if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ,
તા. ૧૩ ઓગસ્ટ, ૧૯૪૩.

પ્રિય ભાઈ,

ગઈ કાલે તારો પત્ર મળ્યો. વાંચીને ઘણો જ આનંદ થયો. આર્થિક સ્થિતિ સારી છે તેય જાણ્યું. ઉપરાંત ગૃહસ્થજીવનને બનતું ઉચ્ચ કરવાનો પ્રયત્ન પણ સમજી શક્યો. એ બધું 'મા'ની કૃપાનું જ ફળ છે. પ્રયત્ન ચાલુ રાખવો. અંતે સફળતા જરૂર મળશે. ગીતા પણ કહે છે કર્મણ્યયેવાધિકારસ્તે. (તારો પ્રયત્ન કરવામાં અથવા પુરુષાર્થમાં જ અધિકાર છે.) ફળ આપવાનું ઈશ્વરના હાથમાં છે. અને જે ઈશ્વર પરની દયાને લીધે પુરુષાર્થ કરે છે ને તેની વિશેષ દયા માટે પ્રાર્થના પણ કરતા રહે છે તેમને ઈશ્વર વિશેષ બળ આપે છે. જે ઈશ્વરની કૃપા યાચે છે તેને તે પ્રાપ્ત પણ થાય છે. માત્ર એક બાળક પોતાની સ્વાભાવિક સરલ અવસ્થામાં ‘મા મા’ એવો આર્ત પોકાર પાડે છે તેવો જ આર્ત પોકાર આપણી દુન્યવી પ્રતિષ્ઠા, દુન્યવી વાસના ને અભિમાનને બાજુએ મૂકીને આપણે પાડવો જોઈએ. એટલે જ ઈશુ કહે છે - 'નોક ધ ડોર એન્ડ ઈટ શેલ બી ઓપન્ડ'.

મારામાં આશિર્વાદ આપવાનું બળ શું હોય ? ઈશ્વરના આશિર્વાદ એ જ સાચા છે. ને તે તમારા પર ઊતર્યા છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. કેમકે ઈશ્વરની દયા જેના પર હોય તેને જ ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા થાય. નિષ્ફળતા મળે તે છતાંય પ્રયત્ન ચાલુ રાખવો ને ઈશ્વરની શ્રદ્ધા કાયમ રાખીને દુષ્ટ વૃત્તિઓ સામે લડ્યા કરવું એ ઈશ્વરની કૃપા વિના ન જ થાય. એવા આત્માઓને આશિર્વાદ આપવા જેવી મોટાઈ મારામાં ના જ હોય. તેમનાં તો ચરણ ચૂમવાનું મને મન થાય. કેમકે એવા આત્માઓને ધન્ય છે. છતાં પણ સરસ્વતી ખૂબ પ્રેમાળ છે. સંસ્કારી છે. હું જાણું છું કે તેના સહયોગથી તારું બળ વધશે, તારી શક્તિ તેની પ્રેરણાથી વધારે પરિપક્વ થશે. ઈશ્વરના આશિર્વાદ તેને મળી જ ચૂકયા છે છતાં તે માગે જ છે તો મારા તેને જરૂર આશિર્વાદ છે. એક સ્નેહી તરીકે તમારા બેઉ પ્રત્યે હું મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. પ્રયત્ન ચાલુ રાખવો. પ્રયત્ન કરવાથી જ હરકોઈ સફળ થઈ શકે છે. પ્રયત્નથી સાંપડેલી નિષ્ફળતા નિષ્ફળતા નહિ પણ સફળતાની કેડી છે.

*

આજે આ શરીરનો જન્મદિવસ છે. અલબત્ત, તેનો બહુ આનંદ તો નથી જ કેમકે તેને માટે તો અહર્નિશ આનંદ છે. છતાં તેના વિષે થોડુંક લખી લઉં. પ્રથમ તો એ કે આ શરીર ઈશ્વરનું મંદિર છે. તે એક ફૂલ જેવું ફોરમવંતુ બનીને ઈશ્વરને ચરણે પડી રહે એમાં જ એની ધન્યતા છે. જેમ ફૂલમાં મઘમઘાટ હોય છે તેમ આ શરીરમાં પણ પ્રેમ, આનંદ, દયા વગેરે દૈવી ગુણોનો મઘમઘાટ હોય, એમાં જ એની કૃતકૃત્યતા છે. જેમ વિષયી પુરુષના અંગેઅંગમાંથી વાસનાની જ્વાળા ફૂટી નીકળે છે તેમ એમાંથી પણ ઈશ્વરનો પ્રેમ ફૂટી નીકળે એ જ એની ધન્યતા હોય. રામકૃષ્ણદેવની દશા કેવી હતી ! તોતાપુરીએ તેમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરાવી આપેલી તેમજ તે જ્ઞાનીના પણ જ્ઞાની હતા પરંતુ તે તો જીવનભર 'મા' કાલીના બાળક જ રહ્યા. તેવા રહેવામાં જ તેમને ગૌરવ જણાયું. તેમાં જ તેમનો આનંદ હતો. એ રામકૃષ્ણદેવ, વિવેકાનંદ, રામતીર્થ, બુદ્ધ ભગવાન બધાયે ચિત્રરૂપમાં 'મા'ની આજુબાજુ મારા ઓરડામાં બેઠા છે. લગભગ હરરોજ રામકૃષ્ણદેવ એકીટસે મારા તરફ જોઈ રહે છે. ખરેખર, રામકૃષ્ણદેવ જ મારા શરૂઆતના જીવનના મુખ્ય પ્રેરણારૂપ હતા અને આજેયે હું તેમના પર જ વિશેષ પ્રેમ કે આકર્ષણ ધરાવું છું. તે જેમ ‘મા’ માં મસ્ત હતા, 'મા'ને માટે જ ને 'મા'ના આદેશ અનુસાર જીવતા હતા, મારું જીવન પણ તેવું થઈ રહે એ મારી ઈચ્છા છે.

યોગ વિષે તું વાંરવાર પૂછે છે પરંતુ હું લખતો નથી તેનું કારણ તને આમાંથી પણ જડશે.

આ વરસની નવીનતામાં પ્રાણાયામ, મુદ્રા, અનુભવની સ્થિરતા ને સતતતા વગેરે છે જ, પરંતુ હજી તે વધારે થશે કેમકે એ તો માત્ર બાળપોથી રૂપ જ છે. યોગની ચરમસીમા (પાતંજલોક્ત) હજી દૂર જ છે. સમય જતાં 'મા' તે મેળવી આપશે. મારે તો તેની આંગળી ઝાલીને પગલાં ભરવાનાં એટલું જ. એટલું નક્કી છે કે જેમને પણ પૂર્ણતા પ્રાપ્ત થઈ છે અથવા તો જે જે મહાયોગી થયા છે તેમનામાં લગની પણ તેટલી જ જાગેલી હતી. જેમ એક કામી પુરુષ પોતાની પ્રેયસીને માટે કામાતુર થઈ જાય છે અને તેને માટે જ જીવે છે, પૂર્ણતાને પંથે ધપનારનું જીવન પણ તેવું જ પૂર્ણતામય હોય છે. અરવિંદની વર્ષોની સાધના ને તેનું (હજીય) સાતત્ય, રામકૃષ્ણદેવની એકાંતિક ભક્તિ, દયાનંદના પ્રચંડ પુરુષાર્થની પાછળ છુપાયેલી હિમાલયની સાધના, આ બધુંય એકાંત ને તલ્લીનતાની વધારે જરૂર માગી લે છે. મારો ઝોક એ તરફ જ રહ્યો છે. ને તેથી જ આવતીકાલ વિષે કશું નિર્ણાયાત્મક કહી શકતો નથી. અલબત્ત સાત્વિક આધ્યાત્મિક પ્રવૃત્તિ કરતાં પણ મને તદ્દન એકાંતિક વાસ જ વધારે પસંદ છે. ને તેને માટે આજે તો 'મા'ની પાસે મારી એ જ પ્રાર્થના છે કે હું તેને જોઈ જ રહું ને તે મને જોઈ રહે. એવી ધન્યતાનો અવસર તે દે. જો કે શાંતિ, સંતોષ ને ધન્યતા માટે બીજું કશું કરવાની જરૂર જોતો નથી. કેમકે હૃદયની રહીસહી શુદ્ધિની વાટે પ્રકટેલો જ્ઞાનનો અનુભવ (સર્વત્ર અનુભવવાનું ચૈતન્ય) એ જ કૃતકૃત્યતા માટે બસ છે. અને જે આત્મા છે તે જ મારે મન 'મા' છે. છતાં કોણ જાણે કેમ 'મા'ની આગળ એક બાળક બનીને રહેવાનું મને વધારે પસંદ છે ને પૂર્ણ યોગી થાઉં તોય હું તો એવો જ 'મા' 'મા' કરતો સરલ શિશુ રહેવા માગું છું.

*

અહીં આનંદ છે. આધ્યાત્મિક વિકાસ વિના આનંદનો સંભવ નથી. આનંદ અંદર જ છે ને તે અંદર ડોકિયું કરવાથી પ્રાપ્ત થાય છે. એ આનંદ મળે એટલે બધા સંશયો છેદાઈ જાય છે ને મનુષ્ય પોતાના મહિમામાં શોભતો, ઉપનિષદ કહે છે તેમ 'સ્વે મહિમ્ને પ્રતિષ્ઠિત' સ્થિર થઈ રહે છે. આ ઋષિકેશની ભૂમિ જ અનેરી છે ને મારો તેના પ્રત્યેનો સંબધ તો મેં આ પહેલાં અનેક વાર આલેખ્યો છે. એના પર પગલી મૂકતાંની સાથે જ 'મુક્ત છું' એવી ભાવના ઊછળી આવી હતી. એ એક આધ્યાત્મિક માતા છે. આવી ભૂમિમાં આનંદ હોય જ એ સમજી શકાય તેવું છે.

*

  ગીતા વાંચે છે તે સારું છે. અર્થપૂર્વકનું જેટલું વંચાય તેટલું લાભકારક છે. ગીતાના વાચનમાં શરૂઆતમાં ૧૨ મો અધ્યાય, પછી ૧૬ મો, પછી ૧૫ મો, પછી બીજો ને પછી બીજા અધ્યાય સમજવા સહેલા પડશે. ગીતા એક અદભૂત ગ્રંથ છે. ગીતા પ્રમાણે જ ચાલનાર કોઈપણ વ્યક્તિ આ જીવનમાં મુક્ત થઈ ધન્યતા ભોગવી શકે છે. ગીતામાં એટલું બળ છે. તેના મુખ્ય ધ્વનિ કે ઉપદેશ વિષે આજપર્યંત ઘણું ઘણું લખાયું છે. પરંતુ ઘણા વિદ્વાનોએ તેને પોતાની જ વિદ્વત્તા અનુસાર મૂલવવાનો પ્રયાસ કર્યો છે. તિલકે એ જ ગીતા પરથી કર્મયોગનું વિસ્તૃત વિવેચન લખી નાખ્યું ને શંકરાચાર્યે જ્ઞાન પર જ તેનો આંક કાઢ્યો. પણ મારી મતિ પ્રમાણે ગીતાનું અંતરંગ તત્વ જુદું જ છે. ગીતાનો મુખ્ય ઉપદેશ કર્મ કે જ્ઞાનનો નથી. તેનો સંદેશ ઈશ્વરમયતાનો છે. મન, વાણી ને શરીરના રોમરોમમાંથી ઈશ્વરત્વનો નાદ થવો એ જ ગીતાનો ઉપદેશ-ધ્વનિ છે. સહેલી ભાષામાં કહીએ તો ગોપીઓના જેવી તન્મયતા ને રાધાના જેવી સર્વસમર્પણતા-આ જ ગીતાનું હૃદય છે. જ્ઞાન પણ તે આને જ માને છે તથા આને જ પરમભક્તિ કે યોગ કહે છે. એના સમર્થન માટે તેરમા અધ્યાયના જ્ઞાનનાં લક્ષણો જુઓ. તેમાં કૃષ્ણ ભગવાન ક્યાંય એમ નથી કહેતા કે વેદ જાણે, શાસ્ત્રો જાણે, વાદવિવાદ કરી શકે કે, જગત, બ્રહ્મ ને જીવની માહિતી આપી શકે તે જ્ઞાની. તે તો કહે છે જેનામાં નિર્માનીપણું હોય, દંભ ન હોય, અહિંસા, ક્ષમા, પ્રામાણિકતા હોય, તે જ જ્ઞાની છે. વળી જે સર્વમાં પોતાને ને પોતામાં સર્વને જુએ તે જ જ્ઞાની એટલે ઈશ્વરપરાયણતા કે આત્મમયતા એ જ ગીતાનો મુખ્ય સંદેશ છે. કેટલાક કહે છે કે અર્જુનને ઉપદેશ આપીને યુદ્ધ માટે પ્રેર્યો માટે ગીતાનું રહસ્ય કર્મ જ છે. પણ તે યથાર્થ નથી. અર્જુનને કર્મની જરૂર હતી. માટે જ તેને કર્મની પ્રેરણા આપી છે. તે પ્રેરણાના ઊંડાણમાં પણ તેને ઈશ્વરપરાયણતાનો ઉપદેશ કર્યો જ છે. પોતાનું વિરાટ રૂપ દેખાડીને તેના રોમરોમમાંથી પોતાનો નાદ જગાડ્યો, પછી જ તેને કર્મ માટે યોગ્ય કર્યો. એટલે ગીતાને કર્મ સામે વિરોધ નથી પરંતુ તેનું મધ્યવર્તી રહસ્ય તો ઈશ્વરમયતા જ છે. આનો સ્ફોટ કરવાનો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે અનેક વાર પ્રયાસ કર્યો છે.

*

ધ્યાન કરવાનો અભ્યાસ રાખવો. સૂતી વખતે ૦॥ કલાક પણ કરી લેવું. ધ્યાન કરતાં જો 'મા'ની છબી આંખ સામે રાખો તો ફાયદો થશે. શરૂઆતમાં મન સ્થિર કરવું અઘરું પડશે. તો 'મા'ની છબી સામે રાખી તેના તરફ નજર ઠરાવવી. સરસ્વતીની છબી ચાલે. કાલી એ જગજ્જનનીનું રૌદ્ર રૂપ છે ને સરસ્વતી શાંત રૂપ. એટલે સરસ્વતીની છબી સારી પડે. તે ઉપરાંત શિર્ષાસન પણ કરવું. એથી ખૂબ ફાયદો થાય છે.

ઉચ્ચ આધ્યાત્મિક જીવન જીવવા ઈચ્છનારે નીચેના પ્રશ્નોના જવાબ મેળવી લેવા ઘટે છે.

(૧) વહેલા સૂવાનું રાખ્યું છે કે નહિ ? ૧૦ વાગે તો સૂવું જ જોઈએ.

(૨) વહેલા ઊઠવાનું રાખ્યું છે કે નહિ ? ૪ વાગે તો ઊઠવું જ જોઈએ.

(૩) ઊઠીને મનોમન પ્રાર્થના કરવાની ટેવ છે કે નહિ ?

(૪) શૌચ, દાતણ, જલદી કરી લઈને તથા સ્નાનથી પરવારીને જપ કે ધ્યાનમાં બેસવાનો નિયમ રાખ્યો છે કે નહીં ?

(૫) ગીતાનું વાંચન-મનન ઓછામાં ઓછા એક અધ્યાયનું પણ થાય છે કે ? સંતપુરુષોનાં જીવન વાંચો છો કે તેને યાદ પણ કરો છે કે ?

(૬) કોઈપણ જાતનું વ્યસન તો નથી ને ? ભોજન પણ વ્યસન ખાતર તો નથી જ કરતા ને ?

(૭) કપડાં વગેરે જરૂરિયાતો સંયમપૂર્વક રાખો છો ને ?

(૮) બોલવા ચાલવામાં ધ્યાન રાખો છો ને ? સમયનો દુરુપયોગ તો નથી કરતા ?

(૯) કોઈપણ કામ કરતાં આત્મલીન રહેવાય અથવા ઈશ્વરનું સ્મરણ રહે એવી ટેવ પાડી છે ?

(૧૦) રાતે સૂતી વખતે આખાયે દિવસને યાદ કરી જાઓ છો ?

(૧૧) સૂતા પહેલાં પ્રાર્થના કરો છો ?

(૧૨) કામ ક્રોધ લોભથી પર થવા પ્રયાસ કરો છો ?

(૧૩) સત્ય જ બોલો છો ને ? જીવનને દયામય, પ્રેમમય, નિ:સ્વાર્થી, આનંદી બનાવવા પ્રયાસ કરો છે ને ?

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.