if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઋષિકેશ,
તા. ૩ નવે. ૧૯૪૪

પરમપ્રિય ભાઈ,

ગઈ પૂર્ણિમાને દિવસે સરોડાથી અમદાવાદ આવવાનું થયું. ભાઈ, તું એમ ના ધારીશ કે તને મળવાનું નથી થયું એ તારી પોતાની જ કોઈ ત્રુટિનું પરિણામ છે, તેવું કંઈ જ નથી. તારી યોગ્યતા વિશે તો શંકા જ ક્યાંથી ? પરંતુ એમ જ માનજે કે ઈશ્વરે આટલો લાંબો સમય કોઈ વધારે સુંદર ફળ લાવવાને માટે નિર્મિત કર્યો હશે. પૂર્ણ શાંતિની અવસ્થા પહેલાનાં દિવસ ને રાતનાં જાગરણ તથા ઉગ્ર સાધનપરાયણતા ક્યાં નકામા હોય છે ?

તારો કાર્યક્રમ કેવોક ચાલે છે ? આધ્યાત્મિક માર્ગમાં સૌથી અગત્યની વસ્તુ ઈશ્વરશરણની છે. મનુષ્યને જીવનની અનેક સુંદર ક્ષણોએ પોતાનાથી કોઈ વિશિષ્ટ શક્તિની સત્તા વિશે પ્રતીતિ થાય છે. આ સત્તા પર પૂર્ણ શ્રદ્ધા રાખીને તેને માટે જ પ્રયાસ કરવો એ એક જીવનધર્મ છે. જે જે વસ્તુ જે જે વખતે જરૂરી લાગે તે તે વસ્તુ આ વિશિષ્ટ શક્તિ અથવા ઈશ્વરની પાસે જ માગી લેવી. જીવનમાં ઘણી વાર માર્ગદર્શનની જરૂર હોય છે. આત્માનો પંથ પહેલેથી જ સ્વચ્છ નથી હોતો. તેમાં અનેક ભુલભુલામણી પણ હોય છે. પણ દૃઢ નિશ્ચયી ને શ્રદ્ધાળુ આત્મા કદી તેથી મુંઝાતો કે ડરતો નથી. તે તો ઈશ્વરને પ્રાર્થના કરી છૂટે છે. ને ઈશ્વર તેને બુદ્ધિયોગ પ્રદાન કરીને તેનો માર્ગ અજવાળી આપે છે.

બીજી અગત્યની વસ્તુ સાધનપરાયણતાની છે. સાધનમાં સફળતા મળે કે ન મળે, સતત મંડ્યા રહેવું જોઈએ. પરંતુ એ પણ સાચું છે કે જેને સાધનમાં રસ આવશે તે જ તેની પાછળ કમ્મર કસીને પડશે. કહેવાની જરૂર ભાગ્યે જ હોય કે આ એકનિષ્ઠ યોગની પ્રાપ્તિને સારુ માણસે સર્વ પ્રકારની આસક્તિથી દૂર રહેવું જોઈએ. જેનું ચિત્ત સંસારના નાનાવિધ પદાર્થોમાંથી ઉપરામ થયું નથી, જે ઈન્દ્રિયોના ક્ષણિક સુખનો જ ગુલામ થઈને બેસી રહ્યો છે; સ્ત્રી, પુત્ર તથા મિત્રો ને સંબંધીઓના ગાઢ પ્રસંગો જેને લાગણીનાં એકથી એક ઊંચા શિખરો પર વારંવાર નાખ્યા ને ઉથલાવ્યા કરે છે; એ માણસ અનાસક્તિ કેળવી શકે જ કેવી રીતે ? તેને સાધનમાં રસ પણ કેમ આવે ? જે મન પવિત્ર થયું હશે તે જ પોતાના પ્રતિબિમ્બ જેવા આનંદને સાધન દ્વારા અનુભવી શકશે. જે દર્પણ સ્વચ્છ નથી તેમાં મુખનું પ્રતિબિમ્બ દેખાઈ શકશે ખરું કે ? એટલે આધ્યાત્મિક વસ્તુનો પૂર્ણ રસ લેવા સારુ મનુષ્યે ઈન્દ્રિયોની ગુલામીમાંથી પર થઈ, સાંસારિક વિષયોની વચ્ચે સ્થિરતા જાળવીને ઈશ્વરપરાયણ થઈ રહેવાનું છે.

યાદ રાખવું જોઈએ કે આ એ દેશ છે જ્યાં લાખોની સંખ્યામાં મહર્ષિઓ ને બ્રહ્મર્ષિઓ હતા, ને હજીયે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિને માટે સર્વસ્વનો ત્યાગ કરી આત્મારામ જીવન ગાળનારા અલમસ્ત યોગીઓ જેની પવિત્ર કૂખમાંથી જન્મ લઈને જગતને પાવન કરતા હતા; જ્યાં સાંસારિક વૈભવ, ભોગ ને વિલાસથી અતીત એવું તદ્દન સાદું-સંયમી જીવન ગાળવામાં જ મનુષ્યો કૃતકૃત્ય હતાં; આ એ ભૂમિ છે, એ હિંદ છે; એના પર એને જ પગ મૂકીને સગૌરવ સુવાનો અધિકાર છે જેણે આવું જીવન જીવી બતાવ્યું હોય, જેણે અધ્યાત્મમાર્ગની દીક્ષા લીધી હોય. આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે માટે હમેશાં વિજય ને વિજય જ છે.

*

ઉચ્ચોચ્ચ કાર્ય કરી નાખવાની ભૂખ લાગવી જોઈએ, ને તે બનાવટી નહિ પણ સાચી જ જોઈએ. અરે, સાંસારિક વ્યાપારમાં સડતો માણસ આ ભૂખ કે તૃષ્ણાને જગાડીને આગળ વધે છે; હજારો સંકટો તેના માર્ગમાં આવે છે છતાંય રોકાતો નથી, તો પછી જેને આત્મદર્શનની લગની છે તેનું તો શું કહેવું ? તેનું ચિત્ત તો કશામાં લાગવું ન જોઈએ; એક ઈશ્વરના જ તેણે ગુલામ થવું જોઈએ. તેના જ સ્મરણમનનમાં લવલીન થઈ રહેવું જોઈએ. પિયરમાં રહેનારી વહુ સારી રીતે સમજે છે કે આ મારા પિતાનું ઘર છે, આનંદ પણ કરે છે, પણ તેને દિવસે ને રાતે જે સ્વપ્ન આવે છે તે તો પોતાના સાસરાનાં જ હોય છે; તેનો પતિ તેની આંખેથી ખસતો જ નથી; આત્માની સાથે આવો ઉચ્ચ પ્રેમ થઈ જાય તો પછી શું બાકી રહે ? સફળતાઓ એ તો નજીવી વાતો છે ને તેને તો ઠોકર માત્રથી ઉડાવી દેવી જોઈએ, સફળતાને ને પ્રેમને આદવેર છે. આપણી તૃપ્તિ હોય તે સફળતાની પ્રાપ્તિથી નહિ પરંતુ સર્વસ્વ આત્મપરાયણ કર્યું છે એ ભાવથી હોય. આવું થશે તો ઈશ્વરને પણ આપણા પરમ પવિત્ર નિરપેક્ષ પ્રેમની ઈર્ષ્યા થયા વિના રહેશે કે ?

*

વિઠ્ઠલભાઈ ત્યાં હશે. ઋષીકેશમાં તેમનો તેમના લખ્યા પ્રમાણે ‘જિદગીમાં સૌથી પહેલો પત્ર’ મળ્યો હતો. પણ અમરફળ કાંઈ વારંવાર ખાવાની જરૂર હોતી નથી, તે તો એક વાર ખાવાથી જ બસ થાય છે, તેમ તેમનો એ ટૂંકો ને સુંદર પત્ર હજી સ્મરણમાં છે. વિઠ્ઠલભાઈનું  જિજ્ઞાસુ આત્મપ્રેમી હૃદય તેમાં મૂર્ત થાય છે. તેમને યાદ આપશો.

તારું કરુણ પ્રેમી હૃદય સ્મરણમાં છે. એમ ના સમજીશ કે આટઆટલા સમયથી આ તરફ આવ્યા છતાં તને ન મળાયું તેનું કારણ તારી વિસ્મૃતિ છે. તું એટલે એક હાડમાંસનો બનેલો આકાર નહિ પણ તેની અંદરનો શુદ્ધ પ્રેમી આત્મા : આ સગાઈ કદી છૂટી શકે તેમ નથી; કેમ કે આત્મા બધે જ એક છે. જીવનના બધાય પ્રયત્નો ને સાધનો આ એક અતીન્દ્રિય સત્યની અનુભૂતિ માટે જ છે. જીવનનું ચરમ લક્ષ આ જ છે : ઈશ્વરદર્શન, આત્માનુભૂતિ. જગતમાં અનેક પદાર્થો છે - સ્ત્રી, પુરુષ, પશુ, વનસ્પતિ, પત્થર વગેરે. દરેકનાં નામ ને રૂપ જુદાં જુદાં છે. અજ્ઞાનનું આવરણ હોય છે ત્યાં સુધી તો આવી ભેદદૃષ્ટિ જ રહે છે. જ્ઞાનનું કિરણ માત્ર ફેલાતાં આખી દૃષ્ટિ ફરી જાય છે. જગતના વિવિધ પદાર્થો દેખાય છે ખરા, પણ તે સર્વની અંદરથી દૃષ્ટિ કરી રહેલું આત્મતત્વ કે ચૈતન્ય જ તેને તો પ્રતીત થાય છે. આ જ દર્શન છે. ગીતા આને જ જોવું કહે છે. કેમ કે જગતને જોવું એ જોવું નથી, તેની અંદરની ઈશ્વરી શક્તિને જોવી એ જ જોવું છે. આ ઉચ્ચોચ્ચ ધ્યેયની પ્રાપ્તિ કરતાં જ ભેદ ટળી જાય છે, કૃતકૃત્યતા મળે છે.

*

કેટલાક આત્માઓ જગત પર જન્મ્યા હોય છે. તેમને જન્મતાં જ ઈશ્વરે પોતાના પ્રેમી તરીકે પસંદ કર્યા હોય છે. આટલું થયું એટલે બસ; વાતાવરણ ગમે તેવું હોય તેની અંદરથી સંભાળીને પાર ઉતારવાનું કાર્ય ઈશ્વર જ કરે છે. તારી ગણતરી પણ આવા ઉચ્ચ આત્માઓમાં છે એમ આજે વર્ષોથી લાગ્યા કરે છે.

*

લે ત્યારે એક વાત લખીને સમાપ્તિ કરીએ. ગીતાના નીચોડરૂપ કેટલીક વાતો છે જે મનન કરવાથી જીવનને આમૂલ પલટાવી નાખવા પૂરતી છે. તેવી એક વાત ત્યાગની છે. ગીતાના સારને જો એક શબ્દમાં કહેવો હોય તો તે ત્યાગ કહી શકાય છે. ખરી રીતે ‘ગીતા’ એનું ઉલટું ‘તાગી’ ‘ત્યાગી’ યા એવું જ છે. આ ત્યાગ કેટલા પ્રકારનો છે તે જાણવા જેવું છે. એક તો જિહ્વાનો સ્વાદ, વિષયનો સ્વાદ વગેરે. ઈન્દ્રિયોના વિષયો તેમ જ કૃત્રિમ શરીરની સજાવટનો ત્યાગ. બીજો, મનની અંદરનો ત્યાગ એટલે કે રાગ-દ્વેષ, કામ-ક્રોધ, માન-અપમાન, એવાં દ્વંદ્વોનો ત્યાગ. ત્રીજો ત્યાગ પ્રતિષ્ઠા, ધન, સ્ત્રી, (વિષય) દુન્યવી તૃષ્ણા તેનો ત્યાગ. આમાં સમજાશે કે એકેકથી આ વધારે ઊંચા લાગતાં પગથિયાં છે. હૃદયશુદ્ધિ થવા માંડે ને મનુષ્ય દૈવી રસ્તે વળે કે તરત પ્રતિષ્ઠા, ધન વગેરે આવી પહોંચે છે. આનો ત્યાગ એ એક કઠિન વસ્તુ છે. આ પછીનો ચોથો ત્યાગ એ શરીરની આસક્તિનો એટલે કે ઊંચા શબ્દમાં દેહાધ્યાસનો ત્યાગ છે. એટલે કે (૧) જીવનના ઉચ્ચોચ્ચ લક્ષને માટે શરીરને પણ તૃણ જેવું સમજી હોમવાની તૈયારી હોવી અને (૨) એ લક્ષની પ્રાપ્તિ પછી શરીરની આસક્તિ તદ્દન જતી રહેવી, ‘હું શરીર છું’ એ ભાવના મરી જવી. અને આ બધું થયા છતાં પણ જે એક વસ્તુ સૌથી અઘરી છે તેની ત્યાગના છેલ્લા પગથિયે ગણતરી થાય છે. તે ત્યાગ કર્યો છે અથવા તો આવો સ્વાભાવિક ત્યાગ થયો છે એવા અહંકારનો કે વિચારનો પણ ત્યાગ. ગીતાની એક આટલી જ વસ્તુને જીવનમાં ઉતારવામાં આવે તો કેટલો અદભુત ચમત્કાર કરી બતાવે એ સમજાશે. ગીતાની દરેક વસ્તુ આવી છે. કોઈ પણ એકને પકડતાં બધું આવી જાય છે.

પત્ર વડોદરા લોહાણા બોર્ડીંગને સરનામે લખજો.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.