ઋષિકેશ,
તા. ૨૪ નવે. ૧૯૪૩
પરમ પ્રિય ભાઈ શ્રી,
તારો પત્ર તા. ૧૫ મીએ મળ્યો હતો. હજી હું અહીં જ છું. તારો પ્રેમ કાયમ જ રાખજે. તમારા જેવા ઉચ્ચ આત્માઓના આશિષ મને ખૂબ ખૂબ મદદ કરશે. માટે તું પણ જરૂર આશિષ આપજે. હું અહીંથી પરમ દિવસે નીકળવા વિચાર રાખું છું. અહીંથી ૪૦-૪૨ માઈલ દૂર દેવપ્રયાગ છે ત્યાં જવાશે. તે સ્થાન વિષે મેં તને લખ્યું હશે. ખૂબ સુંદર છે. ભાગીરથી ને અલકનંદા બે નદીનો સંગમ થાય છે. ત્યાંથી છ-સાત માઈલ દૂર દશરથાચલ પહાડ છે. ખૂબ જ ઊંચો, એકાન્ત ને સુંદર. મને તે ખૂબ ગમી ગયો હતો. ત્યાં એકલા રહેવા હૃદય કહે છે.
હમણાં તો નોકરી ચાલુ જ રાખવી ઠીક છે. મારા ધાર્યા પ્રમાણે એ વધારે માથાકુટનું કામ તો નથી જ. કેમકે આર્થિક સ્વાતંત્ર્ય એ પણ ગૃહસ્થ જીવનમાં એક અગત્યની વસ્તુ છે. એટલે તે પ્રત્યે દુર્લક્ષ કરી શકાય નહીં. હા, અર્થ એ જ આપણો આદર્શ ના હોય. વળી હમણાં ફકત ધ્યાન કે યોગ કરીને આપણે દિવસો પસાર કરીએ એ આપણી સ્થિતિ નથી. તે ઉપરાંત એક બીજી વસ્તુ. જેમ આગળના કોઈ એક પત્રમાં લખ્યું હતું તેમ ફરી લખું છું કે ભૂમિકા એ મુખ્ય વસ્તુ છે. તે તૈયાર થાય એટલે બીજી બધી વસ્તુ આપોઆપ આવે છે. ત્યાગ પણ કાંઈ કરવાનો નથી હોતો, તે તો થાય છે. એ એક ભૂમિકા છે. આધ્યાત્મિક વિકાસની સ્વભાવગત અવસ્થા છે, ને યોગ્ય સમય આવતા તે થઈ રહે છે. જેમ પરિપકવ પાંદડું વૃક્ષ પર રહી શકતું નથી, ખરી પડે છે, તેવું જ મુકતાત્મા કે ઉચ્ચ પુરુષનું છે. આ એક અદભૂત રહસ્ય છે. આને લક્ષમાં ન લેવાથી ને પોતાની ઈચ્છાથી જ ઘરબહાર, સ્નેહી વગેરેનો ત્યાગ કરવાથી કેટલાંક જીવન નષ્ટપ્રાય થઈ જાય છે, ને ત્રિશંકુની દશા ભોગવે છે. સમય આવતાં અદૃષ્ટ પોતે જ ત્યાગની ઈચ્છા રૂપે અવતીર્ણ થાય છે. આ રહસ્યને લીધે જ ગીતાએ ક્યાંય પણ બાહ્ય ત્યાગ કરવા પર જોર દીધું નથી. કેવું ઉદાત્ત રહસ્યજ્ઞાન !....માટે હમણાં તો જપ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે કરતા રહેવું ને બેનોને જગદંબા સમજી, મનોમન પ્રણામ કરી તેમના જીવનમાં રસ લેવો ને તેને યોગ્ય વળાંક આપવા પ્રયાસ કરવો. તમારે એમ માનવું જ નહિ કે તમે શિક્ષક છો કે પગારદાર છો. બેનોના પ્રિય બંધુ બનીને જ તમે ત્યાં જાઓ છો ને ઈશ્વરની ઈચ્છાનુસાર તે પ્રવૃત્તિ કરો છો એમ સમજવું. આથી સંતોષ ને સુખ તથા અદભૂત અનાસક્તિ રહેશે.
ધ્યાન કરવાની ટેવ જો રાતે પાડી શકો તો સારું. રાતે ત્રણેક વાગે. નહિ તો બાર વાગે ઊઠી એકાદ કલાક પછી પાછા સૂઈ શકો. તે માટે સુવાનું ખૂબ વહેલું રાખવું જોઈએ ને રાતનો આહાર ખૂબ સૂક્ષ્મ જોઈએ. આગળના પત્રમાં તમે ગુરુ વિષે લખ્યું હતું પણ ઈશ્વરને જ ગુરુ માનવો. તેના પર અપાર શ્રદ્ધા રાખીને તેની પાસે હૃદયને ખુલ્લું કરવું. એ જ માર્ગ બતાવશે. સમયાનુસાર એવાં માણસોને પણ એ મેળવી આપશે કે જે આપણી વ્યક્તિગત સાધનાને વેગ આપે. નિયમિત જપ તથા ધ્યાન કરવાનો અભ્યાસ રાખવાથી ખૂબ સારો વિકાસ થાય છે એ વિશ્વાસ રાખવો. રામકૃષ્ણદેવનું કેવું હતું ! તેમને જે સમયે જે ગુરુની જરૂર પડી તે આવી મળ્યા. મૂળ વાત ભૂમિકાની છે. યોગ્યતા કેળવવાની છે. દરેક સાધનનું મૂળ આંખ સામે રાખવું જોઈએ. એ મૂળ દૈવી સંપત્તિ કે સાત્વિક અંતઃકરણની પ્રાપ્તિ છે. આ જ મૂળ વસ્તુ છે. જો આ સાધ્ય થાય તો જ્ઞાન, ભક્તિ ને યોગનાં રહસ્ય કરતલ જેમ થઈ જાય ને યુગોનો વિકાસ એક ક્ષણમાં જ થઈ શકે. સાંજે કે રાતે અમુક સમય એકલા બેસવાની ટેવ પાડવી ને તે સમય જીવનના પરીક્ષણમાં કે ઊંડી પ્રાર્થનામાં ગાળવો. તે ઉપરાંત ગીતાનું સાર્થ વાચનમનન ને તે પ્રમાણે જીવન બનાવવાનો પ્રયાસ, આ બધું ખૂબખૂબ અગત્યનું છે. પ્રાર્થનામાં અદભુત બળ છે. બાળકનો અવાજ જેમ મા સાંભળે છે તેમ સાચા હૃદયની પ્રાર્થના કદી નિષ્ફળ જતી નથી. માટે સાધન-દશામાં પ્રાર્થનામય જીવન જીવવું જોઈએ. જીવનની હરેક ક્ષણને પ્રાર્થનામય બનાવવી એ પ્રાર્થનામય જીવન છે.
માતાજીના પ્રશ્ન માટે આજની નિશ્ચિંતતા ને ઈશ્વરનિષ્ઠાની અડગતા ને સહજતા અનુપમ છે. તે વિચાર જ નથી થતો. એ ઈશ્વરની જ લીલા છે. તેવી જ રીતે હું ક્યાં જઈને રહીશ, કેટલો સમય રહીશ, ક્યારે પાછો ફરીશ, વગેરે કશું જ આજે મારા વિચારમાં નથી. એ બધું ઈશ્વરના હાથમાં જ છે, ને તે જ્યાં લઈ જાય ત્યાં જ જવાનું છે. આધ્યાત્મિક માર્ગ અનંત છે ને ઈશ્વરની લીલા પણ તેવી જ અનંત છે. દરમ્યાન તમારા બધાની સ્મૃતિ તો રહેશે. એમ તો લાગે છે કે એ બધું જાણે પૂર્વજન્મનું છે પરંતુ તેમ પણ રહેશે. જો કે એક વિચાર પત્રવ્યવહારને તદ્દન દૂર કરવાનો છે પરંતુ ઈશ્વરેચ્છા હશે તો લખાતું રહેશે.
એક બીજી વાત કે હું આ પ્રમાણે ઉપર જઉં છું ને અહીંનું કાર્ય મૂકી દઉં છું તેનું કારણ એમ નથી કે માતાજી બંધનરૂપ લાગે છે. તે તો પ્રત્યક્ષ માતા જ છે. તેની શક્તિ ને ધન્યતા અપાર છે. પરંતુ મારા કરતાં ઈશ્વરના સબળ હાથે તેની પૂરી સંભાળ લીધી છે એ વિશ્વાસ જ આના મૂળમાં છે.