if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વડોદરા,
તા. ૨૫ નવે. ૧૯૪૦
જયોતિસ્વરૂપ,

મારી ઉંમર ૧૯ વર્ષની છે.

આજથી ત્રણ વર્ષ પહેલાં મારી બધી વૃત્તિઓ ધીરે ધીરે ફેરવાતી ગઈ : મારી મલિનતા દૂર કરવાની મને તાલાવેલી થઈ ને સત્વસંશુદ્ધિ ત્યારથી જ થતી રહી. પણ તે પછી થોડા જ સમયમાં મારા હૃદયમાં વેદના જાગી. સ્થળે સ્થળે મને આત્મીયતાનો અનુભવ થવા માંડ્યો ને તે આત્મતત્વમાં એક થવાની મને તાલાવેલી થઈ. તેના પરિણામે કોઈ વાર રોઈ પડાતું. તો કોઈ વાર નિદ્રા પણ ના આવતી. પહેલેથી મારામાં કવિતાની ભક્તિ હતી તે આમ આધ્યાત્મિકતામાં એટલે જગન્માતાની ભક્તિમાં ફેરવાઈ ગઈ. તેનાં દર્શન કરવા મારું હૃદય આતુર થયું. જો કે તેનો અનુભવ મને સર્વત્ર થતો હતો પરંતુ તે મારા નયન સમક્ષ ખડી થતી ન હતી. એ વસ્તુએ મારી વેદનાને વધારી મૂકી. ત્યાર પછી ઘણી રાત્રિઓ એની ઝંખના કરવામાં ને શુદ્ધિ કરવામાં જતી.

આ ઝંખના બે વર્ષ પહેલાં ખૂબ જ વધી ગઈ. શરીરમાં કોઈ વાર દાહ થતો ને ગરમી બહુ રહેતી. રાતે વસ્ત્રો ના પહેરાતાં. ને ગયે વર્ષે તો એવી પણ રાત્રિ ગઈ છે કે જ્યારે લોઢાના ખુલ્લા પલંગ પર ચાંદની રાતમાં હું વસ્ત્ર વિના સૂઈ રહ્યો છું.

આ વિકાસ બે પ્રકારનો માલમ પડયો : દિવસે સાગરકિનારે કે ક્યાંય હોઉં ત્યારે મન મહાન વિચારો ને ભાવનાઓથી ભરાઈ જતું. પણ રાત્રિ પડતી એટલે ‘હજી તેનાં દર્શન ન થયાં’ એ ભાવથી સખત વેદના થતી. ‘હજી આપણામાં કંઈ નથી કેમકે આપણે દર્શન કર્યાં નથી’ એમ થતું. ગયે વર્ષે જ્યારે રસ્તા પરથી જતો હોઉં કે કંઈ કરતો હોઉં ત્યારે ઓહમ્ નો અવાજ અંતરમાંથી આવતો ને એ રીતે બે કામ થતા. હજી પણ એમ ચાલે છે. પરંતુ હજીય કેટલીક રાતો કરુણ જેવી જાય છે.

યોગના માર્ગ પ્રત્યે મને શ્રદ્ધા હતી તેથી ગયે વર્ષે હું એક યોગાશ્રમમાં જોડાયો. પરંતુ ત્યાં શીખવતાં આસન મને ગમ્યાં નહિ કેમકે મારા મનમાં તો ‘મા, તું આવ, તું ક્યારે આવશે ?’ એમ જ થયા કરતું. અંતે મેં યોગાશ્રમને છોડી દીઘો. વડોદરામાં આવ્યા પછી અહીં એક યોગાશ્રમ છે ત્યાં જવાનું શરૂ કર્યું છે. પરંતુ મને તેનો સંપૂર્ણ સંતોષ નથી. કેમકે જે પોતે જ પૂર્ણ નથી તે બીજાને પૂર્ણ શી રીતે કરી શકશે ? આવા યોગાશ્રમો તો મુખ્યત્વે આસનો શીખવી શકે તેમ છે એટલું જ. છતાં હું ગયે વર્ષે કેટલાંક આસનો શીખ્યો હતો તે તથા ધ્યાનનો અભ્યાસ અહીં કરું છું. રોજ એક કલાક સવારમાં અને એક કે અડધો કલાક સાંજે ધ્યાન ધરું છું.

પણ મારી ઈચ્છા જુદી જ છે. મેં શરૂઆતમાં જ કહ્યું છે કે મારે સાક્ષાત્કાર કરવો છે એટલું જ નહિ, બનતી વહેલી તકે કરવો છે; પણ મને અહીં માર્ગદર્શન કરનાર પોતે જ એ ધ્યેયને પહોંચેલા નથી.

કહે છે કે આપણે જ્યારે સમજી લઈએ છીએ કે આપણે મુક્ત છીએ ત્યારથી જ આપણે પૂર્ણ થઈએ છીએ, પણ એવી સ્થિતિ તો મને ઘણી વાર આવી છે. પણ જ્યાં સુધી મને આત્મદર્શન-પૂર્ણ સાક્ષાત્કાર અથવા નિર્વિકલ્પ સમાધિ થઈ નથી ત્યાં સુધી એમ કેમ કહેવાય ?

મારા મનમાં પૂર્ણ શાંતિ છે, આનંદ છે. હું જ શાંતિ ને આનંદસ્વરૂપ છું; મુક્ત છું. મને કશામાં મોહ નથી. આજ હું કેટલાય દિવસથી યત્નો કર્યા કરું છું. મને તમારે ત્યાં આવવાની રજા મળશે ? માતાએ મને આ લખવા પ્રેર્યો લાગે છે. વધારે લખતો નથી. તમે બીજું જાણી લેશો એવી આશા રાખું છું.

રામકૃષ્ણ પરમહંસ આજે કલકત્તામાં હોત તો તો તેમની પાસે હું કયારનોય પહોંચી ગયો હોત. શું એવા કોઈ સિદ્ધ પુરુષની જરૂર નથી ? મને તમે ત્યાં રાખી શકશો ? જવાબ લખવા કૃપા કરશો. આશ્રમ વિષેની વિગત પણ લખશો. ટિકિટ બીડું છું.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.