ઋષિકેશ,
તા. ૮ નવે. ૧૯૪૩
પરમ પ્રિય ભાઈ,
પાંચેક દિવસ પહેલાં મેં અહીંથી એક પત્ર લખેલો. મળ્યો હશે. તે પછી એક-બે દિવસ હું હરિદ્વાર જઈ આવ્યો. કાલે પાછો આવ્યો. આજે વળી લખું છું.
આજે તને એક નવા સમાચાર આપવાના છે ને તે એ કે આ ધર્મશાળાના કાર્યનું મેં આજે રાજીનામું આપી દીધું છે. 'મા'ની ઈચ્છા એવી જ છે. તેની આકસ્મિક અને સખત પ્રેરણાથી જ તેણે આ કરાવ્યું છે. તેના મૂળમાં મારી કેટલાય સમયની પ્રાર્થના છે. અત્યાર સુધી જો કે હું 'મા'નો જ હતો, પરંતુ બાહ્ય રૂપથી પણ મારે તેના ને તેના જ થવાની જરૂર હતી ને તેણે તે આમ પૂરું પાડ્યું છે. કેમકે હું અત્યાર સુધી માતાના ગુજરાનનો વિચાર કરીને પણ આવી સાત્વિક પ્રવૃત્તિમાં રહ્યો હતો. તે મારે તથા 'મા'ને માટે અપમાનજનક હતું ને તેમાં મારી શ્રદ્ધાની ન જણાય તેવી ખામી પણ હતી. છેલ્લા દસેક દિવસના પ્રસંગોએ મારી એ શ્રદ્ધાને ખૂબ દૃઢ કરી છે ને તેથી જ ('મા'ની પ્રેરણાને વશ થઈ) મેં એકલા રહેવાનું સ્વીકાર્યું છે. હવે હું કેવો શોભી ઊઠીશ ? જ્ઞાન, વૈરાગ્ય, પ્રેમ, ભક્તિ, મોક્ષ, બધાં હવે કોઈ અજબ રીતે શોભશે. 'મા' પણ હસશે કેમ કે મારા પ્રેમની તેને પૂર્ણ પ્રતીતિ થઈ.
હવે હું શું કરીશ ? નક્કી નથી. 'મા'એ જ તે વિચારવાનું કબૂલ્યું છે. છતાં આજથી એક માસ સુધી તો કદાચ ધર્મશાળામાં છું. પછી કદાચ પહાડોમાં ચાલ્યો જાઉં તો નવાઈ નહિ. તું કાગળ લખી શકશે પરંતુ આ પત્ર તને મળે કે તરત જ લખજે. પછી મારો પત્ર તને ન મળે ત્યાં સુધી લખી શકશે નહિ.
ઈશ્વરી પ્રેમ એ જ સાચી વસ્તુ છે. જ્યાં સુધી એ પ્રકટે નહિ ત્યાં સુધી દુ:ખ રહે છે. એ પ્રકટે એટલે થઈ રહ્યું. જ્યાં સુધી એના સહસ્ત્રાંશના સ્વાદનું પણ ભાન થયું નથી ત્યાં સુધી જ અશ્રદ્ધા ને કટુતા રહે છે. તે થાય એટલે બસ. જીવન ઈશ્વરી બને છે. અમૃતનું તીર્થ થઈ રહે છે.
તું પૂછશે, માતાજીનું શું ? પણ તને ખબર નથી કે 'મા'એ તે વિચારી જ લીધું છે. તે તો 'મા' જ સંભાળશે. 'મા'એ એવા માણસો ઊભા કર્યા છે, જેઓના દ્વારા તે કામ થશે. એ બધી 'મા'ની જ લીલા છે.
હું તો મુક્ત રહ્યો. 'મા'એ આજ સુધી જે વેશમાં રાખ્યો તે વેશમાં રહ્યો. હવે પણ તેની જ ઈચ્છા પ્રમાણે થવાનું. લોકોને કદીક લાગે કે હું રંગમાં છું. પરંતુ મને તે સ્પર્શે નહિ. હું તો મુક્ત જ રહ્યો.
ધર્મશાળાને લીધે લાભ તો થયો ગણાય. એક તો એ કે અહીંની બાઈ મને લગભગ રોજ ગાળો દેતી. તે મારી સહનશક્તિની કસોટી થઈ. હું તો તેને 'મા' જ માનતો હતો ને તેની ગાળોને શબ્દબ્રહ્મ સમજતો. તે બિચારી પરમ દિવસે મરી ગઈ પરંતુ તેણે આટલો લાભ કર્યો છે. વળી અહીં એકાંત મળ્યું. પ્રપંચથી દૂર રહેવાનું ને 'મા'ના પરમ પ્રેમમાં મસ્ત રહેવાનું મળ્યું. માતાજીનો યોગક્ષેમ પણ ચાલ્યા કર્યો. હજી ધર્મશાળાનો ફેંસલો થયો નથી. કેસ ચાલે છે. પરંતુ 'મા'નો વિચાર મને હવે ઉંચકી લેવાનો ને મારા કરમાં કર લઈ, મારો પ્રેમ લૂંટતાં-લૂંટતાં ગંગાના તીરપ્રાન્ત પર કે પહાડોનાં સૂનાં શિખરો પર ફરવાનો છે. તું પત્ર જરૂર ને તરત લખજે. તારી મનોદશા ને સ્થિતિ જણાવજે.