ઋષિકેશ,
તા. ૩ નવે. ૧૯૪૩
પરમ પ્રિય ભાઈ,
તમે જે પૂછ્યું છે તે આનંદપ્રદ છે. પરંતુ વિચારણીય છે. પ્રેમી ભક્તને એક અથવા બીજી રીતે દર્શન થાય છે જ. અલબત્ત હું એમ નથી માનતો કે પ્રેમીએ દર્શન કરવું જ જોઈએ. ભક્તોની પ્રકૃતિ પર તે નિર્ભર છે. પરાભક્તિનું દર્શન દરેક ભક્તના જીવનમાં થાય છે એ એક નિર્વિવાદ સત્ય છે. પરાભક્તિ એટલે માત્ર ઈશ્વર ને ઈશ્વરને માટેની જ વેદના-સતત દર્દ ભાવના ને તેના જ સતત અનુભવની વિરહાવસ્થા. આ અવસ્થા પછીનો વિકાસ એકસરખો નથી. શક્ય છે કે આ વિરહના દર્દથી એને દર્શન થાય. બીજી શક્યતા એ છે કે તેને ચારે બાજુ પોતાના ઈષ્ટનો કે આત્માનો અનુભવ થાય. તે અનુભવથી તે શાંત બને, આનંદિત બને ને તે અનુભૂત તત્વને પ્રકટ ન કરે પરંતુ એવું જ અનુભવે (નિરાકાર રૂપમાં) ને જીવનમુક્તિની દશાએ પહોંચી જાય. આ બે વસ્તુ છે. છતાં પણ ઈશ્વરી ભાવનાનો સાક્ષાત્કાર એક કે બીજી રીતે થાય છે જ. પ્રેમનું બળ જ એવું છે.
તમારા પ્રશ્નનો એક ઉત્તર ૧૯૪૧ ના માર્ચના પત્રમાંથી મળી જશે. એ વસ્તુ આજે અદભુત રીતે વિકસી ઊઠી છે. પણ તમે સાકાર દર્શન વિષે પૂછ્યું છે. લખતાં પહેલાં વિચાર થાય છે. કેમકે મારા ધાર્યા પ્રમાણે આ પત્ર વાંચનારાં ઘણાં હશે. તેમને કદાચ મારા પ્રત્યે માનની લાગણી થશે ને તેઓ મારા વિષે મોટું મોટું ધારશે. એ વિચારથી હું કહું છું ને બહુ જ સાવધ રહીને વાત કરવામાં કે લખવામાં ધ્યાન રાખું છું. ઈશ્વરનો માર્ગ અનંત છે. તેનું સ્વરૂપ પણ અનંત છે. તેનું દર્શન થયું એમ કહેવું મનુષ્ય માટે હાંસીજનક છે. વળી એ પણ સાચું છે કે શુદ્ધહૃદયી પુરુષને જગતમાં ઈશ્વરનું દર્શન થાય જ છે. એટલે ઉપનિષદની જેમ આપણે પણ કહેવું પડે છે કે, નાહં મન્યે સુવદતિ નો ન દતિ વેદ ચ । (હું એમ નથી માનતો કે તેને પૂરેપૂરો જાણું છું તથા જરાય નથી જાણતો એમ મારું માનવું નથી.) હું તો એક ક્ષુદ્ર મનુષ્ય રહ્યો. વિરાટ ઈશ્વરનું દર્શન મને શેં થાય ? એટલું પ્રેમબળ મારામાં છે પણ ખરું ? હું તો તેને માટે બનતું રડી જ જાણું, પોકારી જ જાણું. શાંત ચિત્તે તેને ઠેર ઠેર દેખતો રહું. આ જ મારી મનીષા. છતાં તને આટલા ઉત્તરથી તૃપ્તિ વળશે નહીં. જોશીજીની વાતચીત સાથે મારા અનુભવ વિષે લખવા જતો હતો પરંતુ પાછળથી મારા વિશે બીજાનો અભિપ્રાય વધારે સારો થઈ જાય એ વિચારથી કેટલુંક કાઢી નાખ્યું. મેં પહેલાં લખ્યું છે કે ભક્તને કે પ્રેમીને પોતપોતાની રીતે દર્શનાનુભવ થાય જ છે. એમાં જ બધું સમજવાનું છે. અને જો તું તારા વિના કોઈને પ્રકટ ન કરે તો અહીં લખું કે 'મા'એ મારા પર કૃપા કરી છે. ’૪૧ ની સાલમાં હું તેને જોવા માગતો હતો પરંતુ તેણે મને જુદી જ રીતે તૃપ્ત કર્યો. પછી પણ મારું હૃદય તલસવા માંડ્યું કેમકે મારે ખાત્રી જોઈતી હતી. 'મા'નું રૂપ અપાર છે. તેના વિરાટરૂપના અંશને તેણે મારી આગળ આણ્યું છે. પરંતુ તે ભાવાવસ્થા ને દેહાતીત અવસ્થામાં. એવી જ રીતે કૃષ્ણદેવે, બુદ્ધદેવે તથા બીજા અર્વાચીન પ્રાચીન સંતોએ કૃપા કરી છે. એ સૂચન પૂરતું લખું છું. એથી એમ નથી ધારવાનું કે મારો માર્ગ પૂરતો થઈ ગયો છે. રામકૃષ્ણદેવને જેમ ક્ષણેક્ષણે 'મા' પ્રત્યક્ષ હતા તેમ મને થઈ શકે. 'મા'ની કૃપા પર એ છોડવાનું. બીજું, રામકૃષ્ણદેવ ધારતા તેમ બીજાને 'મા'નો કૃપાપ્રસાદ આપી શકતા એ સ્થિતિ મારી આવે એ માટે તમારા બધાનાં આશીર્વાદની જરૂર રહે છે. મને બહુ ઊંચો માનશો નહિ. તમારા પ્રેમનો ભાગી બનાવજો.
મારી સાધનામાં ભક્તિ-જ્ઞાનનું મિશ્રણ છે. એટલે અનુભવો વિવિધ છે. કોઈ વાર પ્રત્યક્ષ રીતે જ તે પર વાત થાય.
તમારા પ્રેમ માટે આભારી છું.
*
જપ માટે મધ્યરાત્રિ ને બ્રાહ્મમુહૂર્ત બંને સમય સારા છે. શરૂઆતનો સાધક રાત્રે ઊઠી ન શકે તો તેને માટે બ્રાહ્મમુહુર્ત સારું છે. ૩ વાગ્યાથી પણ સારો સમય શરૂ થાય છે. જપ સાથે ધ્યાન પણ કરવું જોઈએ તો પ્રગતિ સધાયાને આનંદ મળે. વળી હરેક પળે તે જપ ને ધ્યાન કાયમ રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. શૌચ જતાં પહેલાં પણ મધ્યરાતે જપ થઈ શકે. હાથ-મોં ધોઈ લેવાં. શરૂઆતમાં ચિત્ત સ્થિર ન થાય તો ધીરેધીરે બોલવું. સ્થિર થતાં મૌન રાખી જપ કરવા. શરૂઆતમાં મોઢેથી બોલવું ઠીક છે. માળા સારી. આંખ સામે ઈશ્વરનું ધ્યાન કરવું. જપની શરૂઆતમાં કરુણ પ્રાર્થના કરવી ને તેના અંતમાં શાંત ચિત્તે માળા મૂકી દઈને એકલું ધ્યાન ધરવું.
ધ્યાન વખતે દર્ભ ઉપર લુગડું રાખવું. આસન સુંવાળું જોઈએ. પગ બદલતા રહેવું. ત્રણ કલાક સુધી બેસવા અભ્યાસ કરવો.
તમે પૂછો છો કે આત્મા ને મનના અવાજ વચ્ચેનો ભેદ કેમ જણાય. એ માટે એક દૃષ્ટિ સમજી લેવી જરૂરી છે. પહેલું તો એ કે જે વસ્તુ આપણને પ્રેમ, દયા, ઈશ્વરભાવ ને સત્ય તરફ લઈ જાય કે તે તરફ જવામાં મદદ કરે તે વસ્તુ જ ઊંચી છે. એ વિનાની બીજી બધી વસ્તુઓ ખોટી સમજવી. શુદ્ધ મન હોય તે જ સાચો અવાજ આપી શકે છે. એટલે વારંવારના અવાજની પરીક્ષા ઉપરના વિચાર પરથી થઈ શકે છે.
ગીતા વાંચશો. ગુરુ બીજો કોઈ નહિ, ઈશ્વર જ છે.
*
અત્યારની પરિસ્થિતિ ઈશ્વરના સંકેત પ્રમાણે જ છે. હિંદનો ઉદયકાળ શરૂ થઈ ચૂકયો છે એમ લખું તો ખોટું નહિ લાગે ને ? મારા હાથને જેમ લખાવે તેમ લખું છું. માનું છું, ભવિષ્યમાં હિંદ જગતને અગ્રસ્થાને વિરાજશે. તેને માટે તેણે મંથન કરવું જોઈએ, પોતાનો કચરો સાફ કરવો જોઈએ, ને તે કાર્ય પણ યુરોપ પછી હિંદમાં શરૂ થઈ ચૂકયું છે. એમાં ઈશ્વરની કોઈ શંકા કરવી રહેતી નથી. બહુ જ યોગ્ય છે કે ઈશ્વરના એ પરિવર્તનને માટે હિંદે મહાન ભૂખમરો ને દુ:ખ-વેદના સહેવાં પડશે. ઈશ્વરની મંગલમય દયાની પ્રતીતિ અંતે થશે જ એટલું જ આજે તો લખું છું.
નવા વરસનો સંદેશ (મોડે મોડે પણ) શું લખું ? જીવનનું ધ્યેય મુક્તિ છે. મુક્તિ શબ્દથી કાંઈ મુંઝવણમાં પડવાનું નથી. એનું રહસ્ય સહેલું છે. સ્વાર્થ એ બંધ છે, ને નિ:સ્વાર્થતા એ મુક્તિ છે. દ્વેષ એ બંધ છે, ને પ્રેમ એ મુક્તિ છે. વિલાસ એ બંધ છે, ને સંયમ એ મુક્તિ છે. દ્વેષદર્શન એ બંધ છે, ને એકદર્શન-અભેદદર્શન એ મુક્તિ છે. બહારના પદાર્થો પાછળ સુખશાંતિ માટે પડવું એ બંધ છે ને અંદર જ તેનો પ્રવાહ પ્રાપ્ત કરવો એ મુક્તિ છે. દેહનો અધ્યાસ એ બંધ છે, ને આત્મતત્વની અનુભૂતિ એ મુક્તિ છે. કામ, ક્રોધ ને લોભ એ બંધ છે, ને નિ:સંકલ્પતા, નિર્લેપતા ને ક્ષમા તથા દયા એ મુક્તિ છે. આ મુક્તિની ટૂંકી સમીક્ષા છે. આ અનુસાર આપણે જીવન બનાવીએ તો મુક્તિ એ આવતા ભવની વાત નહિ પણ આ જન્મની સત્ય પ્રતીતિ થઈ જાય છે, ને શાંતિ પ્રાપ્ત થાય છે. જીવન પરીક્ષણ કરી તેવી સ્થિતિ પ્રાપ્ત કરવી જોઈએ. એ સ્થિતિ તમે પ્રાપ્ત કરો એવું ઈચ્છું છું.