન્મના ઋષિવર હતા, મુક્ત હતા, એક અમર કામને માટે અહીં આવ્યા છીએ.