સર્વસમર્પણ

ઋષિકેશ

તા. ૨૧ મે, ૧૯૪૩

પ્રિય ભાઈ નારાયણ,

બે દિવસ પહેલાં હું હરિદ્વાર હિંદી સાહિત્ય સંમેલનમાં ગયો હતો. જો કે સાહિત્યને ખાતર સાહિત્યમાં મને હવે રસ રહ્યો નથી પરંતુ એક ભાઈના આગ્રહથી ગયેલો. મને તો હવે ભગવાનની સાથે વાતો કરવી ને તેની અંદર જ સંતોષ પામવું તથા રમવું આનંદદાયી લાગે છે. સાચો ભક્ત હમેશાં ભગવાનની અંદર જ રમણ કરે છે. તે તૃપ્ત પણ તેમાં જ થાય. સંસારના કોઈ પદાર્થથી તેને સંતોષ ના વળે. તે વાત પણ ભગવાનની જ કહે. ભગવાનના પ્રેમી જોડે જ વાત કરે. તેનું ચિત્ત ભગવાનના ચિત્ત સાથે એક થયું હોય એટલે ભગવાન જેવું થયું હોય. તેમાં સંસારી વાસના ના હોય. પ્રભુનો પ્રેમ જ હોય. તેનો પ્રાણ પ્રભુના પ્રેમથી જ પોષાતો હોય. તેમાં જ સ્નાન કરતો હોય. માછલીને જલ બહાર કાઢો. જીવી શકે ? ભક્તની સ્થિતિ પણ તેવી હોય. ભગવાનની પ્રેમભક્તિની બહાર તે તરફડીને મરી જાય. શ્વાસે શ્વાસે તે પ્રભુનું જ સ્મરણ કરતો હોય. આ સાચી ભક્તિ કહેવાય. ‘ગીતા’માં ભગવાન આવા ભક્તો વિષે કહે છે કે તેઓ

મશ્ચિત્તા: મદ્રતપ્રાણા: બોધયંત: પરસ્પરમ્ ।

કથયંતશ્ચ માં નિત્યં તુષ્યંતિ ચ રમંતિ ચ ॥

હોય છે. ગોપીઓ આવી જ હતી. શબરી આવી જ હતી. મીરાં પણ હતી તો મહારાણી પણ તેય આ જ રહસ્યની દીક્ષા લેનારી તપસ્વિની હતી. પ્રહલાદ પણ આ જ ભાવનો નમૂનો છે. એવી ભક્તિ આપણામાં પ્રકટે ત્યારે ધન્ય થવાય. ત્યારે ભગવાન આપણો ને આપણે ભગવાનના બની રહીએ. એટલે સારી વાત તો એ છે કે ભગવાનની ભક્તિ વધારવી ને તેને માટે ભગવાનને પ્રાર્થના કરવી. આપણે જો ભગવાનનો જરા પણ પ્રેમ વધારીશું તો ભગવાન અનેકગણો વધારશે. કેમકે તે પોતે જ કહે છે -

યે યથા માં પ્રપદ્યંતે તાંસ્તથૈવ ભજામ્યહમ્ ।

એમ ના માનવું કે આપણે પાપી છીએ એટલે ભગવાન આપણી ભક્તિ નહિ સ્વીકારે. ભગવાન એવો નગુણો નથી. ભગવાન તો કહે છે કે ગમે તેવો પાપી હોય, ભક્તિનો અધિકારી બને એટલે થયું. મારી પાસે આવે એટલે તેનાં પાપ તો ક્યાંય જતાં રહે. ફક્ત ઉચ્ચ જાતિ કે બ્રાહ્મણ જ નહિ, સ્ત્રી, વૈશ્ય તથા શુદ્ર પણ મારે શરણે આવે તો પાપમુક્ત થઈ સુખી થાય છે એમ ભગવાન કહે છે. પછી શા માટે ગભરાવું ? આટલી પાકી ખાત્રી કોણ આપવાનું હતું ? ને આટલી ખાત્રી આપ્યા છતાંય જે સંસારી પદાર્થો પાછળ જ સારી જિંદગી વળગી રહે ને કૂતરાં બિલાડાં જેમ પેટ ભરે તથા પૈસા ભેગા કરવા જ સારી જિંદગી બરબાદ કરી દે, તેના જેવો મૂર્ખ બીજો કોણ હોય ? જ્યારે ભગવાન કહે છે કે મારા નામનું સ્મરણમાત્ર કરવાથી સૌ કોઈ પાપમુક્ત થાય છે ત્યારે આપણે આપણને શા માટે પાપી માનવા ? આપણે તો ભગવાનનું સ્મરણ જ કર્યા કરવું જોઈએ. બધામાં ભગવાન છે, ભગવાન જ બધાં રૂપ ધરીને આવ્યા છે. કોઈ ઠેકાણે તે વૃક્ષ બન્યા છે તો કોઈ ઠેકાણે ફૂલ. કોઈ ઠેકાણે પંખી બન્યા છે તો કોઈ ઠેકાણે ફળ. સગાંસંબંધી, માતાપિતા, પત્થર, માટી, ધૂળ, સૌ રૂપે તે જ આવ્યા છે એમ માનવું. આખી સૃષ્ટિ ઈશ્વરમય જ છે એમ અનુભવવું અને આનંદવું. શ્રુતિ ભગવતી પણ કહે છે કે હે મનુષ્ય ! આનન્દોડસિ. તું આનંદ છે. હે મનુષ્ય ! શુદ્ધોડસિ. તું શુદ્ધ છે. બુદ્ધોડસિ. તું મુક્ત છે. આ છતાંય આપણે શા માટે શોક રાખ્યા કરવો, શા માટે આપણે પાપી છીએ એમ માનવું ? સારીયે જિંદગી ને સારોયે વખત આપણે તો ભગવાનમાં જ ગાળવો, ભગવાનની જ વાતોમાં પસાર કરવો, ભગવાનનું સ્મરણ કરવું, જોવું તોય ભગવાનનું જ દર્શન કરવું, ને ચિત્તને એ રીતે ભગવાનમાં જ લીન રાખવું, ને ભગવદાકાર કરી દેવું. આજ ડહાપણ છે. જગતના સર્વ પ્રપંચ ને આ સિવાયના સર્વ વ્યાપાર મૂર્ખાઈ માત્ર છે. એ મનુષ્યો સાવ અજ્ઞાન છે જેઓ રાતદિવસ સંસારી પદાર્થો પાછળ જ વ્યતિત કરે છે ને પરમેશ્વરને યાદ કરતાં નથી.

                                      *

ઋષિકેશ ખૂબ સુંદર સ્થાન છે. અહીંના પત્થર, અહીંની રેતી, ડુંગર, ગંગાજી, સર્વ અનેરું લાગે છે. અહીંની જમીન પર પગ પડે છે ત્યાં જ મને જુદું જુદું લાગે છે. એવી ભૂમિમાં રહેવાનો આનંદ કેટલો હોય ! અહીં તો ભગવાને જ વાસ કર્યો છે એટલે અહીં આવીને ભગવાનની સાધના શું કરવાની ? ભગવાનનાં દર્શન જ અહીં તો સર્વત્ર કરવાનાં. હરિદ્વાર ગયો હતો પણ અહીં આવ્યો ત્યારે સાસરે આવ્યો એવું લાગ્યું, મીરાં જેમ કહે છે કે ‘પૂર્વજનમની હું વ્રજ ગોપી’ તેમ મારે પણ ઋષીકેશ સાથે પહેલાંનો ગાઢો સંબંધ છે. આ ભૂમિ વધારે સુંદર ને પવિત્ર લાગવાનું એક કારણ તો એ છે કે અહીં ઘણા સંતોએ તપશ્ચર્યા કરેલી છે. તેનાં પરમાણું અહીં પ્રસરેલાં છે. જેનું હૃદય જેટલું તૈયાર હોય તેને તેટલી પ્રસાદી અહીંથી મળી રહે છે.

*

  કલા વિષે મારું પહેલાંનું જે દૃષ્ટિબિંદુ હતું, તે જ અત્યારે છે. મારું એવું માનવું છે કે દરેક કલા ઈશ્વર કે મનુષ્યની અંદર રહેલા ચૈતન્ય સાથે સંવાદ સાધવા માગે છે. તે પ્રયત્નનું પરિણામ એ કલાનું રૂપ છે. સંગીત, ચિત્ર, શિલ્પ, સાહિત્ય, નૃત્ય, દરેકનો મુખ્ય ઉદ્દેશ તો આત્માને ભુલી જવાનો, સ્વયં આનંદ ને રસમાં તરબોળ થવાનો છે. એને રસ સમાધિ પણ કહી શકાય અથવા દેહાધ્યાસનું વિસ્મરણ પણ કહેવાય. આ વિચારધારાને લક્ષમાં રાખીને કહેવું પડે છે કે કોઈ પણ કલા આ હેતુને જેટલે અંશે સાધ્ય કરી શકે તેટલે અંશે તેનું ગૌરવ વધારે છે. કલાકાર પોતે તો તે કલાના અનુભવકાળે આત્મતલ્લીન થયો હોય છે પરંતુ તેને અપનાવનાર પણ એ અનુભવ કરે એ શક્ય છે. અલબત્ત, જેમાં અપનાવનારની કક્ષાનો વિચાર તો છે જ પરંતુ એ પણ સાચું છે કે કલાનું બળ વધારે હોય તો સાધારણ મનુષ્ય પર પણ તે અસર કરે ખરી. એટલે હું તો એમ માનું છું કે જે કલા ઈશ્વર સાથે એક થાય, ઈશ્વરમાં જ રમણ કરે તથા આત્મા જ જેની આરાધના બને, તે ઉચ્ચોચ્ચ કલા છે. જે કલા મનુષ્યને એની સાંપ્રત દશામાંથી ઊંચકીને સાત્વિક ને શુદ્ધ આનંદના પ્રદેશમાં મૂકે, શાંતિ ને પ્રેમના પ્રવાહમાં વહેતો કરે, તથા શરીરની સ્મૃતિ પણ ભુલાવે એટલે કે આત્મા સાથે એક કરે, તે કલા ઉત્તમોત્તમ કહેવાય. આને માટે સાહિત્યનું દષ્ટાંત જોઈએ તો વેદ ને ઉપનિષદ તથા ગીતા જુઓ.

એટલે જે કલા આત્મામાં રમણ કરનારી છે, ઈશ્વરને ઓળખાવનારી છે, તથા માણસને દેહાતીત ભૂમિકામાં મૂકનારી છે, તે જ કલાને હું વંદન કરવા યોગ્ય માનું છું. જેટલે અંશે કલાકાર આત્મામાં ઓતપ્રોત હોય તેટલે અંશે તે આવી કલા આપી શકે. આ જ અર્થમાં કહી શકાય કે જીવન એક કલા છે. જે દેશમાં આવા કલાધરો પાકે તે દેશ નંદનવન જેવો થઈ જાય એમાં શંકા નથી.

ઉપલી વિચારસરણીને જીવનમાં પણ ઘટાવી શકાય. શરીર, મન ને આત્મા એ ત્રિપુટી વિકાસ ક્રમની ત્રણ ભૂમિકાઓ છે. જે મનુષ્ય માત્ર શરીરમાં રમે છે. તેની જ પાછળ સર્વ કાંઈ કરે છે, મરી ફીટે છે, સમય ગાળે છે, તે પ્રાથમિક દશામાં છે. તેનાથી જે આગળની ભૂમિકા પર હોય છે તે શરીરનું ધ્યાન તો રાખે છે પરંતુ મનનો વિકાસ તેનું પ્રધાન લક્ષ્ય હોય છે. સુંદર વિચારો ને ભાવનાઓથી તે માનસિક ખોરાક મેળવે છે. ને શરીરમાં જ નહિ પણ મનમાં ને મન વાટે આનંદ મેળવે છે. આથી પણ આગળની ભૂમિકા છે, તે આત્માની છે. તે ભૂમિકાનો માણસ પોતાના અંતરને પોતાના સુખ ને શાંતિનું મૂળ બનાવે છે, ને તેને દૈવી ગુણો વાટે પુલકિત કરવા પ્રયાસ કરે છે. શરીર ને મન વાટે તેણે જે મેળવ્યું છે તેનો અનુભવ કરે છે. તે ભેદાભેદથી પર થાય છે, ને આત્માનો જ-સર્વમાં રહેલા એકત્વનો-પૂજારી થઈ જાય છે. તેની સર્વ પ્રવૃત્તિઓ આત્મલક્ષી હોય છે ને આત્મામાં જ મળનારી હોય છે. તેની પ્રસન્નતા કોઈ બાહ્ય વસ્તુ કે વાતાવરણ પર આધાર રાખતી નથી. આ ભુમિકા છેવટની છે. જેમ મનુષ્યને માટે તેમજ રાષ્ટ્રને માટે. જે રાષ્ટ્ર માત્ર ભૌતિક પદાર્થોમાં રમે છે તે બાલક છે. જે માત્ર માનસિક અવસ્થા સેવે છે તે મધ્યમ છે ને જે બંને અવસ્થાઓમાંથી ઊઠીને આત્મા પર ધ્યાન ઠરાવે છે તે ઉત્તમ છે. એટલે કોઈ પણ રાષ્ટ્ર કે મનુષ્યની માપણી આ ગજથી થઈ શકે છે.

*

અહીં મને કેટલાક પૂછે છે કે આગળ જતાં કાંઈ પ્રવૃત્તિ સ્વીકારશો ? હું શું કહું ? ઊંડે ઊંડે પણ થોડીક વાસના રહી હશે ત્યાં સુધી ઉચ્ચોચ્ચ આધ્યાત્મિક અવસ્થા અળગી રહેશે. વાસના ભલે પછી તે શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, રાજસી હોય કે સાત્વિક હોય, આખરે તો બંધનકારક છે જ. સાંકળ લોઢાની હોય કે સોનાની તે બાંધી તો શકે જ. એટલે આધ્યાત્મિક ક્ષેત્રમાં સંપૂર્ણતાએ પહોંચતાં પહેલાં તો બધી લૌકિક ને પારલૌકિક વાસનાઓનો ભોગ આપવો પડે છે. સાધનદશામાં સાધકને એવો વિચાર હોય કે સાધન પૂર્ણ કરીને હું લોકોનું ભલું કરીશ, ધર્મ ફેલાવીશ, તો તે વાસના છે તો સાત્વિક છતાં તેની પૂર્ણતાની આડે તે આવશે. ને પહેલાં તેણે તે પૂરી કરવા ભટકવું પડશે. અલબત્ત, આ એક પતન જ છે. જો એવી વાસના હશે કે સાધના પછી સેવા કરીશ તો પણ એ જ દશા થશે. એટલે કે પૂર્ણતા પ્રાપ્ત થતાં પહેલાં એ વાસના તમને સેવાના ક્ષેત્રમાં ખેંચી લાવશે ને તેનો ભોગ પૂરો કરાવશે. એટલા માટે વાસનાથી પર પહોંચવું ઉપયુક્ત છે. ‘પૂર્ણતા માટે જ પૂર્ણતા’ એ સાધકનો વિચાર હોય. ‘ઈશ્વર માટે રહી શકાતું જ નથી. ઈશ્વર માટે તરફડવું એ સ્વભાવ જ છે. માટે ઈશ્વર માટે જ ઈશ્વર’ એમ હોવું જોઈએ. બીજી ભાષામાં કહીએ તો આધ્યાત્મિક સાધનમાં સૌથી આવશ્યક વસ્તુ સર્વસમર્પણની છે. ઈશ્વરને માટે સર્વનું સમર્પણ કરવું, નિરાશી થઈ જવું ને ઈશ્વરને માટે જ ઈશ્વરની ઝંખના કરવી કે આત્માને માટે જ આત્માનું સાધન કરવું એ આવશ્યક છે. પ્રીતમ કવિએ આ ભાવને બહુ સુંદર રીતે ગાયો છે. આ રહ્યા એ શબ્દો-

સુત વીત દારા શીશ સમરપે તે પામે રસ પીવા જોને,

સિંધુ મધ્યે મોતી લેવા માંહિ પડે મરજીવા જોને.

અહીં ‘સુત વીત દારા શીશ સમરપે’ એનાથી સર્વ વાસના ને આસક્તિનું સમર્પણ એમ જ સમજવાનું છે.

*

આધ્યાત્મિક વિકાસ એ જ સર્વકાંઇ છે. તેની ઈચ્છા રાખનારે અમુક બાબતો સારી પેઠે સમજી લેવાની જરૂર છે. પહેલાં તો તેણે નક્કી કરી લેવું જોઈએ કે ઈશ્વરની પ્રાપ્તિ એ જ જીવનનું ધ્યેય છે ને તે મેળવવામાં જ પુરુષાર્થ, માનવતા, સર્વકાંઇ છે. વસ્તુતઃ દરેક મુક્ત છે એટલે શોક, મોહ, લોભ, વાસનાઓ, વગેરેથી સાચેસાચ મુક્ત થઈ જવું એ દરેકનું લક્ષ હોવું જોઈએ. આપણા સર્વ પ્રયત્નો એ મહાન ને ઉદાત્ત ધ્યેયની દિશામાં જ થવા જોઈએ. જીવનની પ્રત્યેક પળનો ઉપયોગ આપણે પ્રેમને અનુભવવામાં, શાંતિને ભોગવવામાં અને આનંદમાં એક થવામાં કરવો જોઈએ. જેટલા પ્રમાણમાં આપણે પોતે પ્રેમ, શાંતિ ને આનંદ અનુભવતા જઈશું તેટલા જ પ્રમાણમાં આપણે પરમાત્માની પાસે ને પાસે પહોંચતા જઈશું એ નક્કી.

માણસ આટલું જ સમજી જાય તો ? પરંતુ અત્યારનો માણસ વાસનાનો એવો તો દાસ થયેલો છે કે તે આનંદને ભોગવી શકતો જ નથી. તેને માટે પ્રેમ એ આકાશપુષ્પ જેવી વસ્તુ થઈ પડી છે, કેમકે તેનું જીવન ઝેર જેવા દ્વેષથી ભરેલું છે. તેને માટે સુખ ને શાંતિ બધું જ દુર્લભ થઈ ગયું છે કેમકે તેને સુખ ને શાંતિની સાચી દિશાની ખબર નથી. માણસ આજે પોતાનો જ ગુલામ થઈ ગયો છે. સ્વાદનો ગુલામ, વિષયનો ગુલામ, રાગદ્વેષનો ગુલામ - આ ગુલામી કાંઈ નાનીસૂની નથી. પણ જેણે ખરેખર કૃતકૃત્ય ને જીવનમરણના ચક્રાવામાંથી મુક્ત થવું છે તેણે તો તે ગુલામીની બેડીમાંથી છૂટ્યે જ છૂટકો. માટે જ પહેલાં તો મુક્તિને માટે દૃઢ નિશ્ચય કરી લેવાની જરૂર છે.

યાદ રાખો કે મનુષ્યશરીર કાંઈ જેને તેને મળતું નથી. એ એક દુર્લભ વસ્તુ છે. તે કલ્પવૃક્ષ સમાન છે. તેમાંથી તમે ઈચ્છાનુસાર ફળ મેળવી શકશો. તમારી ઈચ્છા હોય તો સંસારના બે ઘડી આનંદ આપનારા વિષયી પદાર્થો પાછળ તેનો નાશ કરી શકો છો. નહિ તો મુક્તિની દિશામાં તેનો ઉપયોગ કરી તેને તમારા પ્રભુનું પવિત્ર મંદિર પણ બનાવી શકો છો. દિવસો ચાલ્યા જાય છે તેમ જીવન પણ ટૂંકું થતું જાય છે. એટલે જો ઉચ્ચ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો અત્યારથી જ પ્રયત્ન કરવાની જરૂર છે. દુનિયામાં અનેક પુરુષો થયા છે પણ આપણે તો થોડાક મહાન પુરુષો કે જેણે પ્રભુની પ્રસાદી ચાખી છે તેમને જ જાણીએ છીએ. હજારો જન્મ્યા ને કાળના પ્રવાહમાં અદૃશ્ય થયા. આપણે પણ જો અસાવધ રહીશું તો તે જ દશા પામવાના. માટે દૃઢ પુરુષાર્થ કરવો જોઈએ ને મહાન સંત પુરુષોના ગુણો આપણામાં ઉતારી પ્રેમ, શાંતિ ને આનંદની મૂર્તિ બની જવું જોઈએ. ત્યારે જ આપણું જીવન કૃતકૃત્ય થશે.

ઈશ્વરના પ્રેમમાં મસ્ત રહેવામાં જેટલો આનંદ છે તેટલો સંસારભરમાં ક્યાંય નથી. આત્માના આનંદમાં મસ્ત રહેવામાં જેટલી મજા છે તેટલી સૃષ્ટિ સારીના કોઈ પણ પદાર્થમાં નથી. અરે, ઈશ્વરની પાછળ આંસુ સારવામાં જે રંગ છે તેનું બિંદુ પણ સ્વર્ગના ભોગસુખમાં નથી. માટે એ પ્યારા પ્રિયતમમાં જ રહેવું જોઈએ. એનું જ સ્મરણ કરવું જોઈએ ને એના જ ધ્યાનમાં મસ્ત રહેવું જોઈએ.

 

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.