Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વડોદરા.
તા. ૧૦ ઓગસ્ટ, ૧૯૪૨

ભાઈ નારાયણ,

પત્ર મળ્યે બહુ વખત થયો. છેક આજે ઉત્તર લખું છું. શરીર તો સારું હશે જ. લગભગ બે દિવસ પહેલાં હું બેનને મળી આવ્યો. એ એક આનંદની વાત છે. માટે જ શરૂઆતમાં લખું છું. બેન કેવાં છે ? કદાચ આ જ પ્રશ્ન તું શરૂઆતમાં પૂછશે. તેનો ઉત્તર હું જ આપું કે તે સંપૂર્ણ તંદુરસ્ત છે. તેમનો સ્વભાવ પણ સારો છે. પહેલાં તે કેવો હતો તેનો ખ્યાલ મને નથી કેમકે પ્રત્યક્ષ પરિચય આ પહેલો જ છે, પરંતુ બહુ જ આનંદી ને નિખાલસ છે. સારું. તેમને મેં તમારો પત્ર તથા ફોટો બતાવ્યો ત્યારે તે રાજી થયાં. મેં કહ્યું : તમારે જોઈએ તો ફોટો રાખો. તેમણે કહ્યું : ના, હું મંગાવી લઈશ. કદાચ તેમણે પત્ર લખ્યો હશે. ના લખ્યો હોય તો આ વાંચીને તેમને ફોટો મોકલજે. જો વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તો પણ લખજે. ખરેખર, બેનના હૃદયમાં બહુ જ ઉચ્ચ કોટિનો પ્રેમ વસે છે. દુનિયામાં એવાં થોડાંક ધન્યહૃદયી મનુષ્યો હોય છે જેમના હલનચલનમાં એક પ્રકારનું પાવિત્ર્ય ને જે પોતે જ એક પ્રકારની દિવ્યતાનું તીર્થ હોય છે. એમાંનાં બેન પણ છે ને તેમની સાથેના પરિચયને હું ધન્ય માનું છું. તેઓ કેટલાં બધાં આનંદી છે ! તેમના હૃદયમાં વસતો તારા પ્રત્યેનો પ્રેમ બહુ વિશાળ છે ને ઉચ્ચ પણ છે. ભણેલાં છે છતાં તે કામ કરતાં શરમાતાં નથી. કારણ કે તેમનું ભણતર માત્ર પુસ્તકિયા નહિ, પરંતુ જુદું છે. કેટલીક વાર ગૃહના એકલવાયા જીવનને લીધે તેમને તેમનાં કાકા-કાકીની સ્મૃતિ થઈ આવે છે ને પરિણામરૂપે શોક થાય છે, પરંતુ તેથી શું ? તેઓ ધીરજની મૂર્તિ પણ છે. સહનશીલતા તેઓ શીખ્યા છે. એટલે લાગણીના અતિરેક તળે તેઓ દબાઈ જતાં નથી. વધુમાં તેમણે ગીતા વાંચવાની શરૂ કરી છે, તેમજ શ્ર્લોકો મોઢે કરે છે.

અત્યારે દેશમાં વિચિત્ર સ્થિતિ ઊભી થઈ છે એ તો તારી જાણ બહાર ન જ હોય. એવો કયો ભારતવાસી હશે કે જે આ વાતાવરણની વચ્ચે પણ ઘોર કુંભકર્ણની જેમ પડ્યો રહ્યો હશે ? સાંભળ્યું છે કે ત્યાંની પરિસ્થિતિ બહુ ઉગ્ર છે. અહીં પણ નિશાળો ને કોલેજોમાં હડતાળ છે, સરઘસ નીકળે છે, ભાષણો થાય છે, પરંતુ લાઠીમાર જેવું કશું હજી થતું નથી. ખરેખર, ગાંધીજી ને બીજા દેશનેતાઓને પકડીને સરકારે ભયંકર ભૂલ કરી છે. જે ડાળી પર તે બેઠી છે તેના પર તેણે એક વધારે કઠોર કુહાડો આથી માર્યો છે. આખાયે દેશમાં સત્યાગ્રહ સળગી ઊઠ્યો છે. આવી કટોકટીની પળે સરકારને આ શું સુઝ્યું ? ગમે તેમ, પણ સરકારની દાનત સારી નથી જ એ તો તેના મુંબઈ ને અમદાવાદના વલણે બતાવી આપ્યું છે. આ સરકાર શું હિંદને સ્વેચ્છાએ સ્વતંત્ર કરે ? પરંતુ જ્યારે તેણે કઠોર પ્રહાર કરવા માંડયા છે ત્યારે આપણી ફરજ છે કે જે ભૂમિને માટે ને જે દેશની સ્વતંત્રતાને માટે લાખો લોકોએ બલિદાન આપ્યાં ને જેને માટે ગાંધી જેવા મહાત્માજી પણ જેલવાસી થયા તે દેશને માટે પણ યથાશક્તિ કરી છૂટવું. આ જ આપણી દેશસેવા છે. ખરી રીતે તો આજે આપણી કસોટી છે. દેશસેવા કે દેશપ્રેમને પારખવાની આ સાચી પળ છે. આવે વખતે આપણે ચોપડીઓને ને સરકારી કોલેજોને શું કરીશું ? જે કેળવણીએ આપણને એક સદી જેટલા સમયથી ગુલામ કર્યા ને છેક જકડી લીધા ને જે કેળવણીને કમને પણ આપણે ઉત્તેજન આપ્યું તેને શું આપણે આવે વખતે પણ વળગી રહીશું ? એ કેળવણીની ભયંકર હાંસી છે. કોલેજોનાં પુસ્તકોને આ વખતે તો સમુદ્રના ઊંડા જળમાં છૂટાં મૂકવાં જોઈએ. મુંબઈનો દરિયો બહુ જ વિશાળ છે. તમારાં છૂટાં મૂકેલાં પુસ્તકોથી એ કાંઈ ભરાઈ જવાનો કે નાનો થઈ જવાનો નથી.

ગાંધીજીને પકડીને સરકારે ભુલ કરી છે એ આગળ કહ્યું. કદાચ સરકાર એમ ધારતી હોય કે ગાંધીજી ને બીજા કેટલાક નેતાઓને કેદ કરવાથી પ્રજા દબાઈ જશે. પરંતુ એ મોટામાં મોટી મુર્ખાઈ જ છે. ગાંધીજી ને નેતાઓ એ આખાય દેશના પ્રાણ છે. તેમની પાછળ આખી જનતા રહેલી છે, ને પ્રત્યેક પુરુષના સ્વાંગમાં એકેક નેતા રહેલો છે. ગાંધીજી કે મુઠ્ઠીભર માણસોને કેદ કરવાથી શું પ્રત્યેકના હૃદયમાં ઊતરેલી સ્વતંત્રતાની ભુખને કેદ કરી શકાશે ? નહિ જ.

પરંતુ મુખ્ય વસ્તુ તો એ જ છે કે આ લડાઈમાં (સત્યાગ્રહમાં) આપણે દૃઢ રીતે ઊભવું રહ્યું. ‘દૃઢ રીતે’નો અર્થ એવો કરું છું કે ગમે તેવા સંજોગોમાં પણ પ્રજાએ હિંસાત્મક પ્રતિકાર કરવો નહિ. તેમજ સત્યાગ્રહને માટે લાઠી ખાવી પડે, ગોળીથી વીંધાવું પડે, સંકટો સહેવાં પડે, જેલ જવું પડે, તો પણ ડગવું નહિ. દરેક મનુષ્યના હૃદયમાં મૃત્યુ પ્રત્યે સ્મિત કરી તેને ભેટવાની તૈયારી હોવી જોઈએ. ખરી રીતે આપણી પ્રજા ભીરુ છે. મૃત્યુનો ભય તેને મોટો છે. પણ કૃતકાર્યને મૃત્યુ એ જીવન જેવું જ જ્વલંત નથી શું ? તેને વળી મૃત્યુ જેવું રહે જ શું ? લાઠી પડે ને લોકો ડગે નહિ, ગોળીબાર થાય તોય હારમાંથી હઠે નહિ, ને વ્યક્તિગત સજા થાય તો શ્વાસ છૂટતાં લગી ખસે કે સિદ્ધાંતથી ડગે નહિ, તો સરકારના સ્વાંગમાં રહેલી હિંસા જરૂર નમી પડે ને અહિંસાનો વિજય નક્કી થાય. આ ભોગ માટે આપણે તત્પર રહેવું જોઈએ. દરેક સત્યાગ્રહીએ આની તૈયારી રાખવાની છે. જેલ જવાનું પણ થાય. સકુટુંબ જવાનું થાય તો શું ? દેશને માટે તેણે તે પણ કરવું જોઈએ. આપણે કેટલે અંશે અહિંસાત્મક રીતે ટકીએ છીએ તે પર જ બધી સફળતા અવલંબે છે. એવી રીતે ટકવું એ કાંઈ બહુ સહેલું નથી. આજે જ અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ આખા વડોદરાના વિદ્યાર્થીઓ સાથે સરઘસમાં જોડાયા હતા. ફરતા ફરતા તેઓ કેમ્પમાં પહોંચ્યા. ત્યાં વિદ્યાર્થીઓએ પોલીસો સામે જેમ તેમ બોલવા માંડ્યું. વાત એટલી બધી વધી કે વિદ્યાર્થીઓએ ત્યાંના પોલીસ કોન્સ્ટેબલના ઘર પર પથરા મારવા માંડ્યા, ઘરના કાચ તોડ્યા. પોલીસોએ વિદ્યાર્થીઓને કહ્યું: તમે ચાલ્યા જાઓ. પણ વાત આટલી વધી ત્યારે તેમણે લાઠી મારવી શરૂ કરી. બસ, વાત અહીંથી જ પતી. લાઠી શરૂ થઈ એટલે સરઘસ વિખેરાઈ ગયું. કેટલાક ઘેર નાઠા, કેટલાક બીજે ગયા. આ શું બતાવે છે ? એ જ કે આવી રીતે સત્યાગ્રહ થાય નહિ. પથરા મારવાની શી જરૂર હતી વારુ ? અહિંસાનું આ પ્રદર્શન ખરું ? વળી લાઠી પડે તોય ન ડગવું એ દૃઢતા આપણામાં નથી એની અહીં પ્રતીતિ થઈ. આવી રીતે જ જો આપણી લડત ચાલે તો ભયસ્થાનો અનેક આવે.

એ વાત જવા દઈએ ને વિચાર કરીએ કે વિદ્યાર્થીઓ આ લડતમાં શો ભાગ ભજવી શકે. પહેલાં તો એ ધારવું જરૂરી છે કે આ લડત એની છે કે જે અહિંસામાં માનતો હોય. આ લડત લડનારે સત્ય ને અહિંસાનું પાલન કર્યે જ છૂટકો. એટલે વાણીમાં, કાર્યમાં, મનમાં, ઘરમાં, ને બહાર સર્વત્ર આ બે, સત્ય ને અહિંસારૂપી દેવોને જ સ્થાન આપવું જોઈએ. ખાદી પહેરવી જોઈએ એ તો છે જ. સાથે સાથે અમુક સમય કાંતવાની પણ જરૂર છે. સ્વદેશીનું વ્રત પણ લેવું રહ્યું. બધી વસ્તુઓ ગ્રામબનાવટની જ હોવી જોઈએ. જેમને હિંદી ના આવડતી હોય તે હિંદી બોલતાં, વાચતાં ને લખતાં શીખી લે. આ દેશ કે જેને માટે આપણે મથીએ છીએ તે ગરીબ છે એમ જાણીને આપણે ગરીબ થઈએ; આપણી જરૂરિયાતો ઓછી કરીએ, વ્યસનો દૂર કરીએ, ને આપણા વિચારોનો લખાણ, ભાષણ, વાતચીત ને પ્રત્યક્ષ કાર્ય દ્વારા પ્રચાર કરીએ. વખત આવ્યે જેલમાં જવા પણ તૈયાર રહીએ. જ્યાં ભેદ હોય ત્યાં સંપ કરીએ, ને હિંદની જ નહિ, આખા જગતની શાંતિ શીધ્ર સ્થપાય એવી હરરોજ, પ્રતિક્ષણ, પ્રાર્થના કરીએ. ખરેખર, સ્વરાજનું સાચું રહસ્ય કદાચ આપણે સમજ્યા નથી, નહિ તો હિંદનાં ગામડાંને સ્વાયત્ત ને સ્વાશ્રયી બનાવીને, તેમાં વ્યાયામ, સફાઈ, સંપ વગેરે વધારીને, આપણે આપણું ને બીજાનું સ્વરાજ વધારે નજીક આણ્યું હોત. અલબત્ત, આજે એ માટે અવકાશ નથી એમ લાગે, પરંતુ જેને યોગ્ય લાગે તે આજેય એ ગામડાંની પ્રજાને જાગ્રત કરી શકે છે. અંતે તો આ જેને લીધે સંસારનું નિયમન થાય છે તેનું જ કાર્ય છે. જેને લીધે સૂર્ય તપે છે, પૃથ્વી દોડે છે, પવન વાય છે, તેની જ આ લીલા છે. એને નિરંતર શાંતિ ને કલ્યાણ માટે પ્રાર્થતા રહેવું એ પણ ઉત્તમ કાર્ય છે.

અહીં સમય સારી રીતે પસાર થાય છે. વકતૃત્વકળા, ચર્ચા, નાટક, ખાદી પ્રચાર, હિંદી, આસન તથા સૂર્યનમસ્કાર વગેરેનો વિદ્યાર્થીઓમાં પ્રચાર થાય છે.

ગીતા ચાલુ છે ને ? આસન પણ સ્વાસ્થ્યને માટે ચાલુ રાખવાં. જીવનનો મુખ્ય હેતુ ઈશ્વરપ્રાપ્તિ, સ્વરૂપદર્શન કે સાક્ષાત્કાર છે ને તેમાં આજની પરિસ્થિતિની માતા જેવી દેશભક્તિ બાધક થાય છે એ મારું માનવું નથી.

પત્ર જરૂર લખજે. દર વખતે ‘આળસને લીધે લખી શક્યો નહિ’ એમ લખે છે. હજી આળસ રહી છે ? ત્યાંના સમાચાર જણાવજે. સર્વ મિત્રોને મારા નમસ્કાર કહેજે.