ઋષિકેશ,
તા. ૩ મે, ૧૯૪૩
ભાઈ નારાયણ,
પત્ર મળ્યો. વાંચી આનંદ થયો.
પરીક્ષા તો થઈ ગઈ. એમ. એ. નો અભ્યાસ કરવાનું સારૂં છે. પણ તે ઘરની સ્થિતિને લક્ષમાં લઈને કરવું. મતલબ કે અભ્યાસ તો કરવો જ પણ સાથે સાથે આર્થિક સંપાદન પણ કરવું એ યોગ્ય છે. મનુભાઈ પ્રિવિયસની પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયા છે. બહુ હોંશિયાર ને બુદ્ધિમાન છે. ભવિષ્યમાં એક મહાન પુરુષ થશે એમાં શંકા નહિ. ઘેર માતાજી તથા બેન બધાં મજામાં છે.
બીજું કંઈ પણ લખતાં પહેલાં ફરી વાર કહી દઉં કે તારામાં કોઈ પણ ગુણ મુખ્યત્વે હોય તો તે સ્પષ્ટતાનો છે. જે હોય તે જરાય સંકોચ વિના સ્પષ્ટ કરવું એ બહુ જ ઉત્તમ ને પ્રશંસનીય ગુણ છે. અને એ ગુણ જેનામાં હોય છે તે ધીરે ધીરે પોતાની વિશુદ્ધિ સાધીને આખરે મહાન કક્ષાએ પહોંચી શકે છે એ નક્કી સમજવું. જો માણસ સમજે તેટલું સહેલાઈથી આચરી શકતો હોત તો તો પૂછવાનું જ શું હતું ? મુક્ત થતાં વાર જ ના લાગત. પરંતુ વસ્તુતઃ તેમ નથી. બારીકાઈથી જોતાં જણાશે કે મનુષ્યના હૃદયમાં દૈવી ને આસુરી વૃત્તિઓ વચ્ચે યુદ્ધ ચાલ્યા જ કરે છે. એક વૃત્તિ માણસને ઊંચે ચઢાવવા મથે છે, બીજી તેને નીચે પાડવાનો પ્રયત્ન કર્યા કરે છે. પરંતુ સતત અભ્યાસથી આ વૃત્તિઓ પર વિજય મેળવી શકાય છે. જે માણસ પોતાના હૃદયનો સતત અભ્યાસ કે તેનું પરીક્ષણ કરતો રહે છે ને વારંવાર પડવા છતાંય કરોળિયાની જેમ ઊભો થઈને પ્રયત્નમાં લાગ્યો જ રહે છે, તે અંતે જરૂર જીતે છે ને વૃત્તિ તેને વશ થાય છે. સાધારણ પ્રકારનાં મનુષ્યો જીવન કે સંસારના થોડાશા ફટકા પડતાં ગભરાઈ જાય છે, હતાશ થઈ જાય છે, ને ઘણીવાર જીવનને દુ:ખમય માની તેનો ઘાત કરવાની મુર્ખાઈ પણ કરી બેસે છે. જ્યારે કાંઈક ઉચ્ચ કોટિના મનુષ્યોનું તેવું નથી. તેઓ જીવનમાં નિરાશા અનુભવે છે ખરાં પરંતુ આશાને છોડતાં પણ નથી. થોડી વાર સુધી જીવનના કડવાં અનુભવો તેમના પર અસર કરે છે પરંતુ વળી પાછા તેઓ મનનું સમાધાન કરી લે છે ને જીવનમાં પ્રયત્નપૂર્વક ઝંપલાવે છે. આનાથી પણ ઉચ્ચ કોટિ છે. તે કોટિના મનુષ્યોને નિરાશા કે સંકટો તથા કડવાશની અસર જ થતી નથી. તેમની આશા એટલી ભારે હોય છે કે લાખો નિરાશા આવે તોય તેઓ પૂર્ણ ધીરજ ને ઉત્સાહથી કાર્ય કર્યે જાય છે. આવા પુરુષો વિરલ હોય છે. પરંતુ તેવી સ્થિતિ કેળવ્યા વિના છૂટકોય નથી. વારંવાર આવતા શોક ને દુ:ખને વશ થનારા મનુષ્યોમાં બે ખોડ છે. એક તો તેનામાં ઈશ્વરની નિષ્ઠા નથી તે તથા તે એટલી સ્વલ્પ સ્થિતિનો છે કે વૃત્તિઓ તેને રમકડાંની જેમ રમાડ્યા કરે છે. મોહ આવે છે ને તેને મોહિત કરે છે, તથા રાગદ્વેષ પણ તેની આગળ ફાવી જાય છે. પરંતુ જેણે પોતાનું જીવન ઉન્નત બનાવવું હોય તેણે તો આ સ્થિતિ જીત્યે જ છૂટકો. માટે જ મનને વારંવાર સમજાવવાનું છે - રે મન, કદિ નિરાશ ન થા.
વૃત્તિઓને વશ કરવાના તથા મનને જીતવાના અનેક ઉપાય છે. જેમ કે (૧) ઈશ્વરને શરણે જવું (૨) મન કહે તે ના કરવું (૩) મનનું પરીક્ષણ કરતા રહેવું (૪) સત્સંગ (૫) સુંદર પુસ્તકો, સુંદર સ્થાનો ને પુરુષોનો પરિચય કેળવવો (૬) પ્રાર્થના (૭) થોડો ને સાત્વિક આહાર (૮) સેવાના કાર્યમાં લાગ્યા રહેવું (૯) ઉન્નત ને ઉચ્ચ ભાવનાઓ કરવી (૧૦) વારંવારનું ધ્યાન તથા જપ - વગેરે. પરંતુ સુંદર ને સહેલો ઉપાય ઈશ્વરનું શરણ છે. ઈશ્વરના શરણથી દુઃખોનો નાશ થઈ જાય છે. ભય, ક્રોધ, દ્વેષ વગેરે વસ્તુઓ ઈશ્વરનું શરણ લેતાં પલાયન થઈ જાય છે. જીવનમાં હર્ષ-શોક કે નિંદા-સ્તુતિના પ્રસંગો પણ આવા માણસને સ્પર્શી શકતા નથી.
આ શરણ શું છે ? જેને શરણે જવાનું હોય છે તેનામાં એક તો આપણને પૂર્ણ શ્રદ્ધા હોય છે ને બીજું ગમે તેવા સંકટમાં તે આપણી રક્ષા કરવા સમર્થ છે એ આપણી સમજ હોય છે. આપણે ઈશ્વરનું શરણ લઈએ તો જે વાતાવરણમાં આપણે મુકાઈએ તે સર્વમાં આપણે આનંદ માણતાં શીખવું જોઈએ કેમ કે ઈશ્વરે જ આપણને તે વાતાવરણ આપ્યું છે ને તે આપણા સારાને માટે જ હોવું જોઈએ. સાંસારિક સંકટોમાં પણ આનંદ જ માનવો કેમ કે એ પણ ઈશ્વરની પ્રસાદી જ છે. આપણા ભલાને માટે જ ઈશ્વરે તે સંકટો મૂક્યાં છે એમ સમાધાન કરવું. આવા માણસને સંકટો શું કરી શકે ? તે તો પુત્રપ્રસવ થાય ત્યારેય આનંદમાં રહે ને કોઈ મરી જાય ત્યારેય ખુશ રહે. આ સ્થિતિ બહુ સુંદર છે ને તેને જ ગીતાએ તેરમા અધ્યાયમાં નિત્યં ચ સમચિત્તત્વં ઈષ્ટાનિષ્ટોપપત્તિષુ (ઈષ્ટ તેમજ અનિષ્ટની પ્રાપ્તિમાં સમાનતા રાખવી) એમ કહીને વર્ણવી છે. અલબત્ત, પ્રાર્થના, મનનું પરીક્ષણ, સંગ વગેરે વસ્તુઓ પણ બહુ લાભ કરે છે પણ સાથેસાથે આ શરણાગતિ ભાવ રાખવાથી ઘણું કલ્યાણ થઈ શકે છે. આવા માણસને જીવનમાં કદી પણ હતાશ થવાનો પ્રસંગ આવતો નથી.
વ્હાલા ભાઈ, જીવન તો એક મહાન વિદ્યાલય (યુનીવર્સીટી) છે. જેની આંખ ઉઘાડી છે તે તેમાંથી ઘણું ઘણું શીખી શકે છે. સારાયે આધ્યાત્મિક વિકાસનો પાયો જીવનમાં અને તે પણ દુનિયાની વચ્ચે તો નખાય છે. એમાં જે કડવા મીઠા અનુભવો થાય છે તે ન થતાં હોત તો માણસ કસાત કેવી રીતે ? એમાં જે સંકટો આવે છે તે ના આવતાં હોત તો માણસ તપી તપીને કંચન જેવો થાત કેવી રીતે ? સાચી રીતે જોઈએ તો જીવન એક ક્રીડાસ્થાન છે. તે એક જલબિંદુ વિનાના રણ જેવું પણ થઈ શકે છે ને તે નંદનવન એક નરક કરતાં પણ ભયંકર બની શકે છે. પણ તે કોને માટે ? જે સ્વાર્થને માટે બીજાના સુખને છેદવા મથે છે તેને માટે. જે કામ ને ક્રોધથી ભરેલા તથા દુન્યવી લાલસાઓથી દબાયેલા છે તેમને માટે. જગત ને જીવન બેય ખરે જ નરક સમાન ને દુ:ખદાયી છે. પરંતુ જે બીજાના સુખમાં સુખ માને છે, જેણે પોતાનું સર્વ કાંઈ ઈશ્વરના ચરણમાં ધર્યું છે ને જે પ્રસંગો આવે તેમાં તેની પ્રસાદી સમજી તૃપ્ત રહે છે તેને માટે જીવન એક આનંદનું ઝરણ બની જાય છે. આ અનુભવ કરવાની શક્તિ ના હોય તે જીવન ને દુનિયા છોડીને નાસે. આખાયે વિશ્વની માતા એવી ગીતાને જોઈએ તો જણાય છે કે કોઈ પણ ઠેકાણે તેણે એમ નથી કહ્યું કે સુખ શાંતિ કે આનંદ ને મુક્તિ માટે દુનિયાનો ત્યાગ કરો. તે તો કહે છે કે બહારની દુનિયાને નહિ પણ તમારા અંતરમાં રહેલી કામ-ક્રોધની દુનિયાને જ તજો. કામક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્રયં ત્યજેત્ । આખીયે ગીતાનો ઉપદેશ જો ગૃહસ્થીએ સમજવો ને આચરવો હોય તો તે મામનુસ્મર યુદ્ધય ચ (મારું સ્મરણ કર ને યુદ્ધ કર) એ શબ્દોમાં છે. બસ, આટલું જ યાદ રાખો ને આખી ગીતાને ભૂલી જાઓ તોય કંઈ વાંધો નથી. ઈશ્વરની નિષ્ઠાને જાગ્રત રાખો ને સંસારનાં કાર્યો કરતા રહો. સંસારમાં મુક્તાવસ્થા અનુભવવાનો આ રામબાણ ઉપાય છે.
બીજી આવશ્યક વાત એ છે કે આજથી જ કાર્યમાં લાગી જવું. આ દુનિયામાં એવાં કેટલાંય માણસો છે જે પોતાની શક્તિનો ને સમયનો ઠીક ઠીક ઉપયોગ કરે તો મહાન થઈ શકે. પરંતુ દુ:ખની સાથે કહેવું પડે છે કે લાખોમાંથી કોઈ એક પ્રતિભાશાળી થાય છે. આનું કારણ શું ? કારણ એ જ કે પ્રથમ તો આપણને ભાન નથી કે આપણામાં શક્તિનો કેવો અખૂટ ભંડાર ભરેલો છે. કેટલાંક માણસો ‘થશે થશે’ કરીને મુલતવી રાખવાના સ્વભાવનાં હોય છે. જ્યારે ઉત્તમ પુરુષો તરત જ કાર્યારંભ કરી દે છે ને તેઓને સફળતા પણ ઝટ મળે છે. એટલે આપણે જેટલું જાણતા હોઈએ તેટલાનું પાલન કરવા મંડી જવું એ જરૂરી વાત છે. જે પ્રયત્ન કરે છે તેને માટે વિજય પોતે તેની પૂરણી જરૂર કરી દે છે. એટલે તારે પણ બનતા સમયમાં ઈશ્વરના નામનાં જપ કે ધ્યાન, પ્રાર્થના તથા જીવનનું પરીક્ષણ ચાલુ રાખવું તથા રામકૃષ્ણ જેવા સંતપુરુષોના જીવનનું વારંવાર મનન કરવું. યાદ રાખો કે પ્રયત્ન કરનારને કશું અસાધ્ય નથી. ‘નોક ધ ડોર એન્ડ ઈટ શેલ બી ઓપન્ડ (ક્રાઈસ્ટ). એક વાર નહિ ઊઘડે, બીજી વાર નહિ ઊઘડે, પરંતુ પ્રયત્ન ચાલુ રાખશો તો મુક્તિનું દ્વાર જરૂર ઊઘડી જશે.