Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ,
તા.૨૮ સપ્ટે. ૧૯૪૩

પ્રિય ભાઈ નારાયણ,

તારા પત્રની રાહ જોઈ. આજે ઉતાવળમાં લખી રહ્યો છું. ફરી નિરાંતે લખીશ. શરીર તો સારું છે ને ? શિક્ષણનું કાર્ય પણ સારું ચાલતું હશે.

અહીં ઋતુ બદલાઈ છે. ગંગામાતાનું દૃશ્ય અપૂર્વ, હૃદયંગમ ને શોભાસ્પદ છે. ગંગા સાક્ષાત્ પ્રભુનો પ્રેમરસ છે. તેનો સ્વાદ, તેમાં સ્નાન કરવાનો આનંદ, તેનું દર્શન, સર્વ કાંઈ આનંદકારક છે.

હમણાં ખાસ કશું જણાવવા જેવું નથી. ભર્તૃહરિના વૈરાગ્યશતકના કેટલાક શ્ર્લોકોનું સમશ્લોકી ભાષાન્તર કરાયું છે. સાધન-મનન ચાલ્યા કરે છે. અહીં તો એ જ આનંદ છે. જેમ સંસારી વિષયોમાં વિલાસ કરવાનો સંસારી જીવોને આનંદ હોય છે તેમ મુક્તાત્માઓનો આનંદ અંતરમાં ડૂબકી મારવાનો હોય છે. માછલી જેમ પાણીમાં જ જીવે છે ને તેમાંથી બહાર કાઢતાં જીવ ખોઈ બેસે છે તેવી જ રીતે જેઓએ ઈશ્વરી પ્રેમનો સ્વાદ ચાખ્યો છે તેઓ તેમાં જ જીવે છે, તેમય બની જાય છે, ને તેની બહાર રહી શકતા નથી. આ જ મુક્તિ. અશુદ્ધિનાં પડળોને દૂર કરીને સર્વત્ર રહેલા ઈશ્વરીતત્વનો અનુભવ કરવો, તેમાં એકાકાર થવું, એ જ દિવ્ય જીવનની પરિસીમા. આવો મનુષ્ય પ્રેમ, સત્ય ને દયાની મૂર્તિ બની જાય છે. જેમકે બુદ્ધ ભગવાન અથવા તો ગોપીઓ અથવા તો ઈશુ.

સર્વને મારાં વંદન કહેશો.