કન્યા વિદ્યાલય, ભાદરણ.
તા. ૧૯ જુલાઈ, ૧૯૪૧
વ્હાલા નારાયણ,
આજે ગામથી દૂર દૂર આવેલા એક ખેતરમાંથી પત્ર લખવામાં આવે છે. સમય સાંજનો છે. સામે જ વૃક્ષની હાર છે ને તેના પર ઊભેલો સૂર્ય મારાં દર્શન કરતો કરતો કૃતાર્થ થાય છે. સાથે જ આ સુમધુર પવન વાય છે. એનું ગીત પણ અદભુત છે.
હૃદયમાં આ વખતે અનેરું ગીત જાગી રહ્યું છે. સંપૂર્ણ સંવાદ છે. દેહથી ભિન્નત્વની દશા અનુભવાઈ રહી છે. સંપૂર્ણ શાંતિથી આ લખાય છે.
આંખ આગળ હિંદમાતા આવે છે. હાથમાં સિતાર છે. માથું ઉઘાડું છે. લટેલટ વિખરાઈ ગઈ છે. પગમાં જોર નથી. માથું ઢળી ગયું છે-એ સિતાર પર નમી પડ્યું છે. સિતારના તાર તૂટી ગયા છે, ગીત બંધ પડી ગયું છે. 'મા'ની આંખમાં દર્દ છે, કરુણા છે, અપાર વેદના છે. એ પૃથ્વીના ગોળા પર બેઠી છે. એક વખત એ એવી ન હતી. આખી સૃષ્ટિની શક્તિ હતી. સૌને પ્રેરણા પાનારી એ એક વખત પરમપાવની હતી. આજે એ કેવી છે ? એના સુમધુર મુખમાંથી આજે એક સ્વર પણ નીકળતો નથી, એક શ્વાસ પણ છૂટતો નથી-અરે, એની આંખ ભીની છે. આંસુની ધાર પણ ઊઠી શકતી નથી. કેમ આમ થયું ? એના બાળકોએ એને ધુતકારી કાઢી ? એનાં છોરુ કછોરુ પાક્યાં ? એક વારની ગંગા હતી-મૈયા હતી. એનાં ધાવણ કેમ સુકાયાં ? એ કેમ દીન બની ? એ શાંતિનો અવતાર હતી. ભીષ્મ, કૃષ્ણ, ઋષિવરો એના પુત્રો હતા. સીતા ને સાવિત્રી એની સહેલી હતી. દુષ્યન્ત ને અશોક, શિવાજી ને પ્રતાપ તથા જનક એના કુંવર હતા. એને ખોળે કોણ ન હતાં ? નદીનાં મીઠાં તીર હતાં ને તટે તટે તીર્થ હતાં. આજે એ ક્યાં ગયાં ?
આંખમાં આંસુ આવે છે. માતાની આ દશા નથી જોઈ શકાતી. શું જે હજારોની પ્રેરણા હતી, જે હજારોની માતા હતી, હવે તે ફરી નહિ ઊઠે ? એની આંખ નહિ ઊઘડે ?
એ વિશ્વનો પ્રાણ છે ને એ વિશ્વની શક્તિ છે. બીજાએ એને હલકી ગણી, જંગલી કહી. ભલે, એને સુધરવું નથી. કટ્ટર દુશ્મન બની એકમેકની કતલ કરવી, લાખોની સંખ્યામાં ગુનેગાર કે બિનગુનેગારને ગોળીએ ઉડાડવા, કુમળાં કુસુમોને પળવારમાં હતાં-ન હતાં કરવાં, લક્ષ્મી ને સત્તાનાં સિંહાસનો માંડવાં, પાશવી લાલસાઓનાં ટોળેટોળાં કાઢવાં, આ જો સુધારો હોય તો એને એ નથી જોઈતો. ભલે એ ગૌ રહી. એને વાઘણ થવું નથી. એને આંચળે આંચળે એક વાર અવની વળગી હતી, એક વાર ફરી એ અવનીને નોતરશે, ફરી એનું પય ચખાડશે.
પેલે દિવસે દ્રૌપદીનાં ચીર ખેંચાયાં હતાં, આજે શાંતિનાં વસ્ત્ર ખેંચાઈ રહ્યાં છે. કયો કૃષ્ણ એની વહારે ધાય ? મારા ભાઈ, આપણે તો એ 'મા'ના બાળકો રહ્યાં. આપણો ધર્મ એ માતાની સારવાર કરવાનો રહ્યો. પણ આપણને એનો શો હક છે ? એ પવિત્ર પુરુષોની જનનીને, એ પતિતપાવનીને, સ્પર્શ પણ કરવાનો આપણને શો અધિકાર છે ? આપણે તો એની ગોદમાં લપાઓ. એને સમજો. એના આદર્શને જીવનમાં ઉતારો.
એનો મંત્ર ત્યાગનો છે; વિલાસ ને વૈભવને છોડવાનો, જીતવાનો છે, શુદ્ધ થવાનો છે. આટલું કર્યા પછી એને કહો- ઓ મા, હું તારો છું, તું મારી છે. એ જરૂર હસશે-ઊભી થશે.